એ વાત ખોટી કે મા કાયમ હસાવે
પોતાનાં ભાગ મૂકી, દિકરાં ને જમાડે
મારાં ભાગ નું મોત જમી ગઈ કેમ?
ઈશ્વર ના ખજાનેય એની ખોટ લાગે છે
બાપ બની ગયો તો ય, મા ની ખોટ લાગે છે
હવે ક્યાં ને કેવૉ મા નો ધબ્બો?, ચોટ લાગે છે
છે જગ આખું મોસાળ, પણ નથી મા પીરસનારી,
આયખાંના અવસરે, ખાલી ખાલી બાજોઠ લાગે છે
હું હતો ને છું નકામો ને ઠોઠ નિશાળીયો
મા ને એટલે જ વધુ વહાલો, આ ભોટ લાગે છે
તે પાળ્યો ગર્ભમાં, પાયું દૂધ, લોહી ને ઉંમર
થયો મોટો ત્યાં હળવેક થી સરકી ગઈ ઉંબર
મારી રોટી બનાવવાની લાહ્યમાં, સંકોરી ના શકી જાત
ખુલ્લાં રહી ગયેલાં હાથનો લોટ લાગે છે
થયો મોટો એટલે સાચું રડી ય શકતો નથી
પણ આત્મા ને મૂઢમાર ની ચોટ લાગે છે
શરુ થાય ચલણ સૌ ત્યાંથી, પણ મૂલ્ય ના કોઈને
મા સૌને 1 રૂપીયાં ની ઘરડી નોટ લાગે છે
તું ક્યાં પાંચ વર્ષેય પુછાઈશ ચૂંટણીમાંય?
ઈશ્વરની નાત તારી નાનકડી, થોડાંજ વોટ લાગે છે
મારાં જીવનનાં ખુલ્લાં વાયર પહેલાં તું કેવી પકડતી
છે હવે સુંદર, શાંત તોય, સર્કિટ એ શોર્ટ લાગે છે
દેખાઉં સૌને દરિયો વિશાળ ને ભરતી મય,
લાગે ઘાં ત્યારે બોલાતાં ‘ઓ મા’ ની ઓટ લાગે છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply