ભાગ : ૪ – ઋતુ ચર્યા | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આજે ઋતુચર્યાની વાત કરવાની છે. શરૂઆતની પોસ્ટમાં કહ્યું હતું એમ ભારત 6 ઋતુઓનો દેશ છે, ત્રણ નહીં. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આપણે આ ઋતુઓનું સિગ્નિફિકન્સ ભૂલી ગયા છીએ. પણ ભૂલી જવાથી એ મટી થોડું જાય? કઈ ઋતુ ક્યારે આવે એ આમ યાદ ન રહે તો પણ આપણા તહેવારો પણ એ યાદ દેવડાવી દે એવા છે. જેમ કે વસંતમાં હોળી આવે, વર્ષામાં જન્માષ્ટમી આવે, શરદમાં નવરાત્રી અને શરદપૂર્ણિમા આવે. આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર અને 1 થી 30 કે 31 તારીખો વાળા “ગ્રેગોરીયન કેલેન્ડર” મુજબ ભલે આપણા વ્યવહારો ચલાવીએ, પણ કારતકથી આસો વાળું અને સૂર્ય ચંદ્રની ગતિ આધારિત એકમથી પૂનમ કે અમાસની તિથિઓ વાળું “ભારતીય કેલેન્ડર” જે હકીકતે વધુ અપડેટેડ અને એડવાન્સ છે એને ધ્યાનમાં રાખીને જરૂર જીવીએ, આપણા જ ઉત્તમ સ્વાસ્થ્ય અને शरीरबल માટે.
એક સંવત્સર એટલે કે વર્ષના 6 વિભાગ થાય છે, જે છ ઋતુ કહેવાય છે. એના (માત્ર) આપણા શરીર પર (નહીં, પણ આખી સૃષ્ટિ પર) ના પ્રભાવ મુજબ એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક आदानकाल અને બીજો विसर्गकाल. આદાન એટલે લઇ લેવું અને વિસર્ગ એટલે છોડવું, જે અહીં આપવાના અર્થમાં છે. આદાન કાળ આપણું बल ધીરે ધીરે લઇ લે છે અને વિસર્ગ કાળ આપણને ધીરે ધીરે बल આપે છે.
સૂર્યની ઉત્તર તરફની ગતિ (उत्तरायन) જે ત્રણ ઋતુમાં હોય એ આદાન કાળ છે. એની ત્રણ ઋતુઓ છે- શિશિર, વસંત અને ગ્રીષ્મ. આ ત્રણ ઋતુઓમાં बल ઉત્તરોત્તર ઘટે છે. એમ જ સૂર્યની દક્ષિણ તરફની ગતિ (दक्षिणायन) જે ત્રણ ઋતુઓમાં હોય એ વિસર્ગકાળ. એની ત્રણ ઋતુઓ છે- વર્ષા, શરદ અને હેમંત. આ ત્રણ ઋતુઓમાં बल ઉત્તરોત્તર વધે છે. એટલે હેમંત અને શિશિરમાં बल એના પિક લેવલ પર એટલે કે હાઈએસ્ટ હોય, વસંત અને શરદ ઋતુમાં बल મધ્યમ હોય અને ગ્રીષ્મ અને વર્ષા ઋતુમાં बल તળિયે એટલે કે લોએસ્ટ હોય. આ આખું ગ્રાફિકલી પોસ્ટ સાથેની બીજી ઇમેજમાં દર્શાવ્યું છે. એ बल ની અવસ્થા અનુસાર દરેક ઋતુનો નિર્દિષ્ટ અને નિષિદ્ધ આહાર-વિહાર છે.
આ બળ વધ ઘટ કેમ થાય છે એનું કારણ વિસ્તારથી સમજાવાયેલું છે, પણ અહીં સમજાવવા જતાં બહુ લાંબું થઈ જશે એટલે એ ટૂંકમાં કહું તો સૂર્યનું બળ, ચન્દ્રનું બળ અને વાતાવરણની અસર આટલા પરિબળોનો શરીર પરનો કુલ પ્રભાવ આમાં ભાગ ભજવે છે.
ઋતુચર્યા વિશે ચરકસંહિતા કહે છે,
तस्याशिताद्याहारात् बलं वर्णश्च वर्धते।
यस्यर्तुसात्म्यं विदितं चेष्टा आहार व्यपाश्रयम्।।(चरकसंहिता सूत्रस्थान अध्याय 6: तस्याशितीय – 3)
અર્થાત્ જેને ઋતુસાત્મ્યનું જ્ઞાન છે, જેનો આહાર અને વિહાર ઋતુઓ અનુસાર છે, એનું बल (આપણી ચાલી રહેલી ચર્ચાના સંદર્ભમાં ઇમ્યુનિટી) અને वर्ण (શરીરની આભા અને તેજ) સતત વધે છે.
તો આયુર્વેદમાં ઋતુઓના આપણા शरीरबल પરના પ્રભાવ વિશે શું કહ્યું છે અને કઇ ઋતુમાં શું કરવાથી અને શું અવોઇડ કરવાથી शरीरबल ઉત્કૃષ્ટ રહે એ જોઈએ આજે. આ પોસ્ટના બધા રેફરન્સ ચરકસંહિતાના सूत्रस्थान ના तस्याशितीय અધ્યાયમાંથી લીધેલા છે.
(1) હેમંત અને શિશિર ઋતુચર્યા
હેમંત અને શિશિર બંને સંયુકત રીતે શીત ઋતુ ગણાય છે એટલે બંનેના આહાર વિહાર સરખા જ છે. પણ શિશિરમાં ઠંડી વધારે થતી હોવાથી એમને વધારે સ્ટ્રીક્ટલી ફોલો કરવાના હોય છે.
શીત ઋતુમાં શરીરની આંતરિક ઉષ્મા ઊર્જા બહાર નથી નીકળી શકતી, કારણ કે બહારથી થતી ઠંડક એને રોકી રાખે છે. એટલે અગ્નિ શરીરમાં જ રહે છે અને સરવાળે અગ્નિબળ (મેટાબોલિક પાવર) શ્રેષ્ઠ હોય છે શીત ઋતુમાં.
આટલો આહાર ખાસ લેવો
- સ્નિગ્ધ (ઘી-તેલવાળા), ખાટા અને ખારા સ્વાદવાળા ખાદ્ય પદાર્થો, ગોરસ (ગાયનું દૂધ, દહીં, છાશ, માખણ અને ઘી), શેરડી અને ગોળ, નવા ચોખા.
- પીવા માટે ઉષ્ણોદક એટલે કે ગરમ પાણી વાપરવું સ્વાસ્થ્યપ્રદ છે.
વિહાર
- અભ્યંગ, ઉદ્વર્તન, માથે તેલ લગાવવું, સૂર્યના કિરણોનું સેવન, ઉષ્ણ વાતાવરણ હોય એવા ઘરમાં રહેવું.
- જે વાહનમાં સવારી કરવાની હોય તે ઢાંકેલું હોવું જોઈએ.
- વિવિધ પ્રકારના ગરમ અને ભારે વસ્ત્રો પહેરવાં અને ઓઢવાં.
- શરીર પર અગુરુનો લેપ કરવો.
- શીત ઋતુમાં યથાશક્તિ મૈથુનનો નિર્દેશ છે, એનો નિષેધ નથી.
નિષેધ
- વાત વધે એવો અને હળવો આહાર ન લેવો.
- તેજ હવાઓથી બચવું.
(2) વસંત ઋતુચર્યા
શીત ઋતુ (હેમંત-શિશિર)માં શરીરમાં કફ જમા થયેલો હોય છે જે વસંત ઋતુમાં થોડા વધુ પ્રબળ થયેલા સૂર્યકિરણો દ્વારા પીગળે છે. જે અગ્નિ (મેટાબોલિક પાવર)ને ઘટાડે છે. (એટલે જ આ ઋતુમાં શ્વસનતંત્રના રોગો અચાનક વધી જાય છે.)
વસંત ઋતુ વમન વગેરે પંચકર્મ કરવા માટે ઉત્તમ છે. (વમન એ વધેલા કફ માટેનું શ્રેષ્ઠ ચિકિત્સા કર્મ છે)
આહાર
- ભોજનમાં ઘઉં અને જવનો ખાસ ઉપયોગ કરવો.
વિહાર
- વ્યાયામ, ઉદ્વર્તન, ધૂમપાન, આંજણ વિશેષ કરવું.
- સુખોષ્ણ એટલે કે પ્રમાણસરના નવશેકા ગરમ પાણીથી સ્નાન કરવું.
- શરીરમાં ચંદન, અગુરુનો લેપ કરવો.
- જેમાં બહુ જ ફૂલો અને ફળો હોય એવા વનોનું સેવન કરવું. (જંગલ વિસ્તારમાં ફરવા જવું હોય તો વસંત ઋતુમાં જવાય.)
નિષેધ
- પચવામાં ભારે, ખાટો, અને સ્નિગ્ધ (ઘી-તેલ વાળો) અને મધુર (મીઠા સ્વાદ વાળો) આહાર ન લેવો અને વસંતમાં ખાસ દિવસે સૂવું નહીં.
(3) ગ્રીષ્મ ઋતુચર્યા
ગ્રીષ્મ ઋતુમાં સૂર્યના અતિશય તીક્ષ્ણ કિરણો આપણું बल હરી લે છે.
આહાર
- મધુર (મીઠા સ્વાદ વાળો), શીત (ઠંડક વાળો- ફ્રીજનો ઠંડો નહીં, પોતાની પ્રકૃતિથી ઠંડો), વધારે દ્રવ (લિક્વિડ) અને સ્નિગ્ધ (ઘી-તેલ વાળો).
- સાકર સાથે બનેલા મંથ (આયુર્વેદની એક રેસિપી)નું અને જૂના ચોખા સાથે ઘી અને દૂધનું સેવન (ખીર) ખાસ કરવું.
- આટલું આહારમાં લેવાથી ગ્રીષ્મમાં આવતી દુર્બલતાનું પ્રમાણ ઘટે છે.
વિહાર
- દિવસે ઠંડક વાળા નિવાસમાં રહેવું.
- રાત્રે ચન્દ્રના કિરણોની નીચે ખુલ્લી છત પર સૂવું.
- મોતીનું ધારણ કરવું (મોતી એ શરીરમાં ઠંડક ઉત્પન્ન કરતું રત્ન છે.)
- શીતળ વસ્ત્રોનું ધારણ અને શીતળ પાણીનું સેવન કરવું.
- ગ્રીષ્મ એક એવી ઋતુ છે જેમાં બપોરે સૂવું સ્વાસ્થ્ય માટે સારું છે.
નિષેધ
- ખારા (નમક નાખેલા), ખાટા, તીખા અને પ્રકૃતિથી ગરમ પદાર્થો ન લેવા.
- વ્યાયામ અને મૈથુન નિષિદ્ધ છે ગ્રીષ્મ ઋતુમાં.
હવે જુઓ. અલ્પ અને સૌથી નબળું बल રહેતું હોવાના કારણે ગ્રીષ્મ ઋતુમાં કોઇ પણ ફિઝિકલ એક્ઝર્શન (શારીરિક શ્રમ અને બહુ થાક લાગે એવી પ્રવૃત્તિ) કરવાની નથી. આપણે શું થાય છે? વેકેશન મે મહિનામાં જ હોય અને ફરવા જવાનું પણ એમાં જ થાય. એકદમ ઘટેલા बल વાળા શરીરને વધારે શ્રમ પડે. એટલે પાછા આવ્યા પછી રૂટિન જીવનમાં આપણી પ્રોડક્ટિવિટી પણ ઘટી જાય અને સ્વાસ્થ્ય પણ બગડે. ઉનાળાના વેકેશનમાં ગ્રીષ્મ ઋતુચર્યા મુજબ શરીરને એકદમ આરામ આપવો અને વધારે લોડ ન આપવો જરૂરી છે.
(4) વર્ષા ઋતુચર્યા
આદાન કાળ જસ્ટ પૂરો જ થયો હોવાથી बल હજી નબળું જ છે. અને શરીરનો અગ્નિ (મેટાબોલિક પાવર) વરસાદ, વાયુ વગેરેના કારણે બગડેલો જ રહે છે વર્ષા ઋતુમાં પણ.
આહાર
- વર્ષા ઋતુમાં મધનો ઉપયોગ ખાસ કરવો.
- જ્યારે વધારે વાયુ વહેતો હોય અને વરસાદ હોય એ દિવસોમાં મીઠા, ખાટા સ્વાદ વાળા અને નમક વાળા પદાર્થો તેમ જ સ્નેહ દ્રવ્યો (ઘી-તેલ) લેવા.
- જવ, ઘઉં, જૂના ચોખા અને યૂષ (આયુર્વેદની એક અન્ય રેસિપી) લેવા.
- પીવામાં માહેન્દ્ર જળ (એટલે કે વરસાદનું પાણી), કુઆનું પાણી અને સરોવરનું પાણી પીવું.
- વર્ષાઋતુમાં પાણીને ગરમ કરીને ફરી ઠંડું પડે પછી પીવું.
વિહાર
- ઉદ્વર્તન, સુગંધિત પુષ્પોની માળા, સુગંધી દ્રવ્યોથી સ્નાન
નિષેધ
- બપોરે સૂવું, ઝાકળનાં બુંદો, નદીનું પાણી, વ્યાયામ, તડકો, અને મૈથુન- આટલું વર્ષાઋતુમાં નિષિદ્ધ છે.
(5) શરદ ઋતુચર્યા
વર્ષા ઋતુ એ પિત્તના જમા થવાની ઋતુ છે, જેનો શરદમાં પ્રકોપ થાય છે. (આ ઋતુમાં એસિડિટી, શરીરના વિવિધ ભાગોમાં બળતરાના દર્દીઓ વધી જાય છે એ મેં અનુભવ્યું છે.)
આહાર
- મીઠા સ્વાદવાળા, પચવામાં હલકા, પ્રકૃતિથી ઠંડા અને કડવા સ્વાદ વાળા પદાર્થો લેવા. (જે પિત્તને ઘટાડનારા છે.) કડવા સ્વાદવાળી દવાઓથી પકાવેલા ઘીનું સેવન કરવું.
વિહાર
- સુગંધી ફૂલોની માળા અને ચન્દ્રના કિરણોનું સેવન શરદ ઋતુમાં ખાસ કરવું.
- શરદ ઋતુમાં વિરેચન અને રક્તમોક્ષણ ચિકિત્સા કરાવવી શરીર માટે શ્રેષ્ઠ છે. (એ માટે તમારા વૈદ્યનો સંપર્ક કરવો. આ ચિકિત્સા વધેલા પિત્તના શમન માટે છે.)
નિષેધ
- તડકામાં રહેવું, તેલ, ઝાકળ, દહીં, બપોરે સૂવું, સીધા પવનમાં રહેવું – આટલું નિષિદ્ધ છે.
આ શરદ ઋતુમાં એક ખાસ ઉલ્લેખ છે “હંસોદક” સેવનનો.
આપણે શરદ પૂર્ણિમાના દૂધ પૌંઆ તો ચન્દ્રના કિરણોમાં મૂકેલા ખાધા હશે. પણ આખી શરદ ઋતુમાં બપોરે સૂર્યમાં તપેલું સરોવરનું પાણી રાત્રે ચન્દ્રના અને અગત્સ્ય નક્ષત્રના કિરણોમાં રાખીને સવારે પીવાનું કહ્યું છે, એ શરીરને, સ્વાસ્થ્યને અને बलને અમૃત સમાન હિતકારક છે એવી ઉપમા ચરક એને આપે છે.
એક સરસ વાત છેલ્લે.
पश्येम शरदः शतं
जीवेम शरदः शतं
श्रुणुयाम शरदः शतं
प्रब्रवाम शरदः शतं
अदीनाः स्याम शरदः शतं
भूयश्च शरदः शतात् ॥
યજુર્વેદની આ પ્રાર્થનામાં સૂર્યદેવ પાસે એવી કામના કરવામાં આવે છે, કે “હું સો શરદ ઋતુ જોઉં. સો શરદ ઋતુ જીવું. સો શરદ ઋતુ સુધી સાંભળું. સો શરદ ઋતુ સુધી (સ્પષ્ટ) બોલું. સો શરદ ઋતુ સુધી હું અદીન (એટલે દુઃખી અને લાચાર ન હોય એ) રહું. અને આવું સો શરદ ઋતુ જ નહીં, એનાથી પણ આગળ સુધી રહે.”
અહીં સો વર્ષ જીવવાની જ વાત નથી, સો વર્ષ સુધી આંખ, કાન, જીભ વગેરે સલામત અને બગડ્યા વગરના રહે અને એવું સ્વાસ્થ્ય રહે કે લાચારી ન આવે એ ભાવ છે આમાં. આ પ્રાર્થના કોઈ આદર્શ અને અસંભવ માંગણી નથી, પણ એ સમયમાં એવું બહુ કોમન હતું એવું સમજી શકાય. આજે 50 વર્ષ આસપાસ હાર્ટ એટેકમાં થતા મૃત્યુનું વધતું પ્રમાણ, નાની ઉંમરે શરીરનું ડાયાબિટીસ બ્લડ પ્રેશર વગેરે રોગોનું ઘર બની જવું એ પ્રોગ્રેસ છે કે રિગ્રેસ ?
જો આ આયુર્વેદોક્ત દિનચર્યા અને ઋતુચર્યા પ્રમાણે જીવવામાં આવે તો તમને નથી લાગતું કે જીવનમાં ક્યારેય કોઈ વિટામિન કે મિનરલ્સની ડેફિશિયન્સી ન થાય? અને આ બધાથી રોગોની હોલસેલ દુકાન બની ગયેલા શરીરને કેમિકલ દવાઓના અને ડાયાલિસિસ વગેરે કૃત્રિમ પદ્ધતિઓના સહારે રીતસર “ઢસડી ઢસડી”ને ચલાવવું પડે છે. એનું એ જ કારણ છે, કે 365 દિવસ એક જ પ્રકારનું ખાવું પીવું, એક જ બીબાંઢાળ લાઇફસ્ટાઇલ રોબોટિક રીતે જીવવી અને આયુર્વેદે સો વર્ષ સારી રીતે જીવવાની જે લાઇફસ્ટાઇલ આપી હતી એની ધરાર ઉપેક્ષા. અને એ ઉપેક્ષાનું કારણ છે એનું અજ્ઞાન. એ 1 થી 12 ધોરણમાં ભણવામાં આવ્યું હોય તો જ્ઞાન આવે ને એનું! એ આપણા બાળકોનું અને સરવાળે દરેક પેઢીના ભવિષ્યનું કમનસીબ છે કે સો વર્ષ સારી રીતે જીવી શકાય એવી જીવનશૈલીનું જે જ્ઞાન ભારતના દરેક વ્યક્તિ પાસે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણના માધ્યમથી જ હોવું જોઈએ એ માત્ર આયુર્વેદના વૈદ્યો પૂરતું સીમિત રહી જાય છે.
PS:
- અત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે, તો એ ફરી વાંચીને એમાંથી બને એટલું કરવા પ્રયત્ન કરજો.
- આ પોસ્ટમાં લખ્યું એ બધું આવરી લેવાનો મહત્તમ પ્રયત્ન કર્યો હોવા છતા ખૂબ જ જનરલ અને મર્યાદિત છે. હજી બહુ ઊંડાણમાં અને હાઇલી સ્પેસિફિક ઋતુચર્યાની બાબતો છે. જો ઋતુચર્યા અનુસાર થોડું થોડું જીવવાનું ચાલુ કરવું હોય તો કોઈ સારા વૈદ્યનો સંપર્ક કરવો.
- ગમ્યું હોય અને જરૂરી લાગ્યું હોય તો શેર જરૂર કરજો.
આવતા ભાગમાં જોઈશું- આહાર એટલે કે ભોજન વિશે
~ વૈદ્ય પાર્થ ઠક્કર
( ક્રમશઃ )
Leave a Reply