આ સ્થાપિત ખવિ એમ કહીએ એટલે એમાં મોટા હોદ્દા ઉપર રહેલા ખવિ – સર્જક એમ સમજવું, જેમનો સિક્કો ચાલતો હોય છે. જો કે મોટાભાગના આ પ્રકારના સ્થાપિતોમાં મેં એક કૉમન લક્ષણ જોયું છે કે એ અધ્યાપક હોવાની સાથે ખવિ-સર્જક હોય છે. એ લોકો આ રીતની સિસ્ટિમના સરતાજ હોય છે. કેમ કે એવા સ્થાપિતોમાં એક કળા હોય છે એ ઘેરો બનાવી લેવાની.
આમ સાહિત્યિક સંસ્થાનો અને શિક્ષણ સંસ્થાનોમાં આખલા બનીને રખડી રહેલા આવા સ્થાપિત તત્વોને પોતાનો અડ્ડો ચલાવવાની અને સિક્કો જમાવી રાખવાની રાજરમતમાં જ આખી જિંદગી ખોવાઈ જતી હોય છે. એમની એ રાજનીતિથી દુનિયાને મોટો ફરક પડે એવું કશુંય હોતું નથી. બસ, એકબીજાને ખોતરવાની અને પછાડી દેવાની ચવાઈ ગયેલી રાજનીતિ રમ્યા કરતા હોય છે. મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે એ લોકો એકના એક પેંતરા અજમાવીને કંટાળતા પણ નહીં હોય ? ભલા એવું કોઈ પ્રાણી હશે ખરું ? કે જે એકની એક પ્રક્રિયા કરીને આનંદ લેતું હોય ! હા, આખલો એમાં આવે. એ ખળામાં ખીલે બાંધો એટલે ગોળ ગોળ ફર્યા કરે… એ આખલાને એમ હોય કે એ ચાલી રહ્યો છે પણ એ હોય ત્યાંનો ત્યાં જ !
પણ એવા ઉંમરના પડાવે પહોંચી ગયેલા અને કબજિયાતની દવા લઈને ટકી રહેલાઓને પણ ચાસણીમાં રસ પડે બોલો ! આ બુદ્ધિના બળદિયાઓની એક કૉમન કમજોરી હોય છે. એ કમજોરી એટલે એમના ઘેરામાં આવેલી મીઠીમીઠી ચાસણીત્રી. તમને પેલી રાવણવાળી કથા ખબર હશે કે રાવણે એના ઢોલીએ યમરાજને બાંધી દીધેલા ! આ બસ એના જેવું જ !
એવા આખલાઓ જ્યારે એમના મોંઢે સુકોમળ લાગણીઓ વાળી સાહિત્યિકભાષામાં ઉપદેશોની ગોળીબારી કરે ! ત્યારે બિચારા કેટલાક ચાપલૂસ નવોદિત ખવિતડાં પણ એનો શિકાર બની જાય છે. હકીકતમાં એ સુકોમળ ગોળીબારી પેલી ચાસણીત્રી માટે ફેલાવેલી જાળ હોય છે. પણ ક્યારેક જાળમાં માછલીની જગ્યાએ આ માછલો સપડાઈ જતો હોય છે. એના કારણ માટે મગજને તકલીફ આપવાની કોઈ જરૂર નથી. કેમ કે એ નવોદિત પણ પેલી ચાસણીત્રી તરફ ઘેલો હોય.
આમ ભૂલમાં સપડાઈ ગયેલા માછલાઓથી બચાવવા એ સ્થાપિત લોકો પેલી ચાસણીત્રીની આસપાસ એક અભેદ્ય ઘેરો બનાવી લેતા હોય છે.
કહાનીમાં મજેદાર વળાંક ત્યારે આવે કે જ્યારે પેલી ચાસણીત્રી પરણવાની હોય અથવા તો બાજુમાં આવેલ નવોદિત ખવિડા તરફ એનો ઝૂકાવ હોય. એટલે પછી રામાયણ શરૂ થાય. પેલી ચાસણીત્રી પણ એ ઘેરાથી કંટાળી ગઈ હોય એટલે એનેય બહાર નીકળવું હોય. પણ ઘેરો એવો હોય કે ન પૂછો ! એટલે પછી ઘેરાની અંદર અને બહાર બન્ને બાજુએ ધમાલ શરૂ થાય.
ઉપરથી વધતી ઉંમર હોય અને આખી રાજનીતિમાં પોતાનો દબદબો પણ બચાવી રાખવાનો હોય !
આમ ઘરડો આખલો દુઃખી થઈ જાય એટલે બેચાર સંગ્રહો એની ઢળી રહેલી ઉંમરે પણ ઘસી કાઢે !
બોલો… બાકી હું વિચારી વિચારીને થાકી ગયો કે આ ઉંમરે આ કેમના આવું ભયંકર લખી શકે ?
હં… પણ હવે આખી રમત સમજી ગયો.
અસલી ખેલ : અંતિમ પ્રહાર તો રાજાનો જ હોય ! એ ચીલાચાલુ ન્યાય અહીં કામ લાગે… હે ભગવાન ! હું આવી બકવાસ સ્ટોરી તમને કેમ જણાવી રહ્યો છું. પણ એ લોકો આટલું વાહિયાત જગજાહેર રાજકારણ કરે કે એ ઢગાઓનું બધું…ગોટેગોટા નંગું દેખાઈ જાય ! તો એ હકીકત કહેવામાં વાંધો શું છે ? કેટલાક આવા ઢગા પક્ષના ઢગા કહેશે કે તમારે શું વાંધો છે ? તો એનો જવાબ હું આગોતરા જ આપી દઉં કે લોકો જાગૃત થાય અને આવી વાહિયાતગીરીથી બચીને દેશ માટે કંઈક નવું કામ કરે તો એ સારું ને ! (બોલો હું હવે એ ઢગાઓની વાહિયાતગીરીને એટલી હદે ઓળખી ગયો છું કે એ લોકોની આખલા બુદ્ધિ શું સવાલ કરશે એ પણ મને પહેલેથી જ ખબર હોય છે.)
તો એ આખરી ઉપાય કરે કે એ સ્થાપિત ખવિ એના ઘેરામાં રહેલી પેલી ચાસણીત્રીને મનાવે કે જો તને અહીં નોકરીમાં સેટ કરી દઈશ. જો તને આમ ડિગ્રી અપાવી દઈશ. બધું લાલચ આપવાનું કામ ચાલે ! પેલા નવોદિતનું પણ અમુક કામ કરી આપે એટલે એ પણ ટાઢો મરે ! અને એ માટે એ સ્થાપિત ઢગો આખી દુનિયાની તાકાત લગાવી દેતો હોય એવા ઉદાહરણ છે.
આવા લોકો સાહિત્યના નામે મોટી મોટી સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અડ્ડો જમાવીને બેસી જાય ! એટલું જ નહીં પણ તમારા અને મારા માથે બકવાસ ઠોક્યા કરે…
એટલે મને સવાલ થાય છે કે એમની આવી ઝંડુ રાજનીતિથી અને એમની આવી બકવાસ સડી ગયેલી જિંદગીથી પ્રેરણા લઈને ખુદ જ ખુદના માટે લખેલા સાહિત્યથી દુનિયાને શું ફરક પડે ?
– જયેશ વરિયા
– 28-05-2020
Leave a Reply