બીજા દિવસે સવારે વહેલા, બસ ઘઘરાટી બોલાવતાં કંડકટરના આંગણે આવીને ઉભી રહી, અને એના અવાજથી બધાની ઊંઘમાં ખલેલ પડી. બાજુના ઘરમાંથી તો બુમ પણ સંભળાઈ.
‘આને કેટલી વાર કીધેલું છે, બસ લાવે તાણ હોર્ન ના માર, અહીં ઊંઘ તો બગડે જ છે, પણ મુઆ ઢોર પણ ડરી જાય છે. મુ તો કુ, ઘર આખું જ બસમાં ગોઠવીને ઉપડી પડો ક્યાંક. તે શાંતિથી જીવાય આજુબાજુ વાળાઓથી…!’
પણ કંડકટર સાહેબે એની વાતને સાવ અવગણી અને બસ પાસે પંહોચ્યા. એમનો મિત્ર બસનું રીપેરીંગ કામ કરાવી આવ્યો હતો. હવે બસ પલટનને પાછી પંહોચાડવાનું કામ બાકી હતું.
અહીં એક પછી એક કરી, પલટન આખી ઉઠવા માંડી હતી. અને ફ્રેશ થવા માટે જગ્યા શોધતી હતી. ત્યાં જ ડ્રાઈવર પત્નીએ જણાવ્યું કે રાત્રે એ આવતા પાણીમાં ટાંકી ભરવાનું ચુકી ગઈ છે, એટલે ફ્રેશ થવા નદીએ જ જવું પડશે…!
બધાના મોઢે એક જ ભાવ દેખાતા હતા. ‘હવે બસ આ જ કરવાનું બાકી હતું, નહીં !?’
છોકરાઓ તો એક પછી એક કરી કંડકટર સાથે નદી તરફ ચાલવા માંડ્યા. પણ હજી છોકરીઓ વિચારમાં પડી હતી…! પણ ઢબુડી તો છોકરાઓ ભેગી ચાલવા માંડી…! (શી ઇસ લાઇક અ ટોમ-બોય યુ નો…!)
બધા નદીએ પંહોચી મન ભરીને નાહ્યા…! (આટલી મઝા કોઈ વોટરપાર્કમાં પણ ન આવે…!)
પણ પેલા બંને કવિયત્રીઓએ નાહ્યા વિના જ જવાનું નક્કી કર્યું, એટલે બસ કપડાં ચેન્જ કરી બધાની આવવાની રાહ જોવા લાગી.
અહીં નદીથી પાછા ફરતી વખતે જેકીએ આબુ જઈ આવવાની જીદ કરી ‘હવે, આજનો દિવસ તો ગયો જ છે, બધાય નો… અને આટલેક આવ્યા જ છીએ, તો પછી આબુ ક્યાં ઝાઝુ દુર છે. ચાલો આબુ…!’
‘અરે પણ છોકરીઓ નહિ માને…!’ દર્શન બોલ્યો. ( જેમ પેલો થ્રી ઇડીયટ ફિલ્મમાં બોલે છે ને… ‘અબ્બા નહી માનેંગે’ બસ એમ જ…!) અને ત્યાં જ ઢબુડી વચ્ચે બોલી, ‘મને તો કોઈ વાંધો નથી. પેલી બંને નમુનીઓને મનાવવાની જવાબદારી તમારી…!’ (હા, બેન (મારી બેન નહિ હોં) હવે બધાને ખબર પડી ગઈ છે કે તું કંઇક અલગ માટીની છો એમ…!)
અને પછી દશલો કંઇક વિચારમાં પડ્યો હોય એમ બોલ્યો,
‘મારી પાસે એક આઈડિયા છે, પણ એમાં કાકાની મદદ જોઇશે…!’
‘હા, એનો વાંધો નહી, પણ મારી પાસે આઈડિયા નથી જીયો છે, અને એ પણ અત્યારે અમદાવાદ છે…!’ કાકાએ સાવ ભોળા ભાવે કહ્યું.
‘કાકા, એ સીમકાર્ડની વાત નથી કરતો. એ કોઈક ઉપાયની વાત કરે છે…!’ આનંદે કહ્યું.
‘તો એમ સીધું સીધું બોલને વાયડી. ના જોઈ હોય પાછી અંગ્રેજી ઠોકવા વાળી…!’
‘હા, તો હવે સાંભળો, પ્લાન કંઇક આવો છે…’ કહી કાકાને આખો પ્લાન સમજાવ્યો.
અને પછી આખી પલટન, કંડકટર સાહેબના ઘરની ચા પીધા બાદ ત્યાંથી ઉપડી. આબુ તરફ !
લગભગ દસેક મિનીટ આખી બસમાં શાંતિ રહી, અને પછી વિશુએ પૂછ્યું…
‘આનંદ, વ્હેન વિલ વી પંહોચીશું ટુ અમદાવાદ…?’
‘લગભગ સાંજે…’ આનંદે આંખો મેળવ્યા વિના જવાબ આપ્યો.
‘કેમ સાંજે…? આમ તો બપોર સુધી તો પંહોચી જ જવાય ને…?’ ડિમ્પલે પૂછ્યું.
‘એક્ચ્યુલી આપણે હમણાં આબુ જઈ રહ્યા છીએ…!’ આનંદે ધમાકો કરી જ નાખ્યો.
‘હેં…? આબુ કેમ…? એ પ્લાનમાં નહોતું…! અને અમારી હાલત તો જો. નાહ્યા વગર અમે કેટલું ફરીએ…! આ પ્લાન કોણે એડ કર્યો. નામ બોલ એનું…!’ અને બધા એકબીજાના મોઢા જોઈ રહ્યા. પણ હરામ જો કોઈ એક શબ્દ પણ બોલે તો…! આખરે બધાની મિલી-ભગત જો હતી આબુ ની ટ્રીપ…!
‘નક્કી આ કાનખજુરાનો પ્લાન હશે આ…!’ કહી ડીમ્પલ મિત્રા પર તાડૂકી.
‘હવે મેં શું કર્યું. હું સાવ એટલે સાવ નિર્દોષ છું…!’ મિત્રાએ પોતાનો બચાવ કરતા કહ્યું.
‘હા, તું કેટલો નિર્દોષ છે ને, એ હું જાણું છું. તું તો જો… ઘરે જઈને પહેલો જ તને બ્લોક ના કરુંને તો કેહ્જે…!’
‘અરે પણ કેમ…? પણ…સોરી…!’ આ ભાઈ દર વખતે પણ… પણ કરતા રહી જાય અને ગાડી આવીને સોરી પર અટકી પડે. અને દશલાએ કાકાને આંખ મારીને પોતાનો પ્લાન સ્ટાર્ટ કરવા કહ્યું, અને કાકા બોલ્યા, ‘આ પ્લાન મારો હતો…!’
‘હેં… પણ કેમ…? અમારી હાલત તો જુઓ તમે… નાહ્યા વગર ક્યાં ક્યાં ફરવું અમારે…!’
‘જો તને સમજાવું…’ કહી કાકાએ બંનેને બાટલીમાં ઉતારવાનું ચાલુ કર્યું.
‘જુઓ તમે બધાએ પાછલા બે દિવસથી ઘણા ઉતાર ચઢાવ જોયા બરાબર…? અને આ સફરની યાદગીરી સમી કોઈક ખાસ યાદ તો હોવી જોઈએ ને…! આપણે આબુ જઈશું, મસ્તીથી ફરીશું… તમે ત્યાંના વિવિધ પોઈન્ટ પર બેસી કવિતાઓ રચજો…! બસ આવો જ કંઇક પ્લાન હતો મારો…! હું તો ભવિષ્યની બે મોટી કવિયત્રીઓને સુંદર કવિતાઓ લખવાનું વાતાવરણ પૂરું પાડવા માંગતો હતો… (કાકા, આ જરાક વધી ગયું હોં) પણ તમને વાંધો હોય તો આપણે બસ ફેરવી દઈએ બસ…!’
‘અરે ના, ના, કાકા… તમે નક્કી કર્યું હોય તો બરાબર જ હોય ને, (…અને, કાકાનું તીર યોગ્ય નિશાના પર…!) અમે ત્યાં સનસેટ પોઈન્ટ પર બેસી સરસ કવિતાઓ લખીશું…! (અને આજુબાજુ વાળાઓને કવિતાઓ ના ‘હથોડા’ મરીશું…)
‘પણ સનસેટ પોઈન્ટ પર, બપોરના સમયે સુર્યાસ્ત ન જોવા મળે મહોતરમા…!’ અલી જનાબ બોલ્યા. (આ આવું કેમ બોલ્યા ! કઈ ટીમ તરફ છે એ જ નથી સમજાતું…!’)
‘અરે તો શું થઈ ગયું જનાબ…! તમે અમારી ઉગતી કવિયત્રીઓને સહેજ પણ ઓછી ન આંકશો. આ તો માથે ચઢેલ સૂર્ય જોઈ પણ સુર્યાસ્ત વિષે લખી લે એવી છે…!’ દશલાએ વખાણની ચાસણી ચખવતા કહ્યું. (બાય ધ વે, આ દશલો જ બોલ્યો ને…!? આમ તો સ્ત્રીવીરોધી માણસ…! પણ બાટલીમાં ઉતારવા કઈ પણ ! વાહ… પણ કહેવું પડે હોં… ગજબ !)
‘થેંક યુ દશલા… અમે તો એમ જ લખી લઈએ…! પણ આ કાનખજૂરા જેવા હોયને થોડાક… ક્યારેય કદર ન કરે અમારી…!’
‘ચુપચાપ બેસી રહે ને… નાહ્યા વગરની ગોબરી…! બધી વાતમાં મને કેમ ઘુસાડે છે હેં…!?’ મિત્રા નો ગુસ્સો ફૂટ્યો. કાકાએ બંને વચ્ચે પડી વાત શાંત પાડી. (કાકાનું કામ જ આ…!)
હવે આખી પલટન આબુ જવા માની ચુકી હતી…! અને એની પાછળનું શ્રેય દશલાના ‘આઈડિયા’ (સીમ નહી)ને આપવો કે પછી કાકાની અદાકારીને, એ નક્કી કરવું જરા અઘરું છે…! (બંને જાતે જ કુટી લે જો…!)
અહીં ડ્રાઈવર કેબીનમાં બેઠાં આનંદે, કંડકટર પાસે એનો ફોન માંગ્યો, અને એમાં પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલવા ડીટેઈલ્સ ભરી…! પણ ત્યાંજ ઢબુડી ત્યાં જઈ પંહોચી.
‘આનંદ ભાઈ, થોડીક વાર ફોન આપોને. એક અરજન્ટ કામ છે, મારે…!’
રાણા અમારે ભોળા, અને પાછું છોકરી ભાઈ કહી કંઇક માંગે અને રાણા સાહેબ ના આપે એવું બને ખરું…! (મેં તો સાંભળ્યું છે, અખિલ ભારતીય નારીના ભ્રાતાશ્રી તરીકે, સરકાર એમનું સમ્માન પણ કરવાની છે બોલો…!)
‘હા, લોને વાંધો નહી. પણ અહીં બેસીને વાપરો. પાછળ લઇ જશો તો, ફોન વગરના આ બધા નમૂનાઓ ફોન જોઈ ગાંડા થઇ જશે. પછી કોઈના હાથમાં ફોન આવવાથી રહ્યો.’
‘અરે વાંધો નહી. હું સાચવીને વાપરીશ…!’ કહી ફોન લઈને છેલ્લી સીટ પર આવી ગોઠવાઈ ગઈ. અને પહેલા થોડાક મેસેજ કર્યા, અને પછી સામેથી ફોન આવ્યો તો ફોન પર ચોંટી પડી. અહીં નીખીલ કાન દઈ એની વાતું સાંભળી રહ્યો હતો. ખાસ્સી લાંબી એવી ચાલેલી વાતમાં એક શબ્દ એના કાને પડ્યો. જેનાથી એ હચમચી ગયો. એ શબ્દ હતો ‘બાબુ’ ! (હા, પેલું લવરિયાઓ બોલે ને એ જ…! શિવ… શિવ… શિવ… શિવ…!)
પણ અમારા ભોળા સાવજને એ કોઈ છોકરાનું નામ લાગ્યું. એટલે વાતને જ અવગણી ગયા…!
આમ જોવા જાવ તો આ ‘બાબુ’ ‘જાનું’ ‘સોના’ ‘દીકું’ વગેરે વગેરે, બધા કાકા-બાપાના પોરિયા હોય એવા જ લાગે છે…! એ આવે અને એક નવા એકતરફા પ્રેમીની ભાવનાઓ હણાય…! ભારતની વસ્તી ગણતરીમાં જો આવા નામોની ગણતરી થાય તો…? તો 75% લોકો આવા બાબુ, જાનુંની કેટેગરીમાં આવે…! જોકે હું હજી બાકીના 25%માં આવું છું…! (મારા સારા નસીબ…! )
ખૈર, વાત હતી ઢબુડીના બાબુની…! રામ જાણે કોણ હશે એ…? પણ ફોન મુક્યા બાદ ઢબુડીના ચેહરે એક અલગ જ રોનક હતી, અને એ વારેવારે આનંદને ‘આબુ ક્યારે પંહોચીશું?’ એ વિષે સવાલ પૂછી રહી હતી.
એના ચેહરા પરનું નુર જોઈ બધા આશ્ચર્યચકિત જ હતા. પણ ઢબુડીને પ્રશ્ન કરે એવી કોઈની તાકાત થોડી હોય કઈ…! (બે ગાળ થોડી ખાવી છે કોઈએ…!)
થોડીવારે ગાડી આબુ જઈ પંહોચી…!
આખી પલટન એકસાથે નીચે ઉતરી. પહેલી વખત ઉત્સાહમાં હતી…! (જોઈએ આમનો ઉત્સાહ કેટલો ટકે છે…!)
બધાએ ઉતરતાની સાથે નાસ્તો કર્યો અને પછી આજુ બાજુ આંટા મારતા એક ગાર્ડનમાં જઈ પંહોચ્યા.
છોકરીઓ બધી ગાર્ડનમાં બેસી ગઈ, બંને કવિયત્રીઓ કવિતાઓ લખવામાં પડી. અને પેલી ઢબુડી એમનાથી કંટાળી, તે એકલી જ ચાલતી ક્યાંક નીકળી ગઈ ! અહીં બધા છોકરાઓ જોડે જ હતા. (એક બીજાના પુંછડા ખરાને… એટલે !) અને આનંદે ફરી કંડકટરનો ફોન માંગી ફેસબુક ઓન કર્યું.
બે દિવસ બાદ લોગઇન થવાથી મેસેજીસ (એની ફેસબુક પર બનાવેલી બહેનોના) અને નોટિફિકેશનથી મોબાઈલ જ હેંગ મારવા માંડ્યો. (સસ્તો હતોને એટલે…!)
થોડીવારે ફોન નોર્મલ થતા, એણે ફેસબુક ચેક કરવા માંડ્યું. અહીં પલટન આખીના છોકરાઓ મોબાઈલ જોઈ ગાંડા થઇ ગયા, ‘અરે મને આપ… મારે ફેસબુક જોવું છે મારું…!’ વગેરે વગેરે માંગણીઓ પુરાવા લાગ્યા.
પણ આનંદની નજર નીયર બાયના ફીચર પર પડી, જે હમણાં દર્શાવી રહ્યું હતું,
‘યોર ફ્રેન્ડ ‘કપ્તાન જેક સ્પેરો’ ઇસ નીયર બાય…!’ (નામમાં જ દમ છે નહી…!)
આનંદે એની સાથે ચેટ કરવાની ચાલુ કરી, અને એ હમણાં ક્યાં છે તેની વિગતો પૂછી.
કપ્તાને નજીકના રેસ્ટોરન્ટનું એડ્રેસ આપ્યું. અને છોકરાઓની આખી ટીમ ઉપડી એક નવા ફેસબુક મિત્ર કપ્તાનને મળવા…!
ત્યાં પંહોચ્યા બાદ કપ્તાન બધાને લેવા રેસ્ટોરા બહાર આવ્યો..
‘અલ્યા, તું આબુમાં શું કરે…?’ કપ્તાને આનંદને પૂછ્યું.
‘અમે તો બધાએ ફરવાનો પ્લાન બનવ્યો હતો… અને એ આબુ સુધી લંબાઈ ગયો…! પણ તું અહીં ક્યાંથી…?’
‘હું પણ બસ ફરવા જ આવ્યો હતો, અને આજે સાંજે નીકળતો જ હતો… પણ…!’
‘પણ શું લ્યા…’
‘પણ તારા ભાભીને પણ આ બાજુ આવવાનું થયું એટલે રોકાઈ ગયો…!’
‘વાહ, ક્યાં છે ભાભી. અમને પણ મળાવ જરા…!’
‘હા, હા, કેમ નહી. એ અંદર બેઠી છે. ચાલો અંદર…!’
અને આખી પલટન ચાલી અંદર…
કપ્તાન એક ટેબલ નજીક જઈ ઉભો રહ્યો, એ ટેબલ પર એક છોકરી બેઠી હતી, પણ એની પીઠ પલટન તરફ હતી…
‘બાબુ, મીટ માય ફ્રેન્ડસ…’ કપ્તાન એ કહ્યું… અને એ છોકરી પાછળ ફરી. (ના ફરી હોત તો જ સારું થાત…!)
અને આ શું…? આ તો પેલી ઢબુડી જ લે…!
પેલી પણ થોડું આશ્ચર્ય સાથે બધાને જોઈ રહી…
અહીં જેકી ભાઈની તો હાલત જ ખરાબ…! એક જ ઝાટકે બિચારાના દિલના ચુરેચુરે થઇ ગયા…! કહેતે હૈ કી જબ દિલ તૂટતા હૈ, તબ શોર ભી સુનાઈ નહિ દેતા હૈ…! (હેં જેકી સાચી વાત કે…?)
‘અરે બાબુ… આ બધા તમારા ફ્રેન્ડસ છે? હું આમની સાથે જ તો આવી છું ફરવા…!’ પેલીએ નિર્દોષ બની પૂછ્યું.
‘કપ્તાન, આ તારી ગર્લફ્રેન્ડ છે…!?’ આનંદે પૂછ્યું.
‘હા યારા… આણે થોડાક કલાક પેહલા કોઈક અન-નોન નંબર પરથી મેસેજ કરી કોલ કરવા કહ્યું, અને પછી જણાવ્યું કે એ આબુ આવી રહી છે, તો હું ઉતાવળ કરીને નીકળી ન જાઉં એમ. અને પછી અમે મળવાનું નક્કી કર્યું…!’
‘કપ્તાન. દોસ્ત તું સાચું જ કહે છે ને… આ તારી ગર્લફ્રેન્ડ…!?’ મિત્રાએ પૂછ્યું.
‘અરે હા દોસ્ત…!’
પત્યું હવે તો…! જેકી ભાઈ હવે તારે સહન કર્યા સિવાય કંઇ બચતું નથી દોસ્ત…!
‘પણ તમે મળ્યા ક્યાંથી…?’ કાકાએ પૂછ્યું.
‘ફેસબુક થી, પણ પછી બાબુના મળ્યા પછી મેં એકાઉન્ટ જ બંધ કરી દીધું !’ (ભલી થાય આ ફેસબુકની તો…!)
‘ભગવાન તમારી જોડી સલામત રાખે. અને આમ જ બંને ખુશ રહો…!’ કહી કાકાએ બંનેને આશીર્વાદ આપ્યા. અને છોટુ કાકાને ગુસ્સાથી જોઈ રહ્યો, અને મનમાં બોલ્યો, ‘કાકા, વડીલ છો એટલે કંઈ સાવ આવું તો નહીં જ કરવાનું કંઈ. કજોડાને આવા આશીર્વાદ અપાતા હશે કંઇ…!?’
‘અરે તમે બધા ઉભા કેમ છો…? બેસોને… તમારી માટે આઈસ્ક્રીમ માંગવું છું…!’ કહી કપ્તાને બધાને બેસવાનો આગ્રહ કરી, ઓર્ડર આપવા ગયો.
જેકી એક શબ્દ પણ બોલી શકે તેવી હાલતમાં ન હતો…! એના ગળેથી તો આઈસ્ક્રીમ પણ ઉતરતો ન હતો…! અને બીજા બધા તો જાણે જન્મોથી આઈસ્ક્રીમ જોયો જ ન હોય, એમ તૂટી પડ્યા.
દર્શન મહાશયને આખી ઘટના પર હસવું આવતું હતું. અને ધીરે રહીને જેકીના કાનમાં કહ્યું ‘મારી સહાનુભુતિ છે તારી સાથે…!’ (રહી રહીને આણે પણ સળી તો કરી જ…!) અને પછી પોતાનું ફેવરેટ ઈમોજીની જેમ હસવા માંડ્યા. (પેલું ઈમોજી… જેના માથા પરથી પ્રસ્વેદ બુંદ ટપકવાની આરે હોય, અને પરાણે ડરી ડરીને હસતું હોય છે ને…? બસ એ ઈમોજી આમનું ફેવરીટ…!)
અહીં જેકી સાહેબ, ઢબુડી અને કપ્તાનને એક સાથે જીવ બાળી રહ્યા હતા, અને એનો ગુસ્સો આઈસ્ક્રીમનો છુંદો કરી કાઢી રહ્યા હતા. (એમાં આઈસ્ક્રીમનો શું વાંક હેં…?)
પણ બિચારો બોલે તો પણ શું…? ક્યાં જેકી અને ક્યાં કપ્તાન…! કયાંક કંઇક બોલવા જાય ને કપ્તાન બે ઉંધા હાથની લગાવી બેસે તો…? અને રહ્યા પાછા નાના, એટલે હવે તો મનની વાત મનમાં રાખ્યે જ છુટકો…!
કપ્તાન જેક સ્પેરો, સમુદ્રી જહાજો લુંટતો હતો અને આ કપ્તાન એ જેકી પાસેથી ઢબુડી લુંટી…! (જો કે, ઢબુડી ક્યારેય આની હતી જ નહી એ વાત અલગ છે…!)
અને થોડીવારે બધાએ આડી અવળી વાતો કરી ત્યાંથી રજા લેવાનું નક્કી કર્યું.
‘તો બાબુ… હવે હું જાઉં હ… મિસ યુ…!’ અને એટલું સાંભળતા જ જેકી(ની) બળીને ખાખ…!
‘અરે કપ્તાન, તું પણ સાંજ સુધી છે જ તો ચાલને અમારી સાથે જ આબુ ફરજે… અને સાંજે પણ જોડે જ આવી જજે…!’ આનંદે મમરો મુક્યો.
‘ના દોસ્ત… પાછી ફરવાની ટીકીટ તો મેં બુક કરાવી લીધી છે…!’
‘હાશ… બલા ટલી…’ જેકીથી બોલી જવાયું. પણ પછી ડોકું નીચું નાખી બેસી રહ્યો.
‘પણ હા, આજે જાઉં, ત્યાં સુધી આપણે બધા જોડે ફરી શકીએ…!’ અને કપ્તાને પણ જોડે ફરવા આવવાની તૈયારી બતાવી.
અહીં જેકી મનમાં વિચારતો હતો… ‘મારું દિલ તો તોડીને બાળ્યું જ છે, હવે શું, મારી આંખો સામે ફરી, એના પર મીઠું ભભરાવવાનું જ બાકી છે નહી…!’ અને પછી આખી પલટન ગાર્ડનમાં આવી, અને ઢબુડીએ બંને બહેનપણીઓને વાત જણાવી કપ્તાન સાથે મુલાકાત કરાવી.
થોડીવારે નીખીલે જેકીને ફોન વાડી વાત જણાવી. અને ત્યાં જ છોટુ ફાટ્યો, ‘તને ખબર નથી પડતી. બાબુનો અર્થ શું થાય એમ…! અને મને કીધું કેમ નહી હેં…?’
‘મારે તારું દિલ નહોતું તોડવું… એટલે !’
‘અને હવે શું થયું…? એ જ તો થયું ને…!’ જેકી રડમશ થઇ આવ્યો.
‘પણ એ તને કહી પણ દે’ત, તો પણ તું શું કરી લેવાનો હતો…?’ મિત્રા બોલ્યો.
‘જો મોટા… તું હમણાં ચુપ જ રેહ્જે હં… દિલની લાગણીઓ તું શું સમજે…!’
(100% સાચી વાત કહી હં છોટે, હહહહહ…)
‘ચાલ આનંદ હવે ઘરે જઈએ…!’ (આ અબ લૌટ ચલે…!)
‘ચાલ, ચાલ… વ્હેતીનો થા ન્યાથી. હવે તો આબુ ફરીને જ ઘરે જવાનું છે બસ…!’ આનંદે હથીયાર નીચા નાખી દીધા, અને ચાલ્યો ગાર્ડનમાં આંટો મારવા.
અને એક પછી એક બધા છુટા પડવા લાગ્યા.
‘મતલબ હવે મારે પેલા બંનેને સાથે ફરતા જોઈ જીવ બાળ્યે રાખવાનો એમ…’ કહી બબડાટ કરતા જેકીએ એક ઝાડ પર લાત મારી. અને બદલામાં એને જ પગમાં વાગ્યું. (બેડલક !)
( ક્રમશઃ )
Leave a Reply