બસ, ‘ના’ કહીને આપ્યો મોકો તમે મજાનો.
મ્હોરાં ઉતારવાનો ખુદને તરાશવાનો.
મિજાજ થી તો લાગ્યું કે જીવ પર છે આવી,
બે ખૌફ દીવા સામે આ તોર છે હવા નો.
ઠસ્સો છે આગવો ને છે આગવી અદાઓ,
ચહેરાના ચાસ પાછળ અનુભવ નો છે ખજાનો.
પડઘો હ્રદય જો પાડે નિશ્ચિંત થઈ ને પાડે,
દાવો કરે નહીં એ ખોટા અને ખરા નો.
ઘટના ઘટી એ સાથે શરૂઆત સ્હેજે થઈ’તી,
પણ, અંત વારતાનો ધાર્યા મુજબ થવાનો.
વસમા વખતને ખાળ્યો મેં પાનખરની જેમ જ,
ને, શોખ કેળવ્યો છે બસ મૂળ સીંચવાનો.
નિઃશેષ થઈ જવાનો મેં દાખલો ગણ્યો’તો,
તમને મળીને લાગ્યું સાચો પડી જવાનો.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply