સતત મારી ઉદાસીમા મજા ભરતો રહે છે
એ ચ્હેરો ડાયરાની મૌજ થઇ સજતો રહે છે
બધા ઘોંઘાટ વચ્ચે રોજ જે શાતા મળે છે
એ ચ્હેરો મૌનમાં રંગત બની રમતો રહે છે
કદી ખાલી પડેલા મનમા ખખડે પણ ખરોએ
એ ચ્હેરો રંગ થઇ એકાંતમા ચડતો રહે છે
સિમા રેખા બધી તોડી ઘુસણખોરી કરી છે
એ ચ્હેરો રોજ બળજબરી કરી મળતો રહે છે
નથી ગમતા આ ઝરણાઓ, નદી, નાળા, તળાવો
એ ચ્હેરો રોજ દરિયો થઇ મને ગમતો રહે છે
તૂટી જાશે કદી આ મૌનનુ તાળું મુખેથી
એ ચ્હેરો દ્રાર પર આવી મને છળતો રહે છે
તમારા સ્પર્શની મૌસમ સજાવી શબ્દ રૂપે
એ ચ્હેરો શબ્દ દેહે કાયમી અડતો રહે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply