ગલી મુખ્ય રસ્તામાં જ્યાં ભળતી હતી બરાબર તે જ વળાંક પરના લીમડા નીચે બેસતા રતના મોચીએ બપોરનું ટિફિન ખાઇ લીધા બાદ કોગળા કર્યા. થોડીવાર લીમડાના ખરબચડા થડને અઢેલીને બેઠો. બાજુમાં પડેલી પોતાની રિપેરિંગનો સાજસરંજામ સાચવતી લાકડાની જરીપુરાણી પેટીમાંથી રિપેરીંગના વાયદાનાં બે જોડાં કાઢીને એક ચોખ્ખા ગાભામાં વીંટાળ્યા અને પેટીના છાંયડે તેનું ઓશિકું બનાવીને માથું ટેકવ્યું. થોડીવારમાં જ તેની આંખો ઘેરાવા લાગી. લીમડાની ઘેઘૂર ઘટામાં કલબલાટ કરતી એક કાબર ચરકી અને તેનું ચરક સીધું રતનાના મોં પર ! રતનો ઝબકીને બેઠો થઇ ગયો. ધોળા દિવસે અંધારપટ કરવા આંખો પર વીંટાળેલા ગમછાને છીઇઇછ… છીઇઇછ… કરતાં કરતાં કાબરો સામે ગુસ્સાથી વિંઝોળીને કાબરોને ઉડાડવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. કાબરો બીજી ડાળી પર જઇ બેઠી એટલે ગમછા વડે મોં લૂંછીને રતનો ફરી આડો પડ્યો. લીમડાનાં પાંદડાના ગુચ્છાઓમાંથી ચળાઇને આવતો સૂર્યપ્રકાશ તેને આજે વધારે પડતો ચમકીલો લાગ્યો. બપોરે આમ પણ કોઇ રિપેરિંગનું ઘરાક જવલ્લે જ આવતું એટલે બોઝિલ આંખોને તેણે મીંચાવા દીધી. બપોરનો લીમડા નીચેનો નીંદરનો આ સમય તેના માટે જાણે સુખનાં સ્વપ્નો જોવાની રિસેસ હતી. ઉંઘમાં ઉંડા ઉતરતા જતા રતનાના મનમાં એક કહેવત ઘુમરાવા લાગી “મેલ કરવતિયા કરવત, કે મોચીના મોચી…”
કાળાભમ્મર વમળમાં ગોળ ફરતા ફરતા ઉંડે ને ઉંડે જઇ રહેલા રતનાની સાથે સાથે પેલી કહેવત પણ ઘુમરા લઇ રહી હતી. છેક અંદર તેને, પોતે જેની નીચે બેસીને જોડાં સિવતો તે જ લીમડો દેખાયો. લીમડાની નીચે નવાંનક્કોર કપડાંની જોડમાં ચોખ્ખાચણાક આસન પર પોતે જ બેઠો છે ! આજુબાજુમાં લાકડાના રેક છે જેમાં રિપેરિંગ માટે આવેલા વિવિધ કંપની, કદ અને જાતિના અગણિત બૂટ-ચંપલ તારીખવાર મુજબ ગોઠવાયેલા છે. તેનો આસિસ્ટન્ટ વારા પ્રમાણે તેમાંથી બૂટ અથવા ચંપલ કાઢીને રતનાને આપતો જાય છે. રતનો રિપેર કરી લે એટલે તેનો બીજો આસિસ્ટન્ટ તેને ડિલિવરી માટેનાં ખાનાંઓમાં ગોઠવતો જાય છે ! થોડીવારમાં લોકોની ભીડ સ્વપ્નમાંના રતનાની આસપાસ એકઠી થઇને એક સાથે હાથ લાંબાટૂંકા કરતાં કરતાં વિનંતી કરવા લાગે છે… અદ્દલ કાબરોના કલબલાટની માફક. “એય રતનાભાઇ… મારાં ચંપલ જલ્દી હાથ ઉપર લ્યોને… મારો ભાઇ કરું…” જેવાં કેટલાય વાક્યો રતનાના ગર્વિષ્ઠ કાને અથડાઇને વેરવિખેર થઇ જતાં હતાં. એમાંનો એકાદ તો પાછો માથાભારે હતો તે બોલ્યો પણ ખરો “ ઓય રતના, કયું નો કવ છું, તું મારાં બૂટ જલદી સરખાં કરી દે… નકર…” સ્વપ્નમાંના રતનાની આંખમાં કરડાકી ઉભરી આવી અને તેણે પેલાના બૂટનો ઘા કરીને કહ્યું, “લે તારાં પગરખાં, ને થા હાલતો… જોયા તારા જેવા તો કેટલાય… આંયાં તો કલેક્ટરનાં બૂટેય હું વારો આવે ને તંયે જ હાથ ઉપર લવ સું, તું તે વળી કઇ વાડીનો… ?” બહારનો રતનો આભો બનીને સ્વપ્નમાંના રતનાનો વટ જોઇ જ રહ્યો… જોઇ જ રહ્યો.
ભરઉંઘમાં રતનાને કોઇએ એટલા જોરથી ઢંઢોળ્યો કે રતનાની દુનિયા એકાએક ઉલટી થઇ ગઇ અને તે સાવ બેબાકળો બની ગયો. તેને ગમતું દ્રષ્ય એકાએક ઓગળીને રેલાઇ ગયું અને ઘડીભર તો તે બધું ભુલી જ ગયો કે પોતે કોણ છે, ક્યાં છે… સાવ ચક્કરભમ. તેની આંખો તેને ઢંઢોળી રહેલી વ્યક્તિ પર સ્થિર થઇ. તેને એક આધેડ સ્ત્રીનો ચહેરો દેખાયો, તેના હોઠ ફફડતા હતા પણ શબ્દો રતનાના કાને પહોંચતા નહોતા. રતનાએ ગભરાટમાં પેલાં બહેનના હાથ ઝટકાવી નાંખ્યા અને લાગલો બેઠો જ થઇ ગયો. તેના મસ્તકનું તમામ લોહી અચાનક જ નીચે ધસી આવતાં તેને ચક્કર ચડી ગયા. ઓઝપાઇ ગયેલાં પેલાં બહેન બોલ્યાં, “ભાઇ, આ અટાણે રસ્તા વચાળે મારા ચંપલની પટિયું તુટી ગઇ તેમાં જગાડવા પઇડા, નકર કાંઇ સાવ આમ…” “કાંઇ વાંધો નઇ બે’ન, કાંઇ વાંધો નઇ” જેવું બબડતો રતનો ઉભો થયો અને બાજુમાં પડેલા પ્લાસ્ટિકના લોટામાં વધેલા પાણીથી મોં ધોઇ અને કામે વળગ્યો.
રતનાના લીમડાની ડાબી બાજુ પર ભરવાડની ચાની કિટલી છે. સવારે સાડા ચાર વાગ્યાથી આ કિટલી ખુલી જાય ત્યારથી છેક રાત્રે અગિયાર વાગ્યા સુધી ચા તરસ્યાઓને ચા પીરસાયા કરે. રતનાના લીમડા ઉપર દિવસના જુદા જુદા સમયે જે રીતે અલગ અલગ જાતિનાં પક્ષીઓ આવતાં રહેતાં, બરાબર તે જ રીતે ચાની આ કિટલી પર શહેરના વિવિધ પ્રકાર અને વર્ગોના માણસો ચોક્કસ સમયે આવતા જતા રહેતા. એક દિવસ સાંજના સમયે રતનાએ ગ્રાહકના બૂટપોલિશ કરીને ચમકાવીને આવતાં-જતાં લોકો જુએ તેમ માંડ હજુ ગોઠવ્યાં જ હતાં કે લીમડા પરથી એક પક્ષી ચરક્યું અને તે પડ્યું બરોબર પેલા ચકચકાટ બૂટ ઉપર ! રતનાની કમાન છટકી, તેણે ઝનૂનભેર બાજુમાં પડેલો એક નાનો પથ્થર ઉઠાવીને ફેંક્યો પેલા પક્ષીને ઉડાડવા માટે. પક્ષી તો ઉડી ગયું પણ વળાંક ઉપર સરકારી મોટરસાઇકલ પાર્ક કરીને બેઠેલા ટ્રાફિક જમાદારને પેલો પથ્થર વાગતાં સહેજમાં જ રહી ગયો. જમાદાર બાઇક પર બેઠો બેઠો જ કાનમાંથી કીડા ખરી જાય તેવી ગાળો બોલ્યો. રતનાનું લોહી તો ઘણું ઉકળ્યું પરંતુ તે ખસિયાણું હસતા બોલ્યો “દ્યો સાયેબ દ્યો… તમે તો મા-બાપ કેવાવ, તમે નઇ દ્યો તો કુણ દેહે ?” તેણે ભરવાડને બૂમ પાડી “એય, જમાદારને એક ચા પીવડાય, મારા તરફથી” જમાદાર વધુ બગડ્યા. “એય, છાનીમનીનો કામ કઇર, જોયો નો હોય તો મોટો ચા પીવરાવવાવાળીનો !” રતનો નીચું જોઇને પેલા બૂટ પરથી ચરક સાફ કરીને તેને ફરી ચમકાવવા મંડી પડ્યો.
થોડીવાર પછી ભરવાડની કિટલી પર કાયમ આ જ સમયે બેસતા સાક્ષરોમાંના એકે તેને ઉદ્દેશીને કહ્યું “રતના, તને ખબર છે ? ગાય પૃથ્વીની કામધેનુ ગણાય છે ને ઇ જ રીતે લીમડો ય પૃથ્વીનું કલ્પવૃક્ષ ગણાય છે. ગાંડા, તું તેની પાહે કાંઇક માંગવાને બદલે પાણાવાળી કરે તો આવો જ બદલો મળે ને ?” માથુ ખંજવાળતો ખંજવાળતો રતનો બોલ્યો, “મોટભાઇ, મેં ઇની પાંહે ઘણું ય માઇગુ સે પણ કાંઇ મઇળું નથ. એટલે સે ને કંયેક પાણા મારી મારીને ઇને યાદ દેવડાવુ સું !” રતનાના ચતુરાઇભર્યા જવાબથી પ્રભાવિત થયેલો પેલો સાક્ષર બોલ્યો “ભાઇ ભાઇ, રતના તુંયે ભારી છો હો !” રતનાને ય ઘણી વાર થતું “માળુ હાળું ક્યાંક આ જ કલ્પવૃક્ષ નો હોય !”.
એક ધખતી બપોરે, બેઠીદડીનો એક શામળો યુવાન તેના લીમડા નીચે આવીને ઉભો. થોડા બહાર નીકળી ગયેલા પેટ પરથી વારંવાર ઉતરી જતા પેન્ટને બન્ને હાથ વડે ઉપર ચડાવ્યું અને ખીસ્સામાંથી એક રૂમાલ કાઢીને પરસેવો લુછ્યો. તેણે રતના સામે જોઇને ખસિયાણું હાસ્ય વેર્યું અને પુછ્યું “ભાઇ, તમારી પેટી ઉપર બેસું ?” અને રતનાના જવાબની રાહ જોયા વગર બેસી પણ ગયો ! તે થોડીવાર આમતેમ જોઇ રહ્યો અને રતનાને પોતાના ચંપલ સામે જોઇ રહેલો જોઇને તેણે પણ પોતાના ચંપલ તરફ નજર કરી અને પછી અંદર ને અંદર જ ક્યાંક ખોવાઇ ગયો. તેના હાવભાવ પરથી રતનાને લાગ્યું કે “ક્યો કે નો ક્યો, પાર્ટી મુંઝવણમાં સે”. તેણે હિંમત કરીને પેલાને પુછી નાખ્યું “કાંઇ મુંઝવણ ભઇલા ?” તેના ચહેરા પર ચિંતા, તણાવ અને અસ્વસ્થતા વારાફરતી ડોકિયાં કરતી હતી. માથું ધુણાવીને પેલો થોડી વાર મૌન જ રહ્યો અને પછી હળવેથી બોલ્યો “હા કાકા, મુંઝવણ તો બહુ જ છે. એક બાજુ દેવું અને બીજી બાજુ કામની અછત, તમે જ ક્યો, નવાં કામ ન મળે તો હપ્તા કેમના ભરવા ? છેક અમદાવાદથી તમારા શહેરમાં ટેન્ડર ભરવા આવ્યો છું. ટેન્ડર તો ભર્યુ, પણ બીજા કોન્ટ્રાક્ટરોને જોઇને લાગતું નથી કે… !” તેણે વાક્ય અધુરૂ છોડ્યું. રતનાએ પેલાને થોડી દયાથી અને થોડો સધિયારો બંધાવતા કહ્યું “સવ સારૂ થાહે, ચિંતા કરો મા. પછી અચાનક જ પેલાની તરફ થોડું ઝુકીને જાણે કોઇ ખાનગી વાત કહેતો હોય તેમ ધીમેથી બોલ્યો, “તમે આ જી લીમડા હેઠે બેઠા સો ને, ઇ કોઇ સાદો લીમડો નથ ! આ તો હાજરાહજુર કલ્પવૃક્ષ સે કલ્પવૃક્ષ. પછી, જાણે ખુલાસો કરતો હોય તેમ બોલ્યો “પણ માળું જોવા જેવું ઇ સે કે ઇ મારા સિવાય સંધાયનું હાંભળે સે”. પેલો થોડીવાર શુન્ય આંખે રતના સામે જોઇ રહ્યો. રતનાને થયું કે હમણાં બે ચાર પ્રશ્નો પુછશે, પણ ઉલ્ટાનું પેલાએ તો બન્ને હાથ જોડ્યા અને આંખો બંધ કરીને કંઇક બબડવા લાગ્યો. થોડીવારે આંખો ખોલીને તેણે બાજુના ચાવાળાને બે અર્ધી ચાનો ઓર્ડર આપ્યો. ચા પીતાં પીતાં પોતાની સામે પ્રશ્નાર્થ જોઇ રહેલા રતનાને કહ્યું “કાકા, ડુબતાને તરણાની આશ, જો આ કોન્ટ્રાક્ટ નહી મળેને તો મારે તો કુવો જ પુરવાનો છે. તમારૂં પણ ન સાંભળતા આ કલ્પવૃક્ષ પાસે મેં કરેલી માંગણી જો ફળશે ને તો તમને એક કિલો પેંડા અને પાંચસો રૂપિયા રોકડા આપીશ”. પછી ખાલી કપરકાબી લેવા આવેલા ટેણીને બન્ને ચાના પૈસા ચુકવીને પેન્ટને પેટ પર બરોબર ગોઠવતોક પેલો તો ચાલ્યો. તે આવ્યો તેના કરતાં અત્યારે તેના પગમાં વધારે જોમ વર્તાંયુ રતનાને.
ત્યાર બાદ લીમડામાંથી ગળાઇને આવતા સૂર્યપ્રકાશના તેજમાં ભરબપોરના વિરામમાં રતનાની બોઝિલ આંખોમાં કેટલાંયે સ્વપ્નાં જોવાઇ અને ખોવાઇ પણ ગયાં. કેટલીય કાબરો ચરકી, કેટલાંયે ચરક લુંછાયા અને કેટલાયે પથ્થરો ફેંકાયા. કેટલીયે ચા પીવાઇ અને કેટલાંયે તુટેલાં-ફૂટેલાં બૂટ-ચંપલો સંધાયાં. કેટલાંયે ટોળટપ્પા થયાં અને વળતા જવાબો અપાયા. જમાદારે રતનાને તેના ભાગની કેટલીયે ગાળો ભાંડી અને આ બધામાં રતનો પેલા પેટાળા જુવાનની વાત અને વાયદો સાવ ભુલી જ ગયો.
આવી જ એક સવારે ધંધાની રાહમાં લીમડાના થડને અઢેલીને બેઠેલા રતનાના લીમડાની સામે એક મજૂરો ભરેલી ટ્રક આવીને ઊભી રહી. ટ્રકની ડ્રાઇવર કેબિનમાંથી પેલો બેઠીદડીનો અમદાવાદી જણ ઉત્સાહભેર કુદ્યો અને અર્ધુ ચાલતો અને અર્ધુ દોડતો રતનાની સામે આવીને હસું હસું થતા ચહેરે ઉભો રહ્યો. તેના હાથમાં રહેલું મીઠાઇનું પેકેટ લંબાવીને રતનાના હાથમાં પકડાવી દીધું અને ઉપરના ખિસ્સામાં તૈયાર રાખેલી પાંચસો રૂપિયાની નોટ પણ ઉપર મુકી. રતનો તો તેને બાઘો બનીને જોઇ જ રહ્યો ! લાકડાની પેટી પર બેસીને બે ચાનો ઓર્ડર આપીને બોલ્યો “કાકા, કમાલ કરી તમારા આ કલ્પવૃક્ષે તો, મને તો સહેજેય આશા નહોતી પણ થોડા દિવસ પહેલાં જ કોન્ટ્રાક્ટ મને મળી ગયો. હવે સૌ સારું થશે !
ચા પી રહેલા રતનાને શું બોલવું તેની સમજ પડતી નહોતી અને પેલો તો બસ વણથંભ્યું બોલ્યે જ જતો હતો. બાજૂ પર મુકેલા મીઠાઇના પેકેટમાંથી એક પેંડો કાઢીને તેણે રતનાના હાથમાં મુકીને કહ્યુ “કાકા, હવે તો મોં મીઠુ કરો, હું જાઉ છું, કામે લાગું ને હવે ?” તે ટ્રકની કેબિનમાં ચડવા લાગ્યો ત્યાં જ રતનાએ પેંડો હાથમાં રાખીને પેલાને પુછ્યું “ભાઇ, તમારી મંશા પુરી થઇ ઇ તો જાણે બઉ સારું કે’વાય, તમારી ગાડી તો પાટે ચઇડી. પણ આ કોન્ટ્રાક્ટ હતો શીનો ઇ તો ક્યો ?” ટ્રકની કેબિનમાં ચડવા માટેનાં બન્ને હેન્ડલ પકડીને જમીનથી અદ્ધરથી થયેલા પેલાએ થોડા પાછું જોઇને કહ્યું “કાકા, આ તમારા શહેરની સુધરાઇ અને વીજકંપનીએ ભેગા થઇને વીજળીની લાઇનોમાં નડતરરૂપ હોય તેવા વૃક્ષો કાપવાનું નક્કી કરેલું, મેં તેમાં ટેન્ડર ભર્યું હતું. પણ તમે ચિંતા ન કરો, તમારા લીમડાનો વારો મેં સાવ છેલ્લો રાખ્યો છે હોં ?” આટલું કહીને તે ટ્રકની કેબિનમાં પ્રવેશી ગયો. ટ્રક જોશભેર ઉપડી અને તેની પાછળ ઉડેલી ધુળની નાની અમથી ડમરી થીજી ગયેલા રતનાને અને તેના હાથમાંના પેંડાને ઘેરી વળી.
~ ધર્મેન્દ્ર ત્રિવેદી
( Note : સ્થળ : અમરાપુર,નવોદિત વાર્તાકાર કાર્યશિબિરમાં. વાર્તા લખ્યાની તા. ૧૨/૦૧/૨૦૧૩ / પુન: લેખન : તા. ૧૭/૦૧/૨૦૧૩ )
Leave a Reply