આબુના મસ્ત મજાના ફૂલગુલાબી વાતાવરણમાં આખી પલટન બગીચામાં મજા માણી રહી હતી, અને જેકી બિચારો એકલો એકલો બેસી જીવ બાળી રહ્યો હતો…! (યાર, એનું દુઃખ સમજો… હ્સસો નહી એની પર… દિલ તૂટ્યું છે છોટુ નું…!)
‘જેકી, કેમેરો લઇ આવને બસમાંથી, અમારે ફોટા પડાવવા છે…!’ ડિમ્પલે જેકીને કહ્યું.
‘નથી… એમાં રોલ પૂરો થઇ ગયો છે…!’ જેકીએ બહાનું કાઢ્યું, કારણ કે વખત છે ને એણે ઢબુડી અને કપ્તાનના ફોટા પાડવાનો પણ વારો આવે તો…?
‘ખોટું બોલે છે ! હું લઇ આવું છું…!’ કહી મિત્રા (ડોઢો) બસ તરફ આગળ વધ્યો.
જેકીએ એને ગુસ્સાથી જોઈ રોકવા પ્રયાસ કર્યો, પણ ત્યાં સુધી તો ઉગતા લેખક સાહેબ બસમાં પણ ચઢી ગયા.
‘લે ચલ… મારી પણ થોડીક ક્લિક કરી આપજે…’ કહી જેકીને કેમેરો પકડાવ્યો.
એણે શરૂઆતમાં કચવાતા મને ફોટા લેવાનું ચાલુ કર્યું, પણ થોડીવારે રસપૂર્વક કામ કરવાનું શરુ કરી દીધું…! આ કદાચ એનો ફોટોગ્રાફી પ્રત્યેનો લગાવ જ હોઈ શકે…!
‘આમ નહી… આમ આવ… હા, જરા આ સાઇડ… અરે સ્માઈલ તો કર, હસવાના ક્યાં પૈસા લાગે છે. હા ખબર છે તારી બત્રીસી પીળી છે. થોડું ઓછુ હસ…’ વગેરે વગેરે સૂચનો આપતા એણે બંને કવિયત્રીઓના ફોટા પાડવા લાગ્યો.
થોડીવારે બંને છોકરીઓ એકના એક પોઝમાં ફોટા પડાવી થાકી, તે ઘઉંની ગૂણની જેમ નીચે ઢગલો થઇ બેસી ગઈ.
એટલે જેકી છોકરાઓ તરફ આવ્યો… અને ‘કોઈને ક્લિક કરાવી છે…?’ પૂછ્યું.
‘અલ્યા ક્લિકને બાજુ પર મુક. ત્યાં પેલી ઢબુડી કપ્તાન સાથે શું વાતો કરે એ જો…!’ કહી દર્શને થોડેક દુર ઉભા એ બંને તરફ આંગળી બતાવતા કહ્યું.
‘બાબુ, ચલોને પ્લીઝ… ઇટ વિલ બી અ ફન…!’
‘ના ડીયર, મને એ બધાથી બીક લાગે…!’ (લે, કપ્તાનને પણ કશાકથી બીક લાગે વળી…!?)
‘તો હું એકલી જઈશ. પણ જઈશ જરૂર…!’ કહી ઢબુડી છોકરાઓ ઉભા હતા એ તરફ આવી.
‘ક્યા હુઆ મહોતરમા…? ગુમસુમ કયું હો…?’ અલી જનાબે પૂછ્યું.
‘નથીંગ મચ… એ તો જસ્ટ મારે પેલા સામેના હોરર હાઉસમાં જવું હતું, અને કપ્તાન જોડે આવવાની ના પાડે છે, બસ… બીજું કઈ ખાસ નહિ…!’
‘તો હવે…?’ જેકીએ પૂછ્યું.
‘હવે કંઈ નહી, હું એકલી જઈ આવીશ… પણ જઈશ તો ખરી જ…!’ અને ઢબુડીએ તરફ ચાલવા માંડી.
‘મિત્રા, ચાલ મોટા, આપણે એની સાથે જઈએ…!’ જેકીએ કહ્યું.
‘જા… જા…, આ બધામાં આપણું કામ નહી હોં…! તારે જવું હોય તો જા…!’
‘ચાલ, હું આવું જોડે !’ દર્શન બોલ્યો.
‘ખરેખર…?’
‘હા, ચાલ…’ (પહેલી વખત જેકીને દર્શન વ્હાલો લાગ્યો હશે…!)
‘બીજા કોઈએ આવવું હોય તો ચાલો…’ બધા એકબીજાનું મોઢું તાકતા રહ્યા, અને પેલા બંને તો ચાલવા પણ માંડ્યા.
થોડુંક વિચાર્યા પછી, નીખીલ એમની પાછળ ગયો, પછી અલી જનાબ, પછી દશલો પણ ગયો, અને હવે તો કાકા પણ ગયા… તો મિત્રા શું ત્યાં બેસી સત્સંગ કરે…? એ પણ ગયો, ‘અલ્યાઓ ઉભા તો રહો બે ઘડી, હું પણ આવું છું…!’
અહીં બંને કવિયત્રીઓ, અને આનંદ અને કપ્તાન એમની વાતોમાં રચ્યા પચ્યા રહ્યા, એમણે તો ખબર પણ નહોતી કે, આ બધા હોરર હાઉસમાં ગયા છે…!
‘ભાઈ કેટલાની ટીકીટ…?’ કાકાએ કાઉન્ટર પર જઈને પૂછ્યું.
‘30 પર હેડ.’
‘હેં… હોતું હોય કઈ… એક તો અમારે પૈસા પણ આપવાના અને ડરવાનું પણ અમારે જ…! અમારે ગામડામાં તો 2-2 રૂપિયામાં આવું બધું જોવા મળે…!’ (કાકા તો જબરું ખોટું બોલ્યા હોં !)
‘હા, તે એમાં ભૂતની વેરીયટી પણ એક જ હોય, સફેદ સાડીમાં હાથમાં મીણબત્તી લઈને ઉભી વૃદ્ધ સ્ત્રી…!’
‘હા, તો તું ક્યાં જવાન કન્યા બતાવવાનો છે, તે આટલા પૈસા લો છો…!’
‘કાકા, અંદર જવાન કન્યા તો છે જ, અને બીજી પણ ઘણી વેરાયટીઓ છે. તમે એકવાર જાવ તો ખરા. ખુશ થઇ જાહો…!’
બસ એનું એટલું જ કહેવું અને કાકા તો હરખાઈ ઉઠ્યા. અને હમણાથી જ અંદરની વેરાયટીઓ વિષે વિચારવા લાગ્યા, અને પૈસા ચૂકવી, વારો આવવાની રાહ જોતા, સાઈડમાં ઉભા રહ્યા.
થોડીવારે પેલા ભાઈ એની જગ્યા છોડી, દરવાજા પાસે આવ્યો અને ઇશારાથી બધાને અંદર જવા કહ્યું.
જેકીએ કેમેરો મિત્રાને પકડાવી દીધો ‘લે મોટા, આને સાચવજે…!’ અને દોડીને ઢબુડી જોડે ગયો.
બધા અંદર દાખલ થયા, મિત્રા અને દશલો વારંવાર કાકા અને બીજાને કહી રહ્યા હતા, ‘જો જો મારી આંગળી ન છોડતા હ… મને બહુ બીક લાગે છે…!’
અને એથી વિશેષ તો નીખીલ, હમણાથી જ હનુમાન ચાલીસા રટવાનું શરુ કરી દીધું હતું.
શરૂઆતમાં એક નાનકડી ઓરડી જેવી જગ્યામાં બધાને દાખલ કરવામાં આવ્યા, જ્યાં માત્ર દાખલ થવાનો દરવાજો જ એક માત્ર પ્રકાશનો સ્ત્રોત હતો, અને એ પણ બંધ કરી દેતા આજુબાજુ બધે ભયંકર અંધારું છવાઈ ગયું. ‘અરે લાઈટ કરો, મને બીક લાગે છે…’ નીખીલ બોલ્યો.
બધા એકબીજાનો હાથ પકડીને ઉભા હતા… (એટલી જ બીક લાગતી હતી તો આવ્યા જ કેમ…?)
થોડીવારે માથા પર ઝબકીને એક લાલ બલ્બ ચાલુ થયો, અને બધા સાહજિક રીતે ડરી ગયા, ધીરેધીરે એ ઓરડી આખી નારંગી રંગના ભયંકર રંગથી પ્રકાશિત થવા લાગી, અને ત્યાનું દ્રશ્ય જોતા લાગી રહ્યું હતું કે, આબુના બગીચામાંથી અચાનક જ કોઈ ભયાનક ખખડધ્ધજ ખંડેરમાં આવી ચડ્યા છીએ. બધે જ કરોળિયાના જાળા બાજેલા, અને ક્યાંક ક્યાંકતો અસલી કરોળિયા અને કાચીંડા પણ હતા.
બસ આટલું જોતામાં જ દશલો, અને મિત્રા બંને નખશીખ ધ્રુજી ઉઠ્યા હતા, પણ અમારે ઢબુડી બેન અને છોટુ તો જાણે કોઈ ફેર જ ન પડતો હોય એમ ઉભા હતા. અને કાકા પણ નવી વેરિયટીઓની રાહ જોતા ઉભા હતા. નીખીલે તો પાર્થ અને દર્શનને બાથ જ ભરી લીધી હતી…! (આ પેન્ટ ન પલાળે તો સારું…!)
અને પછી એક એક એ ઓરડીમાંથી સામેની તરફ ધીરે ધીરે પ્રકાશ પથરાતો ગયો, અને એક રસ્તો સામે આવ્યો… અને સ્વભાવિક રીતે જ હવે બધાએ તરફ આગળ વધવાનું હતું.
‘તું આગળ જા. તું આગળ જા…’ કરતા બધા એકબીજાને ધક્કા મારવા લાગ્યા.
અને પછી છેલ્લે દર્શન મહાશય આગળ થયા, કાકા તેની પાછળ, એની પાછળ અલી જનાબ, અને એમને પકડીને ચાલી રહેલો સાવજ નીખીલ… અને એની પાછળ મિત્રા અને દશલો, બંનેને એકબીજા નો સહારો માત્ર હતો… અને એમની પણ પાછળ જેકી અને ઢબુડી…!
ધીરે ધીરે ડગ ભરતી આખી પલટન અંદર તરફ આગળ વધવા લાગી, અને જોડેજોડે આખા હોરર હાઉસમાં ડરનું વાતાવરણ ખડું કરતું સંગીત ચાલુ થઇ ગયું, જેમાં ક્યાંક ચીસો સંભળાતી, તો ક્યાંક વીજળીના કડાકા-ભડાકા…!
બધા એકબીજાનો હાથ પકડી આગળ વધી રહ્યા હતા, અને ત્યાં જ અચાનક વચ્ચો વચ્ચ એક ભૂત મુખોટું ઉપરથી પડ્યું… અને પડ્યું તો પડ્યું, એપણ કોની પર… મિત્રા પર…!
‘ઓહ… મમ્મી… બચાવો… બચાવો’ની બુમો પાડવા લાગ્યો, અને જોડે ઉભેલો દશલો એને જોરથી પકડી ઉભો રહી ગયો. એ પણ એટલો જ ફફડતો હતો…! નીખીલની હનુમાન ચાલીસાની ફ્રિકવન્સી વધી રહી હતી…! બધા ઘડીભર એ મુખોટું જોઈ રહ્યા.
‘ઇટ્સ જસ્ટ અ માસ્ક, ગો અહેડ…’ ઢબુડી બોલી, અને બંનેને આગળ ધક્કો માર્યો.
ફરી થોડીક નીરવ શાંતિ, અને પલટન ડરતી, સહેમતી આગળ વધી રહી હતી,
અને અચાનક જ આગળથી કાળા કપડામાં, એક માણસ આવ્યો અને દર્શનને પકડી પાડ્યો…
‘ભાગો… અરે છોડો પ્લીઝ… પ્લીઝ છોડી દો… મારે બહાર જવું છે, પ્લીઝ…’ બિચારો રીતરસનો ફફડી ગયો. હવે એની જ એ હાલત હતી તો પાછળ વાળાઓનું તો શું કહેવું.
પણ અલી જનાબ તો એની પાસે ગયા અને બોલ્યા,
‘જનાબ હમારે અઝીઝ દોસ્ત કો છોડ દીજિયે, હમ આપકો એક શેર સુનાતે હે, ઉસ પર ગૌર ફર્માઈએ…!’ ખરી નોટ છે આ ! અહીં પણ શેર-શાયરી.
અને આ તો નોટ છે તો છે, પેલી સામે પણ ઉતરતી નોટ તો નહોતી જ. દર્શન ને છોડીને અદબ વાળીને ઉભો રહી ગયો અને બોલ્યો, ‘ઈર્શાદ… ઈર્શાદ…!’ (બંને એ ભારે કરી…!)
‘હમ કો માલુમ હે, ઇસ ભૂતિયા ઘર કી હકીકત, લેકિન;
દિલ કો ડરાય રખને કો ‘અલી જનાબ’ યે ખયાલ અચ્છા હે.’
‘વાહ વાહ…’ આખી પલટન બોલી ઉઠી. (સીરીયસલી…? હોરર હાઉસમાં શાયરી…!? રીયલી… ?)
‘ચાલ, પત્યું તારું, તો આગળ વધ હવે…’ કહી પેલો ભાઈ પાછો ક્યાંક અંધારામાં ખોવાઈ ગયો.
‘હવે હું આગળ નહિ રહું…!’ બિચારો દર્શન ડરથી હજી પણ ફફડી રહ્યો હતો.
‘ડોન્ટ વરી બચ્ચા… કાકુ ઇસ હિયર… હું જઈશ આગળ બસ…!’ (હા, હા જાઓ… તમને પણ તો ખબર પડવી જોઈએ ને… હહહહ ) અને કાકાને આગળ કરી પલટન આગળ વધી, દર્શન પણ દશલા અને મિત્રા જોડે થઇ ગયો.
પણ આ શું… ખાસ્સું એવું ચાલવા છતાં કોઈ હરકત નહી. પણ આ પણ એક ટ્રેપ જ હતો.
આગળ એક સમયે એક જ વ્યક્તિ જઈ શકે એવી નાનકડી સાંકડી ગલી આવી. ‘ફોલો મી…’ કહેતા કાકા તો હોંશે હોંશે આગળ ભરાયા અંદર.
અને માંડ બે પાંચ ડગ માંડ્યા હશે અને ત્યાં જ એક ડોશીનું ભૂત આવી કાકાને બાઝી પડ્યું…
‘મેરી મી… પ્લીઝ મેરી મી…!’
પત્યું…! અને પછી તો કાકા જે ફફડ્યા છે…!
‘બેન છોડી દો મને… પ્લીઝ છોડી દો, આઈ એમ મેરીડ…!’
‘યુ હેવ ટુ મેરી મી…!’
‘અબે નમૂનાઓ જોવો શું છો ત્યાં ઉભા ઉભા… અહીં આવો મને છોડાવો આ ડોશીથી…!’
‘કાકા, ડરો નહી અંદર ભાઈ જ છે…!’ કહી ઢબુડી અંદર ગઈ અને પેલા ભાઈને પૂછ્યું,
‘કેમ ભાઈ, ‘ટેસ્ટ’ બદલાઈ ગયો છે કે શું…? છોડો એમને…!’ હવે આવા સવાલનો પેલો જવાબ પણ શું આપે…! છોડી દીધા કાકાને… બિચારો પોતે જ વિચારમાં પડી ગયો હશે, આ છોકરી આવું કેમ પૂછીને ગઈ…?
અને પલટન એક બીજાનો હાથ ઝાલી, એક એક કરી એ ગલીમાંથી પસાર થઇ ગઈ.
હવે તો કાકા પણ ડરે, ‘હું આગળ નથી જવાનો…!’
એટલે ન છુટકે ઢબુડી આગળ થઇ, અને જોડે જોડે એમના અંગત સેક્રેટરીની જેમ, જેકી એની પાછળ પાછળ. ડર તો આ છોટુને પણ લાગતો હતો, પણ છોકરી સામે ઈજ્જતના ધજાગરા ન થઇ જાય, એટલે અંદરોઅંદર ફફડી રહ્યો હતો.
પણ હવે જ તો મેઈન વાત થવાની હતી… ભૂતિયા ઘર સાથે ભૂલભુલઈયા પણ શરુ થવાની હતી…! (ભલી થજો આવું અળવીતરું બનાવનારનું…!)
ફરીથી બધા એક મોટી ઓરડીમાં પંહોચી ગયા, જેની ચારેય તરફ કાચના દરવાજા હતા, અને એના પર વિવિધ રંગોની લાઈટ રીફ્લેક્ટ થતી હતી…! અલી જનાબે એક એક કરી દરવાજા ખોલવા પ્રયાસ કર્યો. પણ બધા જ બંધ…! અને એ ફરી મધ્યમાં બધા વચ્ચે આવ્યા…!
અને બસ હજી માંડ આવ્યા જ હશે અને વીજળીના કડાકાનો અવાજ આવવા માંડ્યો, અને સામેથી ચામાંચીડીયાઓનું ઝુંડ ઉડતું પલટનને ચોંટવા ધસ્યું.
ફફડાટના મારે બધા અલગ અલગ દરવાજા તરફ ભાગયા, અને હવે બધા દરવાજા ખુલી પણ ગયા… અને ટ્રેપ સફળ…! બધા અલગ અલગ થઇ ગયા.
જેકી, મિત્રા અને ઢબુડી એક જ દરવાજામાં ભરાયા હતા… દશલો અને નીખીલ એકમાં, અને અલી જનાબ અને દર્શન એકમાં… કાકા બિચારા એકલા જ પડી ગયા, અને કોઈક અલગ જ દરવાજામાં ઘુસી ગયા.
હવે મઝાની વાત તો એ હતી, કે દરેક દરવાજામાંથી પસાર થતો રસ્તો નીકળતો તો એક જ દરવાજે હતો, પણ એની લંબાઈ અલગ અલગ હતી… એટલે કોઈક વહેલું, તો કોઈક મોડું નીકળશે…!
બધા ધીરે ધીરે કરી આગળ વધવા માંડ્યા. અને શાંતિ તો એટલી ભયાનક કે ફલોરિંગ પર પોતાના જ પગનો અવાજ સંભળાય… ડબ, ડબ, ડબ… અને અચાનક જ પાછળથી કોઈકે કાકાની ટી-શર્ટ પકડી લીધી.
‘ઓ માડી રે… છોડ મને છોડ…!’
પણ કોઈ જવાબ ન મળતા, કાકાએ ડરતા ડરતા પાછળ જોયું…!
દુલ્હનના જોડામાં એક સ્ત્રી ઉભી હતી, વાળ લઘરવઘર, ગાલ કાજળથી ખરડાયેલા… અને લીપ્સ્ટીકથી રંગેલા હોઠથી કાકાને ચૂમવા જ આવી રહી હતી…! અને પછી તો એટલું જોતા જ કાકા જે ભાગયા… ચોક્કસ ઓલમ્પિકમાં મેડલ લઇ આવતા…! (શું કાકા, ઉ મિસ્ડ અ કિસ !)
વચ્ચેના બધા ટ્રેપવાળા કોઈકની આવવાની રાહ જોઈ રહ્યા હતા, પણ આ મહાશય તો કંઇક એવી રીતે ભાગયા, કે સીધા જ દરવાજા બહાર…! હાંફતા હાંફતા બેવડા વળી ગયા… ‘ભૂલ થઇ ગઈ… હવે ક્યારેય ન જાઉં આવામાં…’
અને બીજા તો બધા જ હજી પણ અંદર જ…!
દશલો નીખીલને પકડે છે, કે નીખીલ દશલાને, એ કહેવું જ મુશ્કેલ ! બંને એકબીજાનો સહારો લઇ આગળ વધી રહ્યા હતા. દશલાને તો હનુમાન ચાલીસા પણ નહોતી આવડતી. એટલે બસ પેલા પાછળ ‘જય હનુમાન, જય હનુમાન’ બોલી રહ્યો હતો…!
અને આમને આમ ચાલતા રહી બહાર નીકળી જવાની આશાએ આગળને આગળ ચાલવા માંડ્યા, અને ત્યાં જ ઉપરથી હાડપિંજર સામે આવીને નીખીલને બાથ ભરી લીધી…! સાવજ નો અવાજ જ ગળામાં અટકી રહી ગયો. અને દશલો તો એને એકલો મુકીને ભાગ્યો બહાર…! (ગદ્દાર સાલો…!) થોડીવારે સેન્સર દ્વારા જાતે જ પેલું હાડપિંજર ઉપર ચઢી ગયું, અને સાવજ તો જીવ બચાવવા ઉભી પુંછડીએ ભાગયા. અને સીધા બહાર…!
દર્શન અને અલી જનાબ…! બંને ડરતા ડરતા આગળ વધી રહ્યા હતા. અને આમનું નસીબ કદાચ સારું હતું, આ બંને જે રસ્તે આવ્યા હતા એ રસ્તો સૌથી ટૂંકો રસ્તો હતો…! અને આમાં ઝાઝા ટ્રેપ પણ ન હતા, બસ ખાલી એકાદ અજગર આમની પર છોડી દેવામાં આવ્યું હતું બસ…! અને થોડીવારે આ બંને પણ બહાર…!
પણ નસીબ તો મિત્રાના ખરાબ હતા, એક તો સૌથી લાંબો રસ્તો તો એના ભાગે આવ્યો જ હતો, અને બોરિંગ (એક્ચ્યુલી ડેરિંગ) પાર્ટનર્સ…! હોરર હાઉસમાં પગ મુકતાની સાથે જ એની તો ફાટીને ફટાકડો થઇ ચુકી હતી…!
અહીં પેલી ઢબુડી તો ધીરે ધીરે આગળ વધવા માંડી, અને જેકી મિત્રા પાસે આવી એનો હાથ પકડી લીધો,
‘મોટા, બીક તો મને પણ લાગે જ છે હોં…! મને સાચવી લેજે મોટા…!’ (એ શું તંબુરો સાચવે, પહેલા પોતાને તો સાચવી લે એ…!)
ત્રિપુટી ધીરે ધીરે આગળ વધવા માંડી, આજુ બાજુની દીવાલો લાઈટ બંધ ચાલુ થવાને કારણે વધારે ભયાનક લાગતી હતી, પણ આ ઢબુડી તો આગળને આગળ જ ચાલતી જતી હતી…!
અને ત્યાં જ હાથમાં મીણબત્તી લઈને એક બેન (ભૂત) સામે આવીને ઉભું રહી ગયું… અને મિત્રા સાહેબ તો ગયા કામ થી…! ‘મમ્મી… મમ્મી…બચાવો…!’ કહેતા રડવા જ માંડ્યા.
અહીં ઢબુડી કોઈક તમાશો ચાલતો હોય એમને જોઈ રહી…! (આને ડરવું જ નહોતું તો આવી કેમ… નમુની !)
જેકી પણ મિત્રાનો હાથ પકડી થથરી રહ્યો હતો, પણ કઈ બોલવાની હિંમત નહોતી.
પેલી મીણબત્તી વાળી બેન પણ કઈ પણ કર્યા વગર ઉભી રહી ગઈ, દસેક સેકન્ડ એમ જ વીતી ગઈ…
પછી મિત્રા એને કેમેરો બતાવતા ડરતા ડરતા બોલ્યો, ‘બેન… ફોટો પાડી દઉં… પણ પ્લીઝ મને જવા દો પ્લીઝ…!’
અને પેલી હસવા માંડી, ‘ફટ્ટુ, જયારે આટલી જ બીક લાગે છે, તો આવો છો જ કેમ…? અને ભૂતિયા ઘરમાં ફોટો પાડી આપવાની ઓફર કોણ આપે હેં… સ્ક્રુ ઢીલા તો નથી ને તારા…! ચાલ જા, આગળ જા નમુના…!’ (લે, આને પણ ખબર પડી ગઈ, આ મિત્રા નમુનો છે એમ…હહહહ )
જેકી દોડીને ઢબુડી જોડે ગયો, અને મિત્રા પણ એની પાછળ ગયો.
થોડુક આગળ ચાલતા ચાલતા ઢબુડીનો પગ કેળાની છાલ પર પડ્યો અને એ લપસી. પણ જેકીએ એને પડતા બચાવી લીધી…! એકદમ બોલીવુડ ટાઈપ નો પોઝ…! અને એ જ ક્ષણે મિત્રા કેમેરો મચેડી રહ્યો હતો, અને એ ક્ષણ કેમેરામાં કેદ થઇ ગઈ…! આહા… શું જોરદાર ટાઈમિંગ છે નહી…!?
પણ આ કેળાની છાલ ત્યાં આવી ક્યાંથી…?
અને આ પ્રશ્નો નો કોઈ જવાબ મળે એ પહેલા જ ભૂતનું કોસ્ટચ્યુમ પહેરેલ એક ભાઈ ‘હુ…’ કહેતા નાના છોકરાને ડરાવવા આવતા હોય એમ આવ્યા.
અને એ જોઈ ઢબુડીની છટકી, અને એણે તો ત્યાં જ પેલાની લેવા માંડી.
‘ટોપા, તને કંઈ ભાન બાન છે કે નહી હેં…? આમ કેળા ખાઈને છાલ નંખાતી હશે કંઈ ! હમણાં હું પડી જતી તો…! બધી મઝા બગાડી નાખી… હુહ…!’ (આને હોરર હાઉસમાં મજા આવતી હતી બોલો ! હદ છે યાર.)
‘સોરી બેન…!’ (પેલો બિચારો બીજું બોલે પણ શું…?)
અને અંતે આમનો પણ રસ્તો પૂરો થયો અને બહાર આવ્યા. બહાર બધા ફફડતા ફફડતા હનુમાનજીનું રટણ કરી રહ્યા હતા. અને કાકા…! કાકા તો પેલા ટીકીટ વાળાને જ ઉધડો લઇ રહ્યા હતા,
‘આ હતી તારી વેરાયટી હેં…? વડીલની મઝાક કરે છે હેં ! અંદર મને કઈ થઇ જાત તો…? અને પેલું શું હતું હેં, મેરી મી… ઘેર તારી કાકીને મોઢું પણ બતાવવાનું છે મારે…!’ અને પછી તો એયને માથમાં બે પાંચ ટપલીઓ મારી પાછા આવ્યા.
પણ અહીં જેકી તો કંઇક અલગ જ વિચારમાં હતો, ‘ઢબુડી, મારે તને કંઇક કહેવું છે…!’ (હજી પણ ભાઈને ‘કંઇક’ કહેવું છે બોલો…!)
‘તારે કંઇ કહેવાની જરૂર નથી… મને બધી જ ખબર છે…! અને હા, અંદર મને પડતી બચાવવા માટે થેંક યુ…!’ કહી એના ગાલે પપ્પી કરી લીધી. (હા, ચુંબન નહિ પપ્પી જ…)
અને ભાઈ તો સીધા જ સાતમા આકાશે…!
અહીં મિત્રા હજી પણ કેમેરો મચેડી રહ્યો હતો અને એની નજર પેલા ફોટા પર પડી, જેમાં જેકીએ ઢબુડીને પડતા બચાવી હતી…!
‘જો છોટે, આ ફોટો તો જો…!’ અને જેકીએ ફોટો જોયો અને વધારે ગેલમાં આવી ગયો અને મિત્રાને ગાલે પપ્પી કરી લીધી…! (ઐસા કોન કરતા હે છોટે ?)
‘થેંક યુ મોટા… ધીસ ક્લિક મેડ માય ડે…!’ અને સાહેબ તો કેમેરો લઇ ચાલી નીકળ્યા.
અહીં પેલા ઉગતા લેખક ગાલ પર હાથ ધરીને રહી ગયા, અને બબડ્યા, ‘સાલું, આ હતું શું…!?’
કેટલાય હજી ડરથી ફફડતા હતા, અને હોરર હાઉસને ગાળો ભાંડી રહ્યા હતા. પણ પછી બધાએ સ્વસ્થ થઇ સનસેટ પોઈન્ટની વિઝીટ કરી, અને પછી પરત ફરવા બસમાં ગોઠવાયા.
‘બાય ધ વે, પેલી ભૂતડી આ વિશુ અને ડીમ્પલ કરતા પણ સારી લાગતી હતી નહી…?’ દશલાએ સળી કરતા કહ્યું.
‘બેસને હવે નવરી… એકલા એકલા જઈ આવ્યા, અમને પૂછ્યું પણ નહી…!’ ડિમ્પલે ફરિયાદ કરતા કહ્યું.
‘એમ તો લઇ જાત, પણ શું ખબર અંદરનો સ્ટાફ, જે ભૂત બનીને કામ કરે છે, એ તમને જોઈ કાલથી આવવાની જ ના પાડી દે તો…? અને પાછા તમે નાહ્યા વગરના !’
‘હશે… હશે… તું પણ બ્લોક થઈશ બીજું શું !’
અને આવી જ વાહિયાત વાતો કરતા કરતા પલટન અમદાવાદ પંહોચી.
બધા થાકીને ઢુસ્સ્સ…! બધાએ પોતપોતાના મોબાઈલ લીધા અને ફરી ક્યારેય આવી કોઈ ટ્રીપ પર ન જવાની સોગંદ લીધી…!
અને હા, બસના પૈસા તો ફક્ત આનંદને જ ભોગવવા પડ્યા… પ્લાન એનો જો હતો… પૈસા તો ના મળે રોણા…! થાય એ કરી લે !
( સમાપ્ત તો ખરી પણ ફાયનલી નહીં )
Leave a Reply