હાથ તારો હાથમા ક્યા પકડાય છે
તું છે પડછાયો છતા ક્યાં સ્પર્શાય છે?
ફૂલની ફોરમ હવામા ફેલાય છે ,
હાસ્ય ઝરતા ફૂલનો રવ ક્યાં થાય છે!
મૃગજળમાં હાથ ભીજાવી ના શકું
આ તરસનાં મૃગ બસ રણમાં જાય છે
ખ્વાબમાંં રમતો બધી રમવાની હશે!
જીતવું કે હારવું ક્યાં દેખાય છે?
એ દુવા સાથે દવા આપે છે મને
મોતનું ઓસડ કદી ક્યાં શોધાય છે
આંખથી આઘે વસીને પણ સાચવે
રીત સંબંધોની સાચી પરખાય છે
શબ્દને સાથી બનાવ્યા છે ત્યારથી
વાત દિલની કાગળૉમાં દોરાય છે
જીવવાંની જિંદગી રાબેતા મૂજબ
પ્યારથી આખા જગતને જીતાય છે
એ જ’રેખા’છે જે પ્હેલા જેવી હતી
કોઇની તકદીર પણ ક્યા બદલાય છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
ગાલગાગા-ગાલગાગા-ગાગાલગા
Leave a Reply