હેલ્લારો – ના ગમ્યું… જરાય ના ગમ્યું… આ તો ચીટીંગ કહેવાય… ફિલ્મનો રનીંગ ટાઈમ ફક્ત ૧૨૩ મિનીટ (૨ કલાક અને ૩ મિનીટ) જ. વધારે કેમ નહિ…! એવું લાગ્યું કે અભી ના જાઓ છોડ કે… કે દિલ અભી ભરા નહિ… કમબખ્ત દિલ દિમાગ ઔર મન લાલચી હો ગયા.
થિયેટરમાંથી તો બહાર નીકળી ગયાં, પણ ફિલ્મમાંથી બહાર નીકળવું અઘરું છે.
જો હેલ્લારોને એવોર્ડ ના મળ્યો હોત તો એ એવોર્ડ કમિટીની નિષ્ફળતા ગણાઈ હોત.
હેલ્લારો – ‘માસ્ટરપીસ’, ‘મસ્ટ મસ્ટ મસ્ટ વોચ’, ‘ક્લાસ મૂવી ફોર માસ’, ‘અનુભવ અને તેનાંથી પણ આગળ વર્ણવી ના શકાય એવી અનુભૂતિ’.
એક સમય એવો હતો કે ગુજરાતી ફિલ્મ માટે એવું કહેવાતું કે ‘ગામડું, ગરબો અને ગોકીરો’. હેલ્લારો ફિલ્મ વિશે પણ આ જ લાગુ પડે છે, ફરક માત્ર એટલો જ છે કે “ગામડું, ગરબો અને ગરિમા”.
મેં ટ્રેઈલર જોઈને પણ લખ્યું હતું અને આજે ફિલ્મ જોઈને ફરી એ જ વાત કે હેલ્લારોને નેશનલ એવોર્ડ મળ્યો છે એટલે ફિલ્મ બેસ્ટ નથી, ફિલ્મ બેસ્ટ છે એટલે એવોર્ડ મળ્યો છે.
સામાન્ય રીતે એવું લાગે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હોય એટલે ભારેખમ, ગંભીર અને આર્ટ ફિલ્મ ટાઈપની જ હોય. બાહુબલીને પણ આવો એવોર્ડ મળેલો છે. હેલ્લારોનો વિષય ગંભીર જરૂર છે, પણ ફિલ્મ એવી ભારેખમ કે અમુક ખાસ વર્ગને જ પસંદ પડે એવી બિલકુલ નથી. એમાં મનોરંજનવાળો મેસેજ છે અને મેસેજવાળું મનોરંજન. ફિલ્મમાં ગંભીરતા અને હળવાશનું બેલેન્સ અને સ્વિચ ઓવર બખૂબી જાળવવામાં આવ્યું છે.
આવો વિચાર જ કેવી રીતે આવે કે ગરબો, ઢોલ અને મીઠાનું રણ પણ ફિલ્મમાં આટલું બધું મહત્વનું પાત્ર હોય શકે. જો કલાકારોની વાત કરીએ તો ફિલ્મમાં કોઈ મુખ્ય પાત્ર છે જ નહિ, દરેક સ્ત્રી અને પુરુષ કલાકાર મુખ્ય છે. દરેક કલાકારોએ એટલી બારીકાઈથી પાત્રપ્રવેશ કર્યો છે કે એમનાં પડદા પરનાં રૂપ જોઈને માની જ ના શકાય કે આ બધાં કલાકારો રીયલ લાઈફમાં ખરેખર આવાં નથી. તેઓએ અભિનય કર્યો જ નથી, રણની જિંદગી સાચુકલા જીવ્યાં છે.
સિનેમાહોલમાં એકવાર ફિલ્મ સ્ટાર્ટ થયાં બાદ ભૂલાઈ જાય છે કે આપણે ૨૦૧૯માં જે તે સ્થળ પર બેઠાં છીએ. એવું લાગે કે જાણે આપણે ૧૯૭૫માં કચ્છનાં રણમાં બધું નજર સામે જોઈ રહ્યાં છિએ.
કલાકારનાં વખાણ કરવાં કે સ્ટોરી-સ્ક્રીનપ્લે-ડાયલોગનાં, ડાયરેકશનનાં વખાણ કરવાં કે એડિટર અને સિનેમેટોગ્રાફરનાં, લીરીક્સનાં વખાણ કરવાં કે મ્યુઝીક અને બેકગ્રાઉન્ડ સ્કોરનાં, કોરિયોગ્રાફીનાં વખાણ કરવાં કે સાઉન્ડ ડિઝાઈન અને સોંગ મિક્સિંગનાં, પ્રોડક્સન ડિઝાઈનરનાં વખાણ કરવાં કે મેકઅપ ડિઝાઈનર અને કોસ્ચ્યુમ ડિઝાઈનરનાં… દરેક ડીપાર્ટમેન્ટમાં દરેકે પોતાનું બેસ્ટ આપ્યું છે.
આખી ફિલ્મમાં રૂવાડાં ઉભા થઈ જાય કે ગળે ડૂમો ભરાઈ જાય કે આંખોમાં આંસુ થીજી જાય એવી એક નહિ પણ અનેક ક્ષણો છે. એ વિશે નહિ લખું કારણ કે એ માણવાનો અને અનુભૂતિનો વિષય છે.
ફિલ્મમાં ડિટેલિંગ, ડેપ્થ અને બિટવિન ધ લાઈન્સ એટલાં જોરદાર છે કે કદાચ ફિલ્મ જેટલી વાર જોઈએ એટલી વાર કંઈક નવું જોવા અને સમજવા મળે.
ખાસ વાત કરવી છે, ફિલ્મનાં ક્લાઈમેક્સ અને એન્ડની. વન ઓફ ધ બેસ્ટ… ફિલ્મ પૂરી થયાં બાદ એવું લાગ્યું કે જાણે ખુરશીમાં પગ જડાઈ ગયાં… એક અંદરથી ધક્કો લાગ્યો. થિયેટરમાં જાણે સન્નાટો છવાઈ ગયો. ખાસ નેમ ક્રેડીટ વખતે આવતું મ્યઝિક અચૂક સાંભળજો… હ્રદયનાં તાર ઝણઝણાવી દે તેવું છે.
ફિલ્મની ખાસ વાત એ છે કે એ જવાબ નથી આપતી પણ આપણા મન-મગજમાં સવાલ ઊભાં કરે છે. વિચાર કે ફિલોસોફી થોપવામાં નથી આવી, પણ આપણને વિચારતાં કરે છે. હેલ્લારો પડદાની અંદર અને બહાર બંને બાજુ એકસરખો અનુભવાય છે. જે મારા મતે ફિલ્મની જીત છે, સફળતા છે.
“અહિયાં બીજું છે પણ શું…! ખારા પવનનાં સૂસવાટા અને મૂંગા ભૂંગાનાં સન્નાટા.”
ફિલ્મ તમે આ વિક-એન્ડમાં જોઈ આવો અને જોઈને તમને ગમશે જ એ ખાતરી છે… સાથે બીજાને પણ જોવાનું કહેવાનું ચૂકતા નહિ.
~ ચિરાગ વિઠલાણી
Leave a Reply