Book Name – પાતાળ_પ્રવેશ (અ જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ)
Writer/Author – જૂલે વર્ન
ભાવાનુવાદ: મૂળશંકર ભટ્ટ
ISBN No. – 9789351220527
Publisher – આર.આર.શેઠ
જૂલે વર્નનું નામ કાને પડતા જ મનમાં એક ઝબકારો થાય, એક અલગ જ વિશ્વ આંખો સામે ખડું થઇ જાય. વિજ્ઞાન, અદ્દભુત કલ્પનાઓ અને અવિસ્મરણીય સાહસોનું વિશ્વ એટલે ‘વર્લ્ડ ઓફ જૂલે વર્ન!’
જેમ મનની ફળદ્રુપતા માટે વાંચન જરૂરી છે, તેમ જ વિજ્ઞાન અને એડવેન્ચરના ચાહકો માટે જૂલે વર્નનું સાહિત્ય ‘એનર્જી ડ્રિંક’ની ગરજ સારે છે.
કથાની શરૂઆત થાય છે ખનીજશાસ્ત્રના ધૂની પ્રોફેસર લિડનબ્રોક અને તેના ભત્રીજા એક્ષેલથી. પ્રોફેસર એકદમ તરંગી સ્વભાવના છે. એકપણ કામ તેઓ શાંતિથી ના કરી શકે. વળી વિદ્વાન પણ એટલા જ! એક દિવસ તેમને જુના પુસ્તકોમાંથી મહાન સાહસિક ‘આર્ન સેક્નુસમનો’ લખેલો કાગળ મળી આવે છે. – હે સાહસિક મુસાફર! જુલાઈની પહેલી તારીખે જે વખતે સ્કેટેરિસનો પડછાયો સ્નેફેલ્સ જોકુલની અંદર જ્યાં પડે, તે વખતે તે મુખથી અંદર તું ઉતરજે, અને તું પૃથ્વીના મધ્યબિંદુએ જઈશ. મેં એ પ્રમાણે કર્યું છે.” – અને બસ થઇ રહ્યું…. પ્રોફેસર તેના ભત્રીજાને લઈને નીકળી પડે છે પૃથ્વીનું કેન્દ્ર શોધવા!
કથાની શરૂઆતમાં મૂળશંકર ભટ્ટે ગુજરાતી સંક્ષિપ્ત કરવામાં પ્રોફેસરની જેમ જ ઉતાવળ કરી હોય એવું લાગે છે. – વાર્તા પ્રવાહ ખુબજ ઝડપી છે અને ડાયલોગ પણ નબળા છે.- જૂલે વર્નના અન્ય સંક્ષિપ્ત પુસ્તકો વાંચ્યા હશે તો આ બાબત નજરે ચઢ્યા વગર રહેશે નહીં.
આગળ જતા કથાની ગૂંથણી, પ્રવાહ અને ઉત્સાહ વાચકને તરબોળ કરી મૂકશે. ઈ.સ.1864માં જૂલે વર્નએ કરેલી કલ્પના આજે પણ વાચકને નાચતો કરી મૂકે છે. વિજ્ઞાનના સિદ્ધાન્તો સાથે કરેલી અસરકારક રજૂઆત ફક્ત કલ્પના હોવા છતાં વાચક કેમેય કરીને નકારી ના શકે. આ પુસ્તક પરથી 2008માં હોલિવુડ મૂવી પણ બની ચૂક્યું છે.
આગળ જતા તેમની સાથે જોડાય છે ‘હેન્સન’ નામનો ભોમિયો. પ્રોફેસરના સ્વભાવ કરતા સાવ અલગ! ક્યારેય કશું બોલતો જ નથી. તો પણ તમે એનાથી પ્રભાવિત થયા વગર રહો નહિ એવું પાત્ર.
પૃથ્વીના પેટાળમા કોલસાની ખાણો, કાળમીંઢ પથ્થરોની ટનલમાં પથરાયેલ ભૂગર્ભ જળ, નિર્જન પાતાળસમુદ્ર, 30-40 ફિટ ઊંચાઈવાળા મશરૂમના જંગલો, 100 ફિટની ઊંચાઈવાળા બીજા દાયકાના વૃક્ષો, વિચિત્ર પ્રાણીઓ અને પુરાતત્ત્વકાળના હાડપિંજર એક અલગ જ વિશ્વમાં ખેંચી જશે.
એક વાત મને ખૂંચી: ત્રણેય સાહસિકો ‘લાવારસ’ ઉપર તરીને જ્વાળામુખીમાંથી બહાર આવે છે! એ પણ અર્ધનગ્ન અવસ્થામાં. ભલે સાયન્સ ફિક્સન રહી, તો પણ આ વાત કોઈપણ દાયકામાં સ્વીકાર્ય બને નહીં. અથવા તો એ માટે અનુરૂપ પરિસ્થિતિ ઉભી કરવી જોઈએ. મને લાગે છે કે અનુવાદ કરતી વખતે તેઓને ‘ગરમ પાણી’ના જ્વાળામુખી માંથી બહાર આવ્યા હોવાનું દર્શાવ્યું હોત તો વાચકો પચાવી લેત….
ઇનફેક્ટ, “પાતાળ-પ્રવેશ” વાચકને કલ્પનાની એક અપ્રતીમ ઊંચાઈ પર પહોંચાડશે અને કલ્પનાના નવા દરવાજાઓ ખોલી આપશે. તો હવે 1લી જુલાઈ નજીક જ આવી રહી છે. “પાતાળ-પ્રવેશ” કરવા માટે તૈયાર છો ને?
– ભાવિક એસ. રાદડીયા
Leave a Reply