જાતને થોડીક મેં ચાહી હતી.
ક્યાં કહ્યું નખશિખ હું સાચી હતી.
રાત’દિ જોયા વગર આવી હતી.
હે મુસીબત! તું સ્વજન લાગી હતી.
હાથ ખાલી એમણે વાળ્યો નથી,
રાહ જોતી પળ સતત આપી હતી.
ફૂંક મારી પ્રશ્ન ખુદને પૂછજે,
તે ખરેખર આગ બૂઝાવી હતી?
આજ ઉપર ભાર બીજો કંઈ નથી,
કાલની વાતો ઉમેરાતી હતી.
જિંદગી, તું ક્યાંથી ક્યાં પ્હોંચી ગઈ!
કોઈને જીતાડવા હારી હતી.
લાગણી ખળખળ થતી’તી આ તરફ,
એ તરફ સમજૂતિઓ ખાસ્સી હતી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply