હેલ્લારોનો મારો અર્થ અતિઆનંદ કે આનંદનો અતિરેક આનંદની ચરમસીમા એવો છે. બાકી એનો જે અર્થ થતો હોય તે થાય એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું મારો નવો અર્થ કાઢી જ શકું છું !!!
કાલે રાતના શોમાં વાઈડ એન્ગલમાં જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. આ ફિલ્મ વિષે કાલે જ મેં ઘણું બધું વાંચ્યું હતું. જે એની ખામીઓ વિષે હતું. તો પણ મારે જોવું હતું. મારી દલીલ એ હતી કે મારે એમાં શું શું ખામી છે એ માટે જોવું છે. આ તો મારો સ્પષ્ટ અભિપ્રાય છે. અમે ગયાં હું અને મારી પત્ની. જોયાં પછી મારી પત્નીની કોમેન્ટ ફિલ્મમાં વાર્તા જેવું કંઈ નથી, ગરબાનું પ્રમાણ વધારે પડતું છે જે તે સમયમાં તો આવું નહોતું જ નહોતું.
ઇન્ટરવલ સુધી તો એક જ લીટીની વાર્તાની જેમ આગળ વધ્યું હતું. પછી પણ કંઈ ભલીવાર ના આવ્યો. એની છેલી કોમેન્ટ – આ એવોર્ડને લાયક બિલકુલ લાયક પિક્ચર નથી. એનાં શબ્દોમાં કહું તો આનાં કરતાં તો નટસમ્રાટ, ચાલ જીવી લઈએ અને ટીચર ઓફ ધ યર વધુ સારું !!! એણે પહેલાં સાહેબ ઘરે જોયું હતું મેં ગત સપ્તાહે જોયું. એ પણ મને બહુ ગમ્યું નહીં. આવી વાત તો હિન્દી ફિલ્મમાં આવી જ ગઈ છે !!!
કાલનો એક પ્રસંગ કહું ઇન્ટરવલમાંમાં કેટલાંક અભાગીયાઓને અમે આ ફિલ્મ જોવાં આવ્યાં છીએ એ બતાવવું હતું. માધ્યમ તો સ્માર્ટ ફોન જ હોય ને… એમાં અમારી પાછળ બેઠેલાં બેન સોરઠી મીઠી બોલીમાં એમના કોક રીલેટીવ સાથે વાત કરતાં હતાં. આ વાતચીત એ જો આજે પણ એમની સોરઠી – ગુજ્રરાતી મિશ્રિત બોલી બોલાતી હોય તો કચ્છ પણ એની મીઠી કચ્છી બોલી માટે જાણીતું છે, તો ઇસવીસન ૧૯૭૫માં આટલી શુદ્ધ ગુજરાતી બોલી અને ગુજરાતી ભાષા કેવી રીતે ?
એક ગામડું જ્યાં અંધશ્રદ્ધા ભારોભાર ફેલાયેલી છે તેમાં અંગ્રેજી શબ્દો અને રાજકીય જ્ઞાન આટલું ક્યાંથી વિકસિત હતું ? આ વાત કથા – પટકથા અને સંવાદ લખતી વખતે સૌમ્ય જોશીએ ધ્યાનમાં રાખવાં જેવી હતી. બાય ધ વે ફિલ્મમાં કથા – પટકથા અને સંવાદો એટલાં માર્મિક નથી જે એને નેશનલ એવોર્ડ અપાવી જાય ?
૧૯૭૫ એક એવી સાલ છે જેનો અનુભવ આમાંથી ઘણાબધાંએ કર્યો જ નથી. સાલવારી વિષે હું કોઈ પણ ટીકા ટિપ્પણ આ લેખમાં નથી કરવાં માંગતો. એ હું માત્ર ઇતિહાસના લેખોમાં જ કરીશ !!! આ સાલમાં દુકાળ પડયો હતો એ વાત સાચી જેનો તાદ્રશ અનુભવ મેં કર્યો છે. લોકોમાં કેવી કેવી માન્યતાઓ પ્રવર્તે છે અને બાલાસિનોરના નવાબને એમાં શું કરવું પડેલું એ મેં સન ૨૦૧૫માં બાલાસિનોરનાં રુસ્વા મઝલુમી પરના લેખમાં લખેલું જ છે. મેં પણ ઘણી બધી સેવાઓ આપી એ વખતે જે અત્યારે કોઈ જ યાદ કરતુ નથી. વાત હરીજન શબ્દની છે તો એ વખતે મેં પણ આવાં લોકોનું ઉપરાણું લઇ મદદ કરી હતી પણ હરીજન શબ્દનો ઉપયોગ તો એ વખતે પણ નહોતો થતો. એ બાલાસિનોરના નવાબની શું વાત હતી અને મેં નજરે જોયેલો અનુભવેલો ચિતાર હું ક્યારેક દરિયા મહેલનાં લેખમાં કરીશ જ !!!
અત્યારે આ ફિલ્મની વાત !!!
સાલ વિષે મારે કશું જ નથી કહેવું એટલે આ સાલવિશેની વાત અહી પડતી મુકું છું.
કાલની વાતનું અનુસંધાન
અમારી પાછળ બેઠેલાં લોકોનો મધ્યાંતરનો સંવાદ ‘પિક્ચર જોવાં આવ્યાં છીએ સરસ છે’. પછી ખબર પડી કે એ જ નહીં ટોકીઝમાં આવેલાં ઘણાબધાં એચ એલ કોલેજ એલ્યુમની એટલેકે એ કોલેજ વોટસએપ ગ્રુપનાં સદસ્ય હતાં. આ લોકો એમની કોલેજના મિત્રો ખાતર જ આ ફિલ્મ જોવાં આવ્યાં હતાં. કારણ કે આ સાથે સંકળાયેલાં ઘણાબધાં કલાકારો એ આ કોલેજનાં જ છોકરાઓ હતાં પણ તોય ટોકીઝ મહદઅંશે ખાલી જ હતી. હજી માત્ર ૫ જ દિવસ થયાં છે ફિલ્મ રીલીઝ થયાંને… આ શું દર્શાવે છે ? છોકરાઓ મિત્રોને ગમે ચાલો સારું કહેવાય, પણ જાણકાર અને અનુભવી નાખુશ થયાં છે એ પણ એટલી જ સાચી વાત છે. જેનો પ્રત્યક્ષ પુરાવો મને સોશિયલ મીડિયામાં મળી જ ગયો છે. આનો વિરોધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જાય છે. એ પણ મેં જોયું છે હું એકલો માત્ર એનો વિરોધી નથી આ વિરોધ વ્યાપક પણ છે અને વ્યાજબી પણ છે. હું પોતે મારા રીવ્યુ અને મારા લખાણોમાં બહુ સ્પષ્ટ છું ઘણાં એવાં વિષયો છે કે જે વિવાદનું કારણ બની શકે એમ છે એટલે એને મેં સ્પર્શ્યા સુદ્ધાં નથી !!!
માણસ ફિલ્મ બનાવે છે એ એવોર્ડ જીતવા ખાતર કે ફિલ્મ બનાવીને એવોર્ડ જીતાય એ માટે… એક ફિલ્મ જે રીલીઝ પાછળથી થાય છે અને એને એવોર્ડ પહેલાં મળે છે. આમાં આપણે શું સમજવાનું ? ફિલ્મ જયારે રીલીઝ થઇ ૮ નવેમ્બર ૨૦૧૯નાં રોજ ત્યાં સુધી તો બધે જ એનાં ભરપુર વખાણ થયાં હતાં. આ વખાણને લાયક હતું કે એ વખાણ પરાણે કરાવડાવમાં આવ્યાં હતાં. આની સત્યતા મને આ ૫-૬ દિવસના અંતરાલમાં જ ખબર પડી ગઈ
“કચ્છડો બારે માસ”
આ મુહાવરો ખાલી લખવાં ખાતર જ હોય એવું આ ફિલ્મ જોઇને લાગ્યાં વગર રહેતું નથી. મહત્વની વાત – આ ફિલ્મની વાર્તા શું છે? શરૂઆત એક લોકોના ટોળાની વાતચીતથી થાય છે. ગામમાં દુકાળ પડયો છે. (આ ગામ એ માત્ર ૪ ૫ જ ઘરનું જ હોય એવું લાગે છે) નાના ગામમાં તે વખતે આટલી હદે શણગારેલાં ઘરો હતાં ખરાં !!! લાગે છે કે રણોત્સ્વની અસર છે. આ બધાનાં ઈસ્ત્રી ટાઈટ કપડા એ કોઈ યુથ ફેસ્ટીવલમાં નાટકમાં હોય કે ગ્રુપ ડાન્સમાં હોય એવું લાગે છે. ૧૯૭૫માં આટલી સુગમતા અને સુઘડતા હતી ખરી કે !!!
શરૂઆતમાં આ ફિલ્મ વિષે એમ કહેવાયું હતું કે આ ફિલ્મ આહીરો પરની છે. પછી એવી વાત પ્રસરાવવામાં આવી કે આ ફિલ્મ ગરબા ઉપરની છે. આ ગરબા ઉપર આડકતરો ચાબખો મેં કાલે રાત્રે જ મારી જ દીધો છે !!!
ફિલ્મની વાર્તા કૈંક આવી છે –
એક ગામમાં દુકાળ પડયો છે. આમ તો આખાં કચ્છ અને ગુજરાતમાં હતો એ વખતે એમાં વરસાદ પડતો નથી બધાં લોકો ચિંતિત છે જો કે આ ચિંતા એમનાં સંવાદો પુરતી જ મર્યાદિત છે. જે એમના હાવભાવ દ્વારા વ્યક્ત થવી અત્યંત આવશ્યક હતી. એટલીસ્ટ નેશનલ એવોર્ડ વિનર ફિલ્મમાં તો ખાસ !!! એક ભાઈ જેનાં નવાં લગ્ન થયાં છે એની વહુ કચ્છની તો નથી પણ શહેરની છે. થોડું ઘણું ભણેલી છે એની સાથેની વાતચીત અને ગામ લોકોની વાતચીત એ દ્વિઅર્થી છે. આવા સંવાદો ના જ ચલાવી લેવાય એક સાફસુથરી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મમાં તો ખાસ આ ભાઈ એ ફૌજી છે. પણ, એ પહેલા ગામ લોકો વરસાદને વિનવવા ગરબા રમે છે. જે આ ફિલ્મનો પહેલો ગરબો છે, પછી સ્ત્રીઓ બહાર તળાવમાં પાણી ભરવા જાય છે.
આ એક એવો સીન છે જે ફિલ્મમાં વારંવાર આવે છે કપડા બદલાતાં રહે છે. ત્યાં એક ભાઈ તરસે મરી રહ્યો હોય છે એને કોક બાઇ પાણી પીવડાવે છે. એનું નામ મુળજી થોડીઘણી વાતચીત થાય છે એ ઢોલી છે એને ગ્રામ્ય સ્ત્રીઓ દ્વારા ઢોલ વગાડવાનું કહેવામાં આવે છે. પેલો ભાઈ હરીજન છે જેને ભૂતકાળમાં બહુ કડવો અનુભવ થયો હતો, એનું ઘર પણ આ લોકોએ જલાવી દીધું હતું. તે પાણીના ઋણ ખાતર ઢોલ વગાડે છે. ફૌજીની પત્ની ગરબા રમવાં તૈયાર થઇ જાય છે અને એની શરૂઆત કરે છે. એ પછી બીજી સ્ત્રીઓ એમાં જોડાય છે, પછી એ રોજનો સિલસિલો બની જાય છે. વારંવાર ગરબા આવ્યાં જ કરે છે ક્યારેક પુરુષોનાં તો ક્યારેક સ્ત્રીઓનાં… દુકાળ તો વિસરાઈ ગયો છે આમાં થોડીક અંધશ્રદ્ધાવાળી વાત, બાયડીઓને ધણી દ્વારા મારપીટ કરવાની વાત અને આ માવડીનો પ્રકોપ છે એવું વારંવાર ફલિત કરવામાં આવે છે. ગ્રામ્યજનો સ્ત્રીઓ અને ઢોલીની આજુબાજુ ફરતી વાર્તામાં અલપઝલપ જ દુકાળની વાતો આવે છે. જે છેલ્લે સ્ત્રીઓને ગરબા રમતાં જોતાં એક ભાઈ જોઈ જાય છે પછી બધાં ગ્રામ્યજનો ત્યાં આવે છે અને ઢોલી ને પકડી મારી નાખવાનો હોય છે. તે નવરાત્રીની છેલ્લી રાત છે એ પતે પછી જ એને મારી નાંખવાનું નક્કી થાય છે.
એ વખતે એની અંતિમ ઈચ્છા પૂરી કરવાં ઢોલ વગાડાય છે અને ઘરોમાંથી સ્ત્રીઓને મારઝૂડ કરવાનો અવાજ આવે છે. આ વખતે વરસાદ પડે છે અને પેલી શહેરી સ્ત્રી પગમાં ઝાંઝર પહેરી બહાર આવે છે અને ગરબા રમવાની શરૂઆત કરે છે. પછી ગામની બીજી સ્ત્રોઓ જોડાય છે અને ગામલોકો હક્કાબક્કા રહી જાય છે. ગરબા રમતાં હોય છે ત્યાં જ આ ફિલ્મ પૂરી થાય છે. અંતે એવું લખેલું આવે છે આ ફિલ્મ Based On folklore !!! આને વાર્તા જ ના કહેવાય…
એકબાજુ બેટી બચાવો અભિયાનને સફળતા આપવનાર માનનીય પ્રધાનમંત્રી મોદીજી એમનાં જ રાજ્ય અને એમના દેશમાં બેટી જન્મે તો મારી નાંખવાની અંધશ્રદ્ધાવાળી ફિલ્મ નેશનલ એવોર્ડ જીતે છે. બહુત ના ઇન્સાફી હૈ રે… આ ફિલ્મ જો ફોક્લોર આધારિત હોય તો એમાં ગરબાનો ઉદ્ભવ અને વિકાસ તો બતાવવો હતો. માત્ર ગરબા કરવાં ખાતર જ આ ફિલ્મ બની હોય એવું લાગે છે. ગરબાના સ્ટેપસ અને ગરબાના ડ્રેસો પાછળથી અમલમાં આવ્યાં છે… એ સમયમાં નહી જ !!!
ગરબા પર કોઈ એક પ્રદેશનો ઈજારો નથી એ તો સમગ્ર ગુજરાતની શાન છે જેમ ઇતિહાસમાં વાવ અને પાળિયા છે એમ જ સ્તો… તો ગરબા પર આધારિત આ કહેવાતી ફિલ્મ એ માત્ર કચ્છનાં નાનશીકડા ગામ પર જ આધારિત કેમ ? કચ્છ લીધું એની સામે કોઈ જ વાંધો નથી. પણ કચ્છમાં અંજાર રાપર ભુજ એ માત્ર શબ્દોમાં જ આવે છે એ જો બતાવ્યું હોત તો કચ્છ દર્શન થઇ જાત
કચ્છનું રણ પણ વિગતે દર્શાવી શકાયું જ હોત. ધોળાવીરા કાળો ડુંગર લખપત બતાવાયું હોત તો સમગ્ર કચ્છ અને કચ્છીઓ આજે ખુશ હોત ? માત્ર કચ્છીઓ જ શું કામ અમે બધા અમદાવાદીઓ અને ગુજરાતીઓ પણ આજે ખુશ હોત ? પણ હાયરે હેલ્લારો એમાં આવું કશુજ આવ્યું નહીં. જે આવ્યું છે એમાં પણ ઘણાં વાંધાઓ છે !!!
વાંધો નંબર ૧ –
કચ્છમાં માં તલવારો લઈને ગરબા રમવાનો રીવાજ ક્યારથી આવ્યો એ તો રાજપૂત દરબારોની મોનોપોલી છે, અને મારાં માનવા પ્રમાણે એ સૌરાષ્ટ્રની ખાસિયત છે.
વાંધો નંબર ૨ –
આ ફિલ્મ કઈ જ્ઞાતિ પર આધારિત છે, કારણ કે પહેરવેશ અનેક જ્ઞાતિઓનાં મિશ્રણ રૂપ લાગે છે. શું પુરુષો કે શું સ્ત્રીઓ… જેના વિષે બીજાઓએ લખી દીધું છે, એટલે આ વાત અહીં દોહરાવતો નથી કે આ પોશાકો કઈ કોમનું પ્રતિનિધત્વ કરે છે એ !!!!
વાંધો નંબર 3 –
ગામ હોય તો એ ગામ કેમ દર્શાવાયું નહી પૂરેપૂરું માત્ર ૪-૫ જ ઘરો કેમ ? આ ૪ -૫ ભુન્ગાઓ જ વારંવાર બતાવ્યા કર્યા છે.
વાંધો નંબર ૪ –
દુકાળ હોય તો તળાવ પણ સુકાઈ જાય એમાં પણ કચ્છમાં તો ખાસ જ તો એ તળાવ છલોછલ કેવી રીતે અને એની આજુબાજુનો વિસ્તાર આટલો હરિયાળો કેવી રીતે ?
વાંધો નંબર ૫ –
ગરબા ક્યારે રમાય જો કે મેં પોતે જોયું છે કે અમદાવાદનીઆજુબાજુનાં ગામડાઓમાં નવરાત્રી પછી ગરબા રમાય છે. એ પણ દિવાળીના અવસરોમાં તો આ વરસાદી સિઝનમાં ગરબા રમવાનો રીવાજ કયા ગામથી શરુ થયો ?
વાંધો નંબર ૬ –
એક નાનું ગામ તો એની સ્ત્રીઓ પાણી બહ્રવા જાય અને ગરબાઓ રમે તો પુરુષો શું આખો દિવસ નવરા ધૂપ હતાં અને ઘરમાં જ બેસી રહેતાં હતાં કે શું તે છેક છેલ્લે જ એમને ખબર પડી !!!
વાંધો નંબર ૭ –
દુકાળમાં માત્ર વાતચીત જ એને માટેની કોઈ જ ચિંતા કે ઉપાય કેમ નહીં ?
વાંધો નંબર ૮ –
ગામમાં દુકાળ પડયો છે તો કોઈ એનાથી મારેલું બતાવેલું જ નથી પશુઓ પણ
વાંધો નંબર ૯ –
હિન્દી ફિલ્મમાં કુતરો, સાપ અને માછલીઓ પણ કોમ્પુટર ગ્રાફિક્સથી બતાવાય છે તો આમાં ગાય બકરી કેવી રીતે સાચાં બતાવાયા?
વાંધો નંબર ૧૦ –
એક બાજુ ગામની આખી વાત છે તો ઊંટગાડીમાં વણઝારા કોમની જેમ હેરફેર શા માટે ?
વાંધો નંબર ૧૧ –
સ્ત્રીના ઘરેણા દરેક કોમનું પ્રતિનિધત્વ કરતાં એવું લાગે છે તાત્પર્ય એ કે એમાં કોઈ પ્રકારની એકરૂપતા નથી ગામ નાનું હોવાં છતાં
વાંધો નંબર ૧૨ –
એકનાં એક સીન વારંવાર કેમ અને ક્યાંય પણ સૂર્યોદય કેમ નહીં ?
વાંધો નંબર ૧૩ –
કચ્છનું નહી પણ ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી સુરખાબ છે તો એકાદ દ્રશ્યમાં તો એમને બતાવવા હતાં
વાંધો નંબર ૧૪ –
આ ગામના પશુધન માટે પાણી પીવાની સુવિધા ક્યાં હતી ? ગામડું ચાલે જ છે પશુધન ઉપર જ …….. ગોરજ ખ્યાલ છે કોઈને !!!
વાંધો નંબર ૧૫ –
કચ્છ ભરતકામ માટે જગ વિખ્યાત છે આ ભરતકામની આવડત સદીઓથી કચ્છીઓની જ મોનોપલી રહી છે અને આજે પણ કરોડો રૂપિયાનો બીઝનેસ કરે છે તો આ ફિલ્માં એનો વિરોધ કેમ ? અને એને સદંતર બંધ થતી કેમ બતાવાઈ છે !!!
વાંધો નંબર ૧૬ –
છૂત -અછૂતનાં ભેદ તો બીજે વધારે છે જયારે કચ્છમાં તો માત્ર ૫ ટકા જ છે જે નહીવત જ ગણાય
વાંધો નંબર ૧૭ –
કચ્છના ગામડામાં આટલો દીકરી જન્મનો વિરોધ શા માટે ?
વાંધો નંબર ૧૮ –
ગરબા જો પુરુષો ગામની વચ્ચોવચ્ચ રમતાં હોય તો હોળી ગામથી દૂર કેમ ? સ્ત્રીઓનો ગરબા રમવા પર વિરોધ કેમ ?
વાંધો નંબર ૧૯ –
સિંહની ત્રાડ જો પાંચ માઈલ સુધી સાંભળી શકાતી હોય એક નાનકડા ઢોલનો અવાજ રાતના સન્નાટામાં કેટલે દુર સુધી સંભળાય ? પણ અછૂત મૂળજી તો એની પત્નીને ધ્યાન રાખવાનું કહે છે કે જોજે કોઈ આવી ના જાય !!
વાંધો નંબર ૨૦ –
ગ્રામ્ય સ્ત્રીઓનો પાણી ભરવા જવાનો સમય તો એક જ હોય એ તો સમજી શકાય છે પણ એ લોકો ત્યાં ગરબા રમીને મોડું કરે તો ગામમાં એની પૂછપરછ કેમ નહીં ?
વાંધો નંબર ૨૧ –
ભગલા સિવાય કોઈ એમને જોઈ ના ગયું આટલાં બધાં લાંબા સમયથી તેઓ ગામની બહાર ગરબા રમતાં હતાં તે
વાંધો નંબર ૨૨ –
રણમાં સવારે ૯ વાગ્યા પછી કોઈ ચકલું ય ના ફરકે તો આ મરુભૂમિમાં એકલો અટૂલો માણસ કેવી રીતે રહી શકે આટલો લાંબો સમય?
વાંધો નંબર ૨૩ –
ખબર પડી ગયા પછી જ આશરો માંગવા ગામમાં કેમ આવ્યો એ પહેલાં ના આવી શક્યો હોત ?
વાંધો નંબર ૨૪ –
આશરાની બીગ બોસની જેમ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કેવી રીતે ?
વાંધો નંબર ૨૫ –
ગરબાના સ્ટેપ્સ અને એના શબ્દો આધુનિક કેવી રીતે ?
બીજાં ઘણાં વાંધાઓ છે જે લખવા બેસું તો એક આખું લઘુ પુસ્તક થઇ જાય. આ ફિલ્મ અંધારિયામાં કેમ શૂટ કરવામાં આવી છે ? વાંધો તો મને કથાનો છે. વાંધો તો મને એની ફોટોગ્રાફી સામે પણ છે જે વધારે સારી કરી જ શકી હોત. એક ઉદાહરણ આપું છું રણમાં મુળજી એકલો ચાલ્યો જાય છે. આવો સીન બહુ વર્ષો પહેલાં મેં એક અંગ્રેજી ફિલ્મમાં જોયો હતો. ફિલ્મનું નામ છે – લોરેન્સ ઓફ અરેબિયા લોંગ શોટથી માત્ર એની આંખોનો ક્લોઝઅપ જ દર્શાવાયો છે. એ કલાકાર પણ કઈ જેવો તેવો નહોતો એનું નામ છે પીટર ઓ ટૂલ. અને દિગ્દર્શક પણ જેવો તેવો નહોતો ડેવિડ લીન હતો. આ સીન ખાતર જ હું આ ફીલ્મને ઓસ્કાર આપું, જો કે આ ફિલ્મ ઓસ્કાર જીત્યું હતું એ જુદી વાત છે. આવી ફોટોગ્રાફી આજે કેમ નહીં !!!
દિગ્દર્શક અભિષેકનો પ્રયાસ સારો છે પણ એ માત્ર પ્રયાસ જ છે. સૌમ્યએ તો રીતસરની વેઠ જ ઉતારી છે. ફિલ્મના ગીતો એટલે કે ગરબાઓએ તો નામ જ બોળ્યું છે મને એ બિલકુલ જ નથી ગમ્યા.
જો કંઈ ગમ્યું હોય તો એ છે એનું પાર્શ્વ સંગીત વાંસળી પર દરબારી રાગ સાંભળીને મન પ્રફુલ્લિત થઇ ગયું. બસ આટલું જ છે જમા પાસું. કલાકારો નવા હોવાથી એમાં કોઈને સ્કોપ જ નથી. મને જો કોઈનું કામ ગમ્યું હોય તો એ મૂળજી બનતાં કલાકારનું
એને હેટ્સ ઓફ… આર્જવ ત્રિવેદી અને શ્રદ્ધા ડાંગરનું કામ બિલકુલ નહીં. મહદઅંશે ગુજરાતી ભાષા ચીપી ચીપીને બોલાતી હોય છે જે સાહજિકતા ભાઈ સિધાર્થ રાંદેરિયા કે મલ્હાર ઠક્કર પાસે છે એવી આમાં જોવાં ના મળી. મુળજીને બાદ કરતાં !!!
શું રાષ્ટ્રીય એવોર્ડ જીતવાં માટે દ્વિઅર્થી સંવાદો જરૂરી છે ? ભારતીય ફિલ્મ બોર્ડે શું આનાં પર કોઈ જ ધ્યાન આપ્યું નથી ? સેન્સરબોર્ડ શું ઊંઘતું હતું. આ ફિલ્મ હસાહાસની નથી તોય જુવાનીયાઓ હસતાં હતાં. પહેલાં આ ટ્રેજડી દૂર કરો પછીજ કોઈ ટ્રેજિક કે સુખાંત ફિલ્મ અનાવો. એકંદરે પૈસાની વાત છોડી દેતાં આ ફિલ્મ ઘણી જ નબળી છે એને કોઈપણ એવોર્ડ અપાય જ નહીં. હું આને માત્ર દોઢ જ સ્ટાર આપું છું. ૧ સ્ટાર મૂળજી અને અડધો સ્ટાર પાર્શ્વ સંગીતને… આ ફિલ્મ નહી જોવાં જાઓ તો ચાલશે !!!
કચ્છે આ પહેલાં રાસલીલામાં અન્યાય સહન કર્યો છે હવે આમાં પણ કચ્છને ઊંચું લાવવા માટે કોઈએ કોઈ રીતસરની સારી ફિલ્મ બનાવવી જ રહી. આ ફિલ્મના નામ સામે પણ વિરોધ છે મારો અને અંતે જે લખાયું છે એની સામે પણ… આ ફિલ્મ એ આપણી ભાષાની ઉત્કૃષ્ટ ફિલ્મ નથી એ નથી જ !!!
અસ્તુ !!!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply