મહાનતા ચિત્રણ : સાહિત્યિક ઇતિહાસ લેખનની કળા
મને કોઈ પૂછે કે કે.કા.શાસ્ત્રી કે મહર્ષિ કવિ ઉમાશંકર જોશી વિશે જણાવો :
તો જવાબમાં હું શું કહું ? એજ કે જે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં લખેલું મેં વાંચ્યું હોય. અથવા તો એમની મહાનતાનું વર્ણન કરતું હોય એવું કોઈ પુસ્તક વાંચ્યું હોય, એમાંથી જ કહીશ. હવે હું ક્યાં એમના વિશે કે એમના જીવન વિશે આખું ઊંડાણથી સંશોધન કરવા ગયો છું. અને આપણા ગુજરાતી સાહિત્યમાં કુલ સાહિત્યકારો કેટલા હશે ? હવે એ બધા વિશે તમે ક્યાં સંશોધન કરવા જવાના છો ? હું જ નહીં આપણે બધા પેલી પરીક્ષા આપવા માટે મળતી ઇતિહાસ સંબંધિત બધી ચોપડીઓ વાંચી લઈએ છીએ. અને આપણને એ લખેલી સામગ્રીમાંથી કેટલું યાદ છે ? એની તપાસ ઉપરથી આપણી મહાનતા સિદ્ધ થાય ! એટલે આપણે મહાન બનવું હોય તો એ મહાનચિત્રણ કરતા ઇતિહાસ ગોખી મારો !
એમાં જે લખેલું હોય એ બધું આપણા માટે સ્વીકાર્ય ! કેમ કે એમાંથી જ પરીક્ષામાં પૂછાય ! હવે જ્યારે આ ઇતિહાસ લખાયો, ત્યારે જે તે ઇતિહાસ લખનાર મહાન વિભૂતિએ, એ સામગ્રી જ્યાં ત્યાંથી જ ઉઠાવેલી હોય. એ થોડો ભગવાન છે ? કે હું સ્વર્વજ્ઞાતા છું ! અને ભૂત-ભવિષ્ય- વર્તમાન મારી મગજની નસેનસમાં ઘસ ગયેલ છે. એમ કરીને બધા જ સાહિત્યકારોની રગેરગની સાચી માહિતી આપી હોય ?
સવાલ તો થાય જ ને !
પણ આપણા અભ્યાસક્રમોમાં એ ઇતિહાસ ઘુસાડી દેવામાં પણ આખી ચાલ છે. વિદ્યાર્થી અવસ્થામાં આમ કોઈ દોઢડાહ્યો થાય તો એના માર્ક જ કપાઈ જાય. ઉપરથી એમાં ચાર જવાબના વિકલ્પ હોય અને પાંચમો વિકલ્પ મને જાણકારી નથી એવો હોય. એટલે બિચારો વિદ્યાર્થી શું કરી શકે ? જખ મરાવીને પેલા ચાલગત અને સર્વમાન્ય પરીક્ષાલક્ષી ઇતિહાસ વાંચનના આધારે જ જવાબ આપવાનો થાય. અહીં, તર્કબુદ્ધિને કોઈ સ્થાન જ નથી. જેમ આપણા શાસ્ત્રો ઉપર તર્ક કરો, તો નર્કમાં જવાનું થાય છે. એમ આપણા ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ઉપર સવાલ ઉઠાવો તો પરીક્ષા કે ઇન્ટરવ્યૂમાં નપાસ થઈને ઘરે બેસવાનું થાય છે.
મને તો થાય કે હજારની સંખ્યામાં આપણે ત્યાં સાહિત્યકારો છે. અને આજકાલ આ ધાણીફૂટયાઓની પણ ગણતરી લઈએ, તો આંકડો લાખ ઉપર પહોંચે ! એમાંથી મહાનતાના આધારે કોઈ ઇતિહાસકારે પાંચસો સર્જક લીધા તો કોઈએ બસો જ લીધા ! આ પારાશીશી એને આપી કોણે ? મતલબ જેતે વ્યક્તિ પાંચસો નક્કી કરે એની નજરમાં જે ત્રણસો વધારાના મહાન છે એમ સમજવાનું ? મતલબ આ મહાનતા નક્કી કરી આપવા માટે જે સિસ્ટિમ છે, એમાં જ મિલીભગત છે. કોઈએ નક્કી કરેલા એક મહાન સર્જકને તમારે પણ માનવાનું કે મહાન છે ! આ મહાનતા તો જબરી કહેવાય કેમ !
પણ હા, એવું જ છે. મને તો સવાલ થાય છે કે આ ઇતિહાસ લખાયો, એમાં જે આધારો લીધા એ આધારોમાં શું બધું જ સચ્ચાઇથી આલેખન હશે ? કે આપણે માની લેવાનું કે જે મળ્યું એ બધું મહાનતમ જ છે. કોઈએ એ વખતે આજના જેવી ચાપલુસી નહિ કરી હોય અને એ સમયે તટસ્થ રહીને જ બધું લખ્યું હશે એવી કોઈ બાંહેધરી આપી શકે છે ??
ચાલો તમને થોડું સરળ કરીને સમજાવું.
ગુજરાતી સાહિત્યમાં એક સર્જક છે. ઘણા મોટા સર્જક છે. એમના નામ માત્રથી આખું ગુજરાતી સાહિત્ય જગત ઉજળું છે. એવા એ મહાગુરુ છે. એ સમયે તો આજના જેવા કાયદા પણ નહોતા. એમણે એ સમયે ઘણી મોટી ઉંમરે એમની જ વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા. એ એમનો અંગત મામલો હતો. એમણે લગ્ન કર્યા એ મારા માટે મહત્વનું નથી કે એમણે શું કર્યું એ મહત્વનું નથી. મારે તો એમના સાહિત્ય પ્રદાન સાથે મતલબ છે. અને એમાં એમની માસિકતા શું છે ? એ માનસિકતાની આપણા સમાજ અને સાહિત્ય ઉપર શું અસર થઈ ? એના સાથે મતલબ છે. પણ ઇતિહાસકાર આવું ઉદાહરણ આપે છે. એટલું જ નહીં, એ ઘટના પાછળ એ વધારે કશું ન લખતાં માત્ર એટલું જ લખે કે એ સમયે સમાજમાં ભારે ઉહાપોહ અને વિવાદ થયેલ.પણ એ બન્ને પતિપત્ની સુખ શાંતિથી રહેવા લાગ્યા એટલે વિવાદ સમી ગયો. પણ એ ઇતિહાસકાર બે લાઇન વધારાની લખીને એ સમયે શું વિવાદ થયેલ અને એની સમાજ અને સાહિત્યકારના સાહિત્ય ઉપર એની શું અસર થયેલી ? એ લખતો નથી. કે એની વિગત આપતો નથી. તો શું લૂમ તોડવા આ ઘટનાને ઉલ્લેખી ?
પણ આપણને તો વિચાર આવે ને ! એટલે એ મહાન સર્જક બાબતે તપાસ્યું અને એ જેમની સાથે લગ્ન થયા એમના વિશે પણ તપાસ કરી. તો જાણવા મળ્યું કે એ સમયમાં એ લગ્ન કરનારા બહેન પણ મહાન સાહિત્યકાર બને છે. અને સાહિત્યિક સંસ્થાનોમાં ઊંચા પદ ઉપર બેસે છે. એટલું જ નહીં મોટામોટા ઍવૉર્ડ પણ મળે છે. બોલો ! મને તો ચોખ્ખું જણાય છે કે એમને આ મહાન વિદ્વાન સાહિત્યકાર સાથે લગ્ન કરવાથી લાભ થયો છે ! બોલો !
તો પેલા ઇતિહાસકારને મારે પૂછવું પડે કે એમણે એવી વાત લખીને શું ઉખાડી લીધું ?
મતલબ, આજે પણ તમે કોઈ વિચિત્ર ઉદાહરણ જુઓ કે કોઈ મોટા વ્યક્તિ હોય એની પત્ની હોય. અને એ મોટા વ્યક્તિની પત્ની સાહિત્યના મોટા મોટા સંમેલનો અને મુશાયરા માટે લાંબા પ્રવાસો કરતી હોય. ત્યાં કોઈ કુમળી લાગણીવાળા અન્ય મહાન ખવિ સાથે એનો ટાંકો ભીડાય જાય… અને આમ લોકોને ખબર પડે ! જગહસાઈ થાય, પણ એના પેલા ઢગા પતિને એમ હોય, કે એની પત્નીને સ્વતંત્રતા આપીને, દુનિયા સામે એક ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. એ ઉદારણ પૂરું પાડવાનો વિચાર પણ માન આપવાને લાયક છે. પણ એની જે બેદરકારી છે એટલે અહીં આ વાત કહી રહ્યો છું. એટલે હું એ સ્વતંત્રતા આપવા બાબતે વિરોધી નથી એ સ્પષ્ટ કરી દઉં ! કેમ સ્વંતત્ર તો આપણા બંધારણ મુજબ દેશનો દરેક નાગરિક છે. પણ અહીં, ભરોસાની ભેંસ કેવી હોય ? એની વાત કહી રહ્યો છું.
તો હવે આવી ઘટનામાં આજનો કોઈ ઇતિહાસકાર શું લખશે ? બોલો ?
કશુંય ન લખી શકે. ઉલટ એવું બને કે એ ઇતિહાસકાર પણ લાભ ચાટવાવાળો હોય, તો આ બધાયનું બધું જ મહાન છે એમ લખે.
ચરિતમ્ મધુરમ… હસિતમ્ મધુરમ્…
અને મને તો એ સવાલ થાય છે કે એ બધાએ કોની જોડે લફરું કર્યું અને એ લફરવિદ્યાના કારણે એ ખવિએ કેવી કેવી મહાન ખવિતાઓ લખી ! એવું ભણીને મને શું ફાયદો ? દુનિયાને એનાથી શું ફરક પડે ?
પણ અપને કો ક્યા ? પરીક્ષામાં માર્ક મળે એટલે આપણે પણ સો ટકા ટીક ! પણ વિધાર્થીઓ તમારું સાચું કર્મ જાણો ! સવાલો કરો અને અધ્યાપકને માથું ખંજવાળાતા કરી દો ! પણ ખાસ ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓનું રહસ્ય કહું , તો બિચારાઓ ઉપર દયા આવે છે. એમને ભણવાનું પણ કુમળી લાગણીઓ વાળું જ મળે… એમને અધ્યાપક પણ કુમળી લાગણીવાળો જ મળે… એટલું જ નહીં, એમના ઉપર પેલી પરંપરાગત ચાપલુસવિદ્યાનો અભિષેક થાય. ગુરુજી… ગુરુજી… વાળી માળા હાથમાં પકડાવી દેવામાં આવે. ગળે પટ્ટો પણ એવો જ હોય… કેમ કે જીવનના પંદર વર્ષ જખ મરાવે, ત્યારે એને નોકરીનો વારો આવતો હોય. બિચારા ! ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ !
આમ આપણા ઇતિહાસમાં પણ ઇતિહાસ લખવામાં મહાનતાનો રણકો ટકી રહ્યો છે. અને આગળ પણ ટકી જવાનો. સાહિત્યના ઇતિહાસને સાહિત્યના ઇતિહાસ કહેવા કરતાં ગુજરાતી સાહિત્યના ઈજારદારોની પ્રોફાઇલ કહેવી જોઈએ. એમની દુનિયામાં માત્ર મહાનતાનો જ આલેખ મળે. એમણે જીવનમાં કોઈ જ ભૂલ કરી નથી ! એટલે ગુજરાતી સાહિત્યમાં જેટલા પણ ઇતિહાસ છે અને એમાં જેટલા પણ ખવિ સર્જકો છે એ તમામે જીવનમાં કોઈ જ ભૂલ કરી નથી એમ આ ઇતિહાસો કહે છે. એટલે એ ભૂલ ન કરનારા ભગવાનો છે ! કદાચ ભગવાને ભૂલ કરી હોય એવું મળી આવશે. પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સાહિત્યકારોની ભૂલ મળશે નહીં.
તમે કે હું એ ભગવાનો વિરુદ્ધ કશું પણ બોલી કે લખી શકીએ એ સ્થિતિમાં જ નથી રહ્યા. કેમ કે જે પણ ઉપલબ્ધ છે એ બધુંય એમણે ખુદ આપેલી મહાનતાની શાહીમાં ઝબોળીને લખાયું છે. આજકાલ એમનો સાચો ઇતિહાસ સંશોધન કરવા બેસો, તો એમાંય બધું મહાનતાનો જ દસ્તાવેજ જોવા મળશે. એટલે મૂળ સવાલ એટલો કે આપણે સાહિત્યનો ઇતિહાસ ભણ્યા કે સાહિત્યકારોની મહાનતાનો ?
– જયેશ વરિયા
– 25-05-2020
Leave a Reply