થાય છે જે જિંદગીમાં તેનું કારણ હોય છે,
ક્યાંક હું પણ હોઉં છું ને ક્યાંક તું પણ હોય છે.
સાવ હળવી ચોટથી સંબંધો તૂટી જાય છે,
એટલે આ લાગણીઓનુંય ભારણ હોય છે.
કાળજી ને સાથ, એ જ્યાં જોઈએ ત્યાં ક્યાં મળે,
જ્યાં મળે છે ત્યાંય જો થોડીક અડચણ હોય છે.
પ્રેમનો આ રોગ આમ જ હર ઘડી વધતો જશે
પણ ડરો ના કાંઈક તો એનુંય મારણ હોય છે.
સૂર્ય વરસાવે ભલે અવિરતપણે ગરમી ઘણી,
વાદળોની હૂંફનું તેનેય વળગણ હોય છે.
કોઈને પામ્યા વગર પણ ચાહવું,સ્વીકારવું,
થઇ શકે આવું બધું જ્યાં મીઠી સમજણ હોય છે.
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
Leave a Reply