‘કાવ્યા ચૌધરી, અર્જુનનો સાથ ક્યારેય ન છોડતી. મારો અર્જુન એની માંજરી આંખો વાળી સિયા વગર નહિ રહી શકે !’, કાનજીએ ગોમતી ઘાટના પગથિયે ઉભા રહીને સામે પ્રણય મિલનમાં મગ્ન, અર્જુન સિયાને બુમ પાડતા કહ્યું.
અર્જુન અને સિયા એ કળી શકે કે ‘કોણે…? અને ક્યાંથી…? બુમ પાડી!’ એ પહેલા જ એ બુમ પાછળ કોઈના પાણીમાં પડવાનો અવાજ પણ સાથે જ દોરાઈ આવે છે! ઘડીના છઠ્ઠા ભાગમાં આખી ઘટના ઘટી જાય છે!
અર્જુન દોડીને પગથિયાં સુધી પહોંચે છે, અને કાનના પડદા ફાડી નાખે એટલી જોરથી કાનજીના નામની બુમ પાડે છે!
પણ કાનજી ત્યાં છે જ ક્યાં તે જવાબ આપે…!
અર્જુન શૂન્ય બની એકીટશે પાણીમાં ઉદ્દભવતા અને શમી જતા વમળો જોઈ જ રહે છે!
આખા ઘાટને આર્મીએ કવર કરી લીધેલ હોવાથી, ભીડ દૂર ઉભી બધો તમાશો જોઈ રહી છે. અને ‘હવે શું થશે અને શું નહીં’, એવી અટકળોનો ગણગણાટ ભીડમાં થઈ રહ્યો છે. ભીડને ચીરી અને સૈનિકોને આજીજી કરી, અર્જુનના માતા પિતા ઘાટ પર આવી પહોંચે છે. એમને ત્યાં જોઈ સિયા બસ ‘કાનજી’નું નામ લઈ, પાણીમાં ઈશારો માત્ર જ કરી શકે છે!
અર્જુનની મમ્મી ઘભરાઈ જઇ અર્જુન સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. પણ એ છે કે સાવ શૂન્ય! આંખનું મટકું પણ માર્યા વિના બસ દૂર સુધી પાણીને તાકી રહ્યો છે.
વરસાદના છાંટા હવે મોટા ટીપાં બની ચુક્યા છે. જ્યાં જ્યાં વરસાદનું મોટું ટીપું પડે, અને વમળ ઉઠે, ત્યાંજ અર્જુનના મનમાં પણ વમળો ઉદભવી જાય… કે શું કાનજી ત્યાં છે…!?
અર્જુનનું દિમાગ કહી રહ્યું છે કે, ‘ઘડિયાળમાં સમય જો… કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે. અને એ માટે તારે તૈયાર રહેવું જોઈએ…!’, પણ એનું મન છે કે, બસ એક જ જીદ કરી રહ્યું છે. ‘અર્જુન ત્યાંથી નજર ન હટાવીશ. બને કે કાનજી તારી મદદ માંગે અને તું એની તરફ જોઈ પણ ન રહ્યો હોય તો…!’
પણ આખરે મન અને દિમાગની લડાઈમાં દિમાગની જીત થાય છે. પણ અર્જુન ઘડિયાળમાં નજર ઝુકાવી ઉપર જુએ એ પહેલાં જ…
‘બુમમમ….!’
આખુ વાતાવરણ એ ઘાતક અવાજથી ગુંજી ઉઠે છે. પાણીમાં મોટો ધડાકો થાય છે અને સાથે કેટલોય કાટમાળ અને માછલીઓ પાણીમાંથી નીકળી, હવામાં ઊંચે સુધી ઉછળે છે અને પછી ટપોટપ એક પછી એક પાણીમાં પડી રહી છે! સામેના છેડા પર મંદિરના આંગણમાં, વરસાદથી બચવા ઝાડ પર છુપાયેલાં પંખીઓ પણ એ અવાજ સાંભળતા જ ઉડી ચુક્યા છે! ઘડીભર પહેલા વરસાદની ઠંડક વહાવી રહેલ હવાની લહેરો, હમણાં બૉમ્બની ગરમાશ વહાવી રહી છે!
ત્યાં હાજર દરેકના માનસપટમાં બૉમ્બના અવાજના પડઘા વારંવાર પાછડાઈ રહ્યા છે! કાન તો જાણે બહેર જ મારી ગયા હોય એમ સમજો!
અર્જુનના મમ્મી મનથી ભાંગી પડે છે, અને ત્યાં જ નીચે બેસી જઇ પોક મૂકી રડવા માંડે છે! બાજુમાં ઉભી સિયા, પોતાને એમને આશ્વાસન ના બે શબ્દો કહેવાને પણ લાયક નથી માનતી…! આ બધા પાછળ એ પોતાને જ જવાબદાર માની રહી છે! છતાં હિંમત કરી એના મમ્મીના ખભે હાથ ફેરવી એમને શાંત પાડી રહી છે!
પણ માનું હ્ર્દય એમ થોડું છાનું રહે! ભલેને કાનજી એમનો સગો દીકરો ન હતો, પણ એમણે ક્યારેય અર્જુન અને કાનજીમાં ભેદભાવ પણ કર્યો ન હતો…! અને હમણાં…! હમણાં એ જ દીકરા સાથે કઇંક અઘટિત ઘટ્યું તો…?’, ના વિચાર માત્રથી એમનું હ્ર્દય દ્રવી ઉઠે છે!
ભીડ બેકાબુ બની, કુતુહલ વશ ત્યાં, ઘાટ સુધી દોડી આવે છે, અને ટોળું જમાવી ઉભી રહી જાય છે! એટલી ભીડ હોવા છતાં આખા ઘાટ પર એક ભયંકર શાંતિ છવાયેલી છે! કદાચ આવી શાંતિને જ તોફાન આવ્યા પહેલાની શાંતિ કહેવાતી હશે! અર્જુનના મમ્મીની હાલત જોઈ કેટલીય સ્ત્રીઓ એમને સધિયારો આપવાનું ચાલુ કરે છે, તો કેટલાક પુરુષોના ટોળાં અટકળો લગાવવાનું શરૂ કરે છે,
‘હવે તો પેલો છોકરો નહીં જ બચ્યો હોય…!’,
‘ધમાકો તો જુઓ, કાનમાં હજી અવાજ ગુંજી રહ્યો છે. પેલો ક્યાંથી બચે…!’
‘ભાઈ જેને રામ રાખે એને કોણ ચાખે… શુભ શુભ બોલો ભાઈ…!
‘બાકી એની હિંમતને દાદ દેવી પડે હો…!’
ભીડમાં કેટલાયની આંખો વહી રહી છે, તો કેટલાય હજી પણ કુતૂહલથી પાણીમાં જ જોઈ રહ્યા છે, કોઈની આંખમાં બચી ગયાના આનંદના ભાવ છે, તો કોઈની આંખો હજી પણ ડર છલકાવી રહી છે, એમાંની કેટલીય આંખો અર્જુનને સહાનુભૂતિના ભાવ સાથે જોઈ રહી છે. બસ એક અર્જુનની આંખો જ ભાવહીન છે, અને હજી પણ એમજ નિષ્પલક બની સામે જ તાકી રહી છે !
સમયની એક પળ જાણે વહેવામાં એક યુગ લગાવી રહી હોય એમ અર્જુનની ધીરજની પરીક્ષા કરી રહી છે! એના મનમાં બસ કાનજી જ છવાઈ ઉઠે છે, એનું બોલવું, એનું હસવું, એની હાથમસ્તીની આદત, એની વાતો, કપડાં અંગે એની રોકટોક, એની મૂર્ખામીઓ, એની સાથે ફૂંકેલી એ સિગરેટોના કશ, એનું મન ન હોવા છતાં પોતાના માટે લાયબ્રેરીમાં જોડાવું, સિયાની મંજરી આંખોથી પોતાને ચિળવવું, એન્જીનીયરીંગ ન છોડી શકવાના રોદણાં રડવા, અને આવી બીજી કેટલીય યાદો ફિલ્મના દ્રશ્યોની માફક આંખો સામે પસાર થઈ જાય છે! અને કાનમાં બસ કાનજીના કહેલ શબ્દો ગુંજી રહયા છે, ‘હું તો ચાહું કે મારો મિત્ર મને હસતા મુખે વિદાય આપે, અને મારી મોતને પણ કહે કે ‘આવા નંગમાંથી મારો પીછો છોડાવવા બદલ તારો આભાર !’
‘પોતે હસી તો નથી રહયો ને…?’ એમ તપાસતો હોય એમ એ એના ચેહરા પર હાથ ફેરવે છે, ‘કે ક્યાંક હું હસતો હોઉં, અને કાનજી એને વિદાય માની ચાલી જાય તો…!’
‘હવે જઈશું દીકરા…!?’, અર્જુનના પપ્પા માંડ હિંમત કરી, એના ખભે હાથ મુકતા રડમસ અવાજે બોલે છે.
અર્જુન એમ જ પાણીને તાકી રહી, પપ્પાનો હાથ ખભા પરથી હટાવી લે છે, અને કહે છે ‘હજી મારા કાનજીને તો આવવા દો… નહિતર પછી એ મારી પર ગુસ્સો કરશે… કે હું એને મુકીને જતો રહ્યો!’
‘આ છોકરાને ઊંડો આઘાત લાગ્યો છે…!’
‘આવામાં તો લોકો ગાંડા પણ થઈ જતા હોય છે…!’, વગેરે જેવી અટકળો કરતો ભીડમાં મંદ મંદ અવાજ ઉઠે છે!
‘શસ્સસ… ચૂપ એકદમ ચૂપ…! બધા ચૂપ કરો… હમણાં કાનજી આવશે અને તમારા બધાના મોઢા બંધ કરી દેશે…!’, અર્જુન ભીડને ધમકાવતા બોલે છે.
‘ભાઈ આને જલ્દીથી અહીંથી લઇ જાઓ…’, જેવી સલાહો લોકો અર્જુનના પપ્પાને આપવા લાગ્યા.
આમ તો બૉમ્બ ફૂટયે હજી બે જ મિનિટ વીતી હતી પણ અર્જુન માટે તો જાણે એ બે સદી જેટલી લાંબી હતી! કાનજીનું દેખાવું તો દૂર, પણ અહીં તો એના મોતની પણ અટકળો શરૂ થઈ ચૂકી હતી!
એક અર્જુન એકલો જ છે, જે માનવા તૈયાર જ નથી કે ‘કાનજીને કંઈ થઈ ગયું હશે!’, એવો વિચાર પણ એના મનમાં આવે કે તરત જ એ બીજી જ સેકન્ડે એને હડસેલી કાઢે…!
પણ થોડેક દૂર પાણીમાં કઇંક હલચલ થઈ રહી છે, એ જોઈ અર્જુન રીતસરની બુમો પડી ઉઠે છે…’ કાનજી… કાનજી… મમ્મી કાનજીને કંઈ નથી થયું… કીધું તું’ને એ આવશે એમ… જુઓ એ ત્યાં છે… ત્યાં છે એ…!
‘દીકરા ત્યાં વરસાદના પાણીના વમળો બને છે… કાનજી ત્યાં નથી…!’, એના પપ્પા એને સમજાવતા કહે છે.
‘જો કાનજી… તારા અંકલ શું કહે છે…?, પણ એમને તારી જૂની આદત વિશે ખબર નથી ને, એટલે આમ કહે છે!’, અર્જુન પાણીમાં જોઈ રહી કહે છે!, પછી એના પપ્પાને સમજાવતો હોય એમ કહે છે.
‘પપ્પા તમને હજી ખબર નથી. હું અને કાનજી સ્કૂલ ટાઈમમાં સંતાકૂકડી રમતા ત્યારે, હું એને પકડી પાડતોને તોય એ જલ્દી સામે ન’હોતો આવતો. જુઓ હું હમણાં એને બહાર બોલવું. તમે જોજો હ… એ આવશે!’
અર્જુન ભૂતકાળમાં સરી જઇને, જાણે કાનજી સાથે સંતાકૂકડી રમી રહયો હોય એમ બોલે છે,
‘કાનજી બહાર આવી જા… મેં તને જોઈ લીધો છે…! મને ખબર છે તું ત્યાં જ છે, જલ્દીથી બહાર આવ… તારે દાવ ન દેવો હોય તો ન દેતો બસ. ચલ બહાર નીકળ…!
જો કાનજી નીકળે છે કે પછી હું જઉં…! જો હવે હું જાઉં છું હ…!’, કહી અર્જુન 3 4 ડગલાં પાછળ ચાલે છે.
અને ત્યાં જ પાણીમાંથી ‘અર્જુન’ની બુમ પડે છે અને ઉછાળો મારતો કાનજી બહાર ડોકાય છે! અને એ પણ એ જ જગ્યા એથી, જે અર્જુને બતાવી હતી! કાનજી અડધો ડૂબતો, અડધો તરતો, અને શ્વાસ લેવા માટે વલખા મારી રહ્યો છે! એનો અવાજ સાંભળી અર્જુનની આંખમાં રોકાયેલ આંસુ આપોઆપ વહી જાય છે! અને એની આંખો બધાને માત્ર એ જ જવાબ આપી રહી છે, ‘કીધું હતું ને એ આવશે જ!’
એ જે 3 4 ડગલાં પાછળ ચાલ્યો હોય છે, એની પર જ આગળ વધી, બમણા વેગથી દોડીને એ પાણીમાં છલાંગ લગાવી દે છે! ઉભા દરેકના મોઢા માંથી ‘વાહ રી આમની દોસ્તી’, ‘સલામ છે બંનેને… !’, જેવા ઉદગારો બોલવા પર મજબુર કરી મૂકે છે!
અર્જુન તરીને એની પાસે પહોંચે છે. ‘ડૂબી જ જા તું તો, એ જ લાગનો છે તું…!
‘અર્જુન હમણાં મસ્તી નહિ હો… હું ખરેખર ડૂબી જઈશ…!’
‘બસ હવે નાટકની દુકાન… ચાલ હાથ આપ…!’, કહી અર્જુન એને કિનારે લઇ આવે છે!
કાનજીને તરત ઘાટ પર સુવડાવી, એના પેટમાંથી પાણી કાઢવામાં આવે છે. પાણીમાં તૂટેલી કોઈ બોટનો કાટમાળ અથવા પથ્થરો, કે જે વિસ્ફોટના કારણે પાણીમાં ફંગોડાયા હશે. એના કારણે કાનજી ઘાયલ પણ થયો છે. એના હાથ અને પગમાં જગ્યા જગ્યાએ ખરોચ અને ઘા દેખાઈ રહ્યા છે!
કાનજીને થોડું સારું લાગ્યું નથી, કે તરત જ અર્જુન એને એમ જ સુવેલો પડી રહેવા દઈ, બે તમાચા લગાવી દે છે!
‘સર એમને ઇજાઓ થયેલી છે!’, એક આર્મી મેન બોલે છે.
‘ઓફિસર… પ્લીઝ! એને વ્યક્ત થઇ જવા દો!’, અર્જુનના પપ્પા ટોકતા કહે છે.
‘શુ જરૂર હતી આવું કરવાની હેં…! હીરો બનવું છે નહીં તારે?’, અર્જુન બમણા જોરે બીજો એક તમાચો લગાવતા કહે છે.
‘અર્જુન પણ બૉમ્બ ગમે ત્યારે ફૂટી જતો, એટલે…’, માંડ માંડ એ એટલું બોલી શકે છે!
‘તો ફૂટી જવા દીધો હોત. ઘાટ પર હું અને સિયા જ હતા ને ખાલી…! અમે 2 જ મરતાને ખાલી!’
‘પણ મારે એ જ તો ન’હોતું થવા દેવું અર્જુન…!’
એનું એ વાક્ય અર્જુન સાથે ઘણાયની આંખો ભીંજવી જાય છે.
‘પણ તને કંઈ થઈ ગયું હોત તો…!’, અર્જુન નાના છોકરાની જેમ રડતા રડતા એને જોરથી ભેટી પડે છે…!
‘અર્જુન છોડ મને યાર, મારાથી શ્વાસ નથી લેવાતો યાર. આટલું જોરથી તારી સિયાને ભેટજે ભાઈ!’
‘આવા ટાઈમે પણ મસ્તી…!’
‘અર્જુન હસવાનું ક્યારેય નહીં છોડવાનું હો ભાઈ, અને મને એમ કેમ કંઈ પણ થઈ જાત…! તું હતો જ ને અહીં…! અને આ તો મારું જ ડાકોર… કાનુડાની ધરતી પર કાનુડાને કંઇ થાય કંઇ!’
‘બસ હવે, તારું બસ ખાલી નામ ‘કાનજી’ છે!’, કહેતા અર્જુન ફરી એને ગળે લગાવી લે છે. બસ જાણે વારંવાર એમ ખાતરી કરી લેવા માંગે છે કે, ‘હા… કાનજી મારી જોડે જ છે!’
કાનજીને તરત હોસ્પિટલમાં દાખલ કરી, એની સારવાર શરૂ કરવામાં આવે છે. કાવ્યા ચૌધરી ઉર્ફે સિયાની ઘટનાસ્થળે જ ધરપકડ થાય છે. એ પોલીસને ખૂબ સારી રીતે કો-ઓપરેટ કરે છે. અને સાંજ સુધીમાં, એમના નેક્સટ ટાર્ગેટ લોકેશન એવા દ્વારકાથી ઝેબા બેગમની, અને દ્વારકા પહોંચવા મથતા ફારૂકની ધરપકડ કરવામાં આવે છે!
બીજા દિવસના સમાચાર પત્રોની હેડલાઈન,
‘દેશના બે બહાદુર દિકરાઓ, કાનજી અને અર્જુનના સાહસના કારણે ડાકોર રથયાત્રા પરથી આતંકવાદની ઘાત ટળી! ….ત્રણ આરોપીઓની ધરપકડ! વધુ વિસ્ફોટ રોકવા ચક્રો ગતિમાન!’
ઝેબા પાસે વધુ માહિતી કાઢવી, અન્ય વિસ્ફોટોની માહિતી મેળવી જે તે સ્થળોએ છાપા મારવામાં આવે છે, અને સદનસીબે બધા વિસ્ફોટો રોકી લેવામાં આવે છે! વિવિધ ધાર્મિક સ્થળો, પબ્લિક ટ્રાન્સપોર્ટ, બાળકોની શાળાઓ, બેંકો જેવા સ્થળોએ સળંગ સાત દિવસો સુધી વિસ્ફોટો કરી, સમગ્ર રાજ્યને ભભડતું બાળી, તબાહી મચાવવાનું એ ટુકડીનું કારમું સપનું સફળપણે રગદોળાઈ જાય છે!
આજે એ વાતને 2 દિવસ વીતી ચુક્યા છે. કાનજી જ્યાં દાખલ છે ત્યાં જ એક નાનકડી પ્રેસ કોનફરન્સનું આયોજન થયેલ છે. અર્જુન અને કાનજીએ આખી કોનફરન્સનું આકર્ષણનું કેન્દ્ર છે. અઢળક પત્રકારો, તેમના પ્રશ્નો, કેમરાની ફ્લેશ, બધું જ ફક્ત કાનજી અને અર્જુન માટે છે! દરેક ખૂણામાંથી પત્રકારો ઉભા થઇ એક પછી એક પ્રશ્નો કરી રહ્યા છે.
‘સર… તમને પાણીમાં કૂદી જતા સહેજ પણ ડર ન લાગ્યો કે ક્યાંક કંઈ થઈ ગયું તો…?’, એક પત્રકાર પૂછે છે.
‘પહેલી વાત તો એ કે અમને ‘સર’ ના કહેશો! હજી તો હું ભણું છું, યાર! અને આ પણ અડધુ જ ભણેલો છે!’, કાનજીએ એની મસ્તીમાં જ જવાબ આપવાનું શરૂ કર્યું.
‘ડર તો દરેક ને લાગે, એની પર જીત મેળવવી જરૂરી છે! અને મને કંઈ થઈ પણ જા’ત તો પણ હું મારા જીવનનું શ્રેષ્ઠ દ્રશ્ય તો માણી જ ચુક્યો હતો. શુ કહેવું અર્જુન!’, કહી અર્જુનને સિયાનું આલિંગન યાદ કરાવતા આંખ મારતા કહ્યું!
‘અર્જુનજી એક સવાલ તમારા માટે… કાવ્યા ચૌધરી વિશે આપનું શુ કહેવું છે…?’
‘જી… કાવ્યા ચૌધરી એક એવું વ્યક્તિત્વ છે જેને એના હાલાત અને સમયે એવી જગ્યાએ લાવીને ઉભી કરી કે એની સામે એને બસ આ જ માર્ગ દેખાયો…! આપણાં માટે એ કહેવું સહેલું રહેશે કે, એ પાછી વળી શકતી. પણ આપણે જાતને એની જગ્યાએ મૂકીએ તો જ સમજી શકીએ કે એણે આવું શા માટે કર્યું! અને હું એ વાતનો ઉલ્લેખ પણ કરવા માગું છું કે, આપણે બધા અહીં બેઠા, આ કોનફરન્સ કરી રહ્યા છીએ એમાં એનો ફાળો ના ભૂલી શકાય! નહીંતર હું અને કાનજી તો ઉપર જ હોત, અને તમે આખું વિક બીજા વિસ્ફોટોના કવરેજ અને ઘાયલ અને મૃત્યુઆંક સાથેની હેડલાઈન્સ છાપી રહ્યા હોત…! માટે હું મીડિયાને વિનંતી કરવા માગું છું કે, એના કામનો પણ ઉલ્લેખ અવશ્યપણે કરવામાં આવે, જેથી એને લાગુ પડતી કાયદાકીય સજામાં એને થોડી રાહત મળી શકે!’
‘અર્જુન સર… કાવ્યાજીને જે પોલીસ સ્ટેશનમાં રખાયા છે, ત્યાંના સિનિયર ઇન્સ્પેકટર આપને કઇંક કહેવા માંગે છે!’
‘નમસ્કાર. હું સિનિયર ઇન્સ્પેકટર. જેમ કે તમે જાણો જ છો કે આ મિટિંગનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. અને કાનજી ભાઈની ઘણી રિકવેસ્ટ પર, પોલીસ સ્ટેશનમાં હમણાં કાવ્યા ચૌધરીને પણ આ કાર્યક્રમ દેખાડવામાં આવી રહ્યો છે. તો હું ચાહું છું કે આપ એમને એક સંદેશ પાઠવો.’
ઓફિસરે બોલવાનું પૂરું કર્યું અને અહીં સ્ટેશનમાં બેઠી સિયાના ધબકારા વધવા માંડ્યા. અર્જુને કેમેરામાં જોઈ બોલવાનું ચાલુ કર્યું, જાણે એના મન કેમેરો એ સિયાનો ચેહરો જ ગણી લો!
‘સિયા આ સાહેબ કહે છે, એટલે હું બે શબ્દો કહી દઉં છું. આશા રાખું તું મને સાંભળી રહી હોઈશ! આ બધા તને કાવ્યાથી ઓળખે છે, પણ તું મારા માટે હંમેશા મારી સિયા જ રહીશ. મારી માંજરી આંખો વાળી સિયા!
હું તને તારા ભૂતકાળથી ક્યારેય નહીં મુલવું! હદયથી સરળ, પ્રેમાળ, અને પ્રેમ ઝંખતી એક છોકરી મેં તારામાં છુપાયેલી રહી છે. અને મેં હંમેશા એને જ પ્રેમ કર્યો છે! જલ્દીથી તું તારી કાયદાકીય સજાઓ કાપી તારા અર્જુન પાસે ચાલી આવજે. મેં મીડિયાને તારી ભલામણ કરી જ છે. છતાં જજ સાહેબને કહેવું પડશે તો પણ તારો અર્જુન કહેશે!
પ્રેમીઓની તો દુનિયા આખી સાંભળે છે… આઈ એમ સ્યોર આ વખતે પણ સાંભળશે જ!, ‘આટલું બોલતામાં જ એના ગળે ડૂમો બાજી આવે છે, ‘જલ્દી પાછી આવજે સિયા… તારો અર્જુન તારી રાહ જોવે છે!’, કોનફરન્સમાં હાજર દરેક ભાવુક થઈ આવે છે!
‘ઘેલો!’, આંસુ લૂછતાં, અને સહેજ હસતા સિયા બોલી ઉઠે છે, જે સાંભળી આખા સ્ટેશનમાં એક હાસ્યનું મોજું ફરી વળે છે.
બીજા દિવસે ઘણા સમાચારપત્રોએ સિયા અર્જુનની અનોખી પ્રેમકથા છાપી છે, અને ટાઇટલ આપ્યું છે ‘એક પ્રેમ આવો પણ…!’
Mitra✍😃
( સમાપ્ત )
Leave a Reply