સૌ કોઈ ને કોઈ માટે ઝુરતાં હોય છે
પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં હોય છે
ન જોઇતું કે વણમાંગેલું મળે છે ઘણું પણ
સ્વપ્ન વાસ્તવથી સદા અપૂરતાં હોય છે
પીછો કરતી જ રહે છે કાયમ વ્યથાઓ
વિરહમાં ક્યાં કોઈ દિ કમૂરતાં હોય છે
પ્રભુ પણ લાકડે માંકડુંનાં મૂડમાં હોય છે
સજોડાં ક્યાં વિશ્વમાં મળતાં હોય છે
વાતો જ કરે છે અહીં વિશ્વપ્રેમની બધાં
દિલ વિના જ સૌ દિલથી મળતાં હોય છે
ચકાસ્યો ભૂતકાળ ને વર્તમાન તો જાણ્યું
બધાંને પોતપોતાનાં જ નડતાં હોય છે
વાવો, ઉછેરો,પાણી દો કે પછી કંઈ પણ કરો
બોન્સાઇયુગમાં કલ્પવૃક્ષ ક્યાં ફળતાં હોય છે
બાંધવું હતું જેનાં નામનું મીંઢોળ હાથમાં
હાથે તેની રાખડીનાં દોરાં મળતાં હોય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply