હું હાલચાલ જરા પૂછવા વિચારું છું.
ખરું કહું તો સમય આપવા વિચારું છું.
તમે કહો ને હું માનું, છે શકયતા પૂરી,
મને વળોટીને આગળ જવા વિચારું છું.
ભલે કશુંક છૂટે ને કશુંક બાકી રહે,
આ ક્ષણને હાથવગી રાખવા વિચારું છું.
ગમે છે એવું કહીને ઘણું ગમાડી લઉં,
કદાચ મારી લગોલગ થવા વિચારું છું.
તમે આ વાતની પાછળના કારણો શોધો,
હું વાતવાતમાં બસ ખૂલવા વિચારું છું.
બીજું તો હોય શું કારણ, કે મૌન થઈ જાઉં?
તમારા શબ્દ સુધી પહોંચવા વિચારું છું.
પ્રભાવ એનો હશે કેટલો, ખબર પડશે,
ગઝલના દીવાને પ્રગટાવવા વિચારું છું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply