સર્પભાષી કવિતા પઠન : કાનની કળા
જ્યાં નજર જાય ત્યાં બધે… ખવિઓ જ ખવિઓ.
આખો ખંડ ખવિઓથી ભરેલો. બસ, એક હું જ ભાવક હતો. મારો મિત્ર મને આગ્રહ કરીને એ ખવિઓની સભામાં લઈ ગયેલ.
પણ એમાં એક જોખમ એ હતું કે તમે ભાવક છો એવું કોઈનેય ખબર પડવી જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું હતું. એ મિત્રએ મને બે દિવસ તાલીમ પણ આપી કે જેથી હું ખવિ જેવો લાગી શકું. મને સમજાતું નહોતું કે આટલું બધું કેમ ડરવાનું ? પછી ખબર પડી કે આજકાલ ભાવક દુર્લભમાં દુર્લભ છે. એટલે કોઈ ખવિ જાણી જાય કે હું ભાવક છું, તો મારા માટે ખવિઓમાં તોફાન મચી જાય ! કે આ ભાવક હું લાવ્યો છું. મારા કહેવાથી જ આ ભાવક અહીંયા આપણી હવિતાઓ સાંભળવા આવ્યો છે. એ જશ ખાટવાની લડાઈ થઈ શકે એમ હોવાથી, હું પણ ખવિ હોવાનું નાટક કરું એજ આગળ પડતું ડહાપણ કહેવાય.
એટલે હું એક અછાંદસ રજૂ કરી આવ્યો. પછી ચૂપચાપ એક ખૂણે બેસી ગયો.
સંચાલન કરનાર પણ ખવિ હતા. એટલે એ પણ વચ્ચે વચ્ચે એની પોતાની હવિતા આલી પાડતા. કેમ કે એમનો વારો સાવ છેલ્લે આવવાનો હતો. હકીકતમાં તો એમને ડર હતો કે છેલ્લે જ્યારે એમનો વારો આવે ત્યારે સાંભળનારા બેઠા હશે કે કેમ ?
આમ સંચાલનમાં સાધારણ મુદ્રામાં રહેતા એ સંચાલક અચાનક ઉમંગમાં આવી ગયા. જાણે કોઈ બૉમ્બ જોયો હોય એમ બૂમ પાડી ! હવે પેસ એ અર્ક હે !
બધા ખવિઓ ઊંચા થઈ ગયા. મને થયું કે મારે પણ ઊંચુ થવું જોઈએ. હું પણ ઊંચો થયો.
જોઉં છું કે સામેથી એક રૂમઝૂમ કરતા એક કવયિત્રી આવી રહ્યા છે. જાણે કે સીધા સ્વર્ગમાંથી જ પધાર્યા ન હોય !
પેલા સંચાલનકર્તા પણ એમની હવિતા વચ્ચે ટપકવવાનું ભૂલી ગયા ! પણ પછી કંઈક તો બોલવું પડે ને ? એટલે એટલું જ બોલ્યા કે એમના વિશે હું શું કહું ! એમના વિશે હું શું કહું…. (ત્યાં જ ચીં… અવાજ સાથે )
માઇક ખોટવાઈ ગયું ! ☺️
માઇકમાં સુધારો થાય ત્યાં સુધી પેલા કવયિત્રી ઘડીક ગાલ ઉપર આંગળી મૂકે ! તો ઘડીક માથા ઉપર હાથ ફેરવે. એમ કરીને એમની ચીડ પ્રદર્શિત કરી રહ્યા. પણ મેં જોયું કે ઘણા ખવિઓને એમાં અદા નજર આવી રહી હતી.
આખરે માઇક સરખું થયું એટલે એ કવયિત્રી એમની રચના રજૂ કરવા હં… અ… ખ… એમ ખોંખારો ખાધો.
એમના ખોંખારો પણ સૂર છેડી જનારો બની રહ્યો.
એમનો અવાજ પાતળો અને સૂરીલો જણાયો. ઉપરથી એમની આગવી અદામાં અને સિસકારા લેતા સૂરમાં પઠન રજૂ કરતાં કહ્યું :
” અર્જ કિયા હે… “
આખો ખંડ ઓહોહો… વાહ… ઇર્ષાદ… એવા અવાજોથી ગાજી ગયો.
મારી બાજુમાં બેઠેલા ભાઈ એમના ચશ્મા નીચા કરીને મને તાકીને જોઈ રહ્યા કે આ કોણ છે ? જેના પેટનું પાણી પણ હાલતું નથી ?
મને લાગ્યું કે આ ખવિ હું ભાવક છું એમ ઓળખી જશે તો ? એટલે મેં પણ ઉતાવળમાં વાવા… વાવા… એમ બોલી દીધું.
એ ખવિને મારા ઉપર શંકા ગઈ એટલે પેલી કવયિત્રી તરફ આંગળી ચીંધતા મને પૂછ્યું કે આ કોણ એ ખબર્ય છે ? મેં કહ્યું ના !
એ કશુંક બોલી રહ્યા, પણ ત્યાં જ પેલા કવયિત્રીએ એમની આગવી અદામાં કવિતા પઠન શરૂ કર્યું.
આખા ખંડમાં એટલો બધો અવાજ થયો કે કાનના પડદા ફાટી જાય ! શું બોલ્યા એ સંભળાયું પણ નહીં. પણ હા, એ અવાજમાં એક સર્પભાષી સિસકારો સંભળાઈ રહ્યો.
આટલું તોફાન બીજા કોઈની રચનામાં જોવા મળ્યું નહોતું.
એ બાત ! મારી બાજુમાં બેઠેલા પેલા ખવિએ બૂમ પાડી.
કવયિત્રીએ ભાઈના ઉત્સાહને વધાવી લીધો. ફલાણા ઢીંકણા ખવિશ્રી…. આ ખાસ તમારા માટે !
એ પણ પાછું પેલી સર્પભાષી સિસકારા લેતી સ્ટાઇલમાં કહ્યું !
આ ખવિ તો ભાન ભૂલ્યા..
ઓહો… ઓવારી ગયો… એમ કરીને મારા ઉપર પડવા લાગ્યા.
મને એમના ઉપર જરા ચીડ થઈ એટલે મેં દબાતા અવાજમાં કહ્યું કે એને બોલવા તો દો ! પછી ઓવારી જજો…
પણ મારા મિત્રએ કહેલું કે તું ખવિ છે એમ જ વર્તન કરવાનું છે ! શિષ્ટાચારથી જ બોલવાનું… ભારે ભારે શબ્દોમાં બધા સાથે વાત કરવાની. ન ફાવે તો ચૂપ રહેવાનું. એ યાદ આવતાં મેં વિચાર્યું.
કન્ટ્રોલ… કન્ટ્રોલ ! ☺️
પેલા કવયિત્રીએ જાણે રડતા હોય એવા અવાજમાં કશુંક કહ્યું.
ઊંહ… એ આંસુ ! બસ, મને એવું કંઈક સંભળાયું.
પછી તો આખો ખંડ જાણે રડી રહ્યો હોય એવું લાગ્યું.
એ કવયિત્રી પણ આંસુ લૂછી રહ્યા હતા. મને કશું સમજાયું નહીં, પણ દુઃખ થયું કે સાલું એ બહેન રડી રહ્યા છે. પણ મને વિચાર આવ્યો કે આપણે શું ? એમણે ખુદ વિચારવું જોઈએ ને ? આટલી બધી અતિશય લાગણીવાળી અને સુકોમળ કવિતા રજૂ કરાય ખરી ?
હશે કવયિત્રીની કવિતા પૂરી થઈ ગઈ હતી પણ એ હજીય મંચ ઉપર જ હતા.
દસબાર ખવિ એમના આસું લૂંછવા પડાપડી કરી રહ્યા ! કોઈએ પાણી આપ્યું તો કોઈએ રૂમાલ !
બાકીના દૂર બેઠેલા ખવિ દુઃખી હતા કે એ મંચ સુધી પહોંચી ન શક્યા, પણ મેં જોયું કે એ ત્યાં પાછળ બેઠા બેઠા તાળીઓ પાડી રહ્યા હતા. જેમને ચિંચયારા લેતા માઇકમાં કશું કે’તા કશુંય સ્પષ્ટ સંભળાયું નહોતું. પણ છતાંય બોલી રહ્યા હતા કે વાહ ! શું કે’વાનું ! લૂંટી લીધો… મુશાયરો… લૂંટી લીધો.
મને તો આ આખી રજૂઆતમાં બસ, પેલો સર્પભાષી અને સિસકારા લેતો અવાજ જ સંભળાયો હતો. પણ મિત્રએ કહેલું કે નાટક કરવાનું કે તું ખવિ છે. એટલે હું પણ વા… વા… કરી રહ્યો.
પેલા બાજુમાં બેઠેલા ખવિ મારા બાજું કટાયેલું મોઢું કરીને જોઈ રહ્યા !
અને બબડયા પણ ખરા કે આવી નાજુક ક્ષણમાં તમને વાવા… સૂઝે છે ?
મને થયું કે આ ખવિને હું જ કેમ નડું છું. મને સૂઝે કે નહીં સૂઝે પણ બહાર જા ! પછી જો તન બધું બરાબર સૂઝાડી દઉં ! સ્વાભાવિક છે એવું થાય જ કેમ કે સવારનો ખાધાપીધા વિના આ કાર્યક્રમ માટે જોખમ ખેડીને આવ્યો હતો. માંડમાંડ હું ખવિ હોવાનું નાટક કરી રહ્યો હતો. ઉપરથી આ ખવિ સાહેબ જાણે બધા ખવિઓ તરફના જાસૂસ પોલીસ અધિકારી હોય એમ બિનજરૂરી પૂછતાછ કરીને મારું મગજ ચઢાવી રહ્યા હતા. અને એક તો આ કવયિત્રીએ શરૂઆતમાં બધાને ઘેલા કર્યા અને પછી રડારોડ કરાવી ! પણ છતાંય મેં ખુદને કહ્યું કન્ટ્રોલ… કન્ટ્રોલ…
આગળ જગ્યા ન મળતાં પેલા કવયિત્રી અમારી બાજુમાં જ આવીને બેઠા. પેલા ભાઈએ અંદરથી ગલગલિયા અનુભવ્યા એ એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ આવ્યું.
એ કવયિત્રી બોલ્યા કે મારો વીડિયો કર્યો ?
પેલા બાજુવાળા ખવિએ કહ્યું કે ના…સૉ…રી…
પાછળ વાળાએ ઉત્સાહમાં બતાવ્યું… જુઓ આ મેં કર્યો છે. 16મેગા ફિક્સલ કૅમેરો ! યેપ…
પેલા કવયિત્રીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હું ત્યાં આવું પછી ! પેલો આંસુવાળો સીન જરા ઝૂમ કરેલો ને ?
પાછળથી જવાબ મળ્યો હા, જોરદાર છે.
કવયિત્રી બોલ્યા કે વાવ… આભાર હોં… જરા સ્લો મૉશનમાં ઍડિટ કરી આપજો ત્યારે…
પાછળ બેઠેલા ખવિએ કહ્યું કે અરે તમે યાદ રાખશો. એવો વીડિયો થશે.
બાજુવાળો ખવિ નિરાશ હતો કેમ કે પેલા કવયિત્રીનો વીડિયો કરવાનું ભૂલી ગયેલો. ઉપરથી એ હવે એની બાજુમાં નહિ બેસે…
પણ હું અચંબામાં હતો કે એ કવયિત્રી રડ્યા એ શું વીડિયો લેવડાવવા પૂરતું જ રડ્યા હતા ? તો થોડીવાર પહેલાં જે આખો ખંડ શોકમાં જતો રહ્યો, એ નાહકમાં જ દુઃખી થયો ગણાય ને?
એ તો જવા દો ! સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે કવયિત્રીનો અવાજ સાવ અલગ હતો યાર ? મતલબ સાચું કહું… બિલકુલ અલગ હતો !
પેલી રચના રજૂ કરી ત્યારે તો સર્પભાષી સિસકારા લેતો અવાજ હતો. પણ અત્યારે બિલકુલ સાદો સીધો અવાજ હતો !
હું આજેય વિચારું છું કે શું આપણા સાહિત્યની આ સર્જનાત્મક રચનાઓ કે જે બ્રહ્માના સર્જનથી પણ મોટી ગણાય ! એ સર્પભાષી અવાજમાં જ રજૂ થાય તો જ અસરકારક બને ?
તો પછી આપણી સર્જનાત્મક શક્તિ કરતાં પણ મોટી બાબત એ ગણાય કે સિસકારા લેતું સર્પભાષી કવિતા પઠન ફરજિયાત આવડવું જ જોઈએ. સમજવાનું તો દૂરની બાબત છે. પણ જો તમે સર્પભાષી કવિતા પઠનને સાંભળી શકો, તો એ પણ કાનની કળા ગણાશે !
અને એવી કાનની કળાથી દુનિયાને શું ફરક પડે ?
– જયેશ વરિયા
– 26-05-2020
Leave a Reply