સરદાર તમે આવો ને
માતૃભાષાને વિસરાવી અંગ્રેજીએ
મા ને ઘેરેલાં વિદેશીઓને ભગાવો ને
સરદાર તમે આવો ને
ધર્મ, જાતિ, રાજ્યમાં વહેંચાયેલાં ભારતને
શિસ્ત, એકતા, મનોબળનાં પાઠ ભણાવો ને
સરદાર તમે આવો ને
‘યદા યદા હી ધર્મસ્ય’ વચન ભુલ્યો કાન
લાખો દુર્યોધનો, શિખંડીઓને હરાવોને
સરદાર તમે આવો ને
મા ભારતી હવે છે અલગ બેડી ઓમાં
રાજમાર્ગ આઝાદીનો ફંટાયો કેડીઓમાં
તમે હતાં ગૃહમંત્રી તો ગૃહશત્રુઓથી
ભારતની પ્રજાને બચાવોને
સરદાર તમે આવો ને
સરદાર હતાં ને હોય એક જ
‘છોટે સરદાર’ સ્વયંભૂ થયાં કેટલાંય
‘અસરદાર’ સરદાર હોય એક જ
‘ખોટે સરદાર’ બન્યાં પ્રપંચી કેટલાંય
ચાણક્ય તમે, સાચાં ચંદ્રગુપ્ત ને બનાવો ને
સરદાર તમે આવો ને
સામ-દામ-દંડ-ભેદથી નીતિ કરી તમે કૂટ
લાલ આંખે, સત્યની શાખે તમે મીટાવી ફુટ
ગાંધીજીનાં એક ઈશારે તમે ઠુકરાવ્યૂ સિંહાસન
સૌ પક્ષો રાષ્ટ્રનાં, તમે રાજધર્મ નિભાવોને
સરદાર તમે આવો ને
સ્ટેચ્યુ ઓફ યુનિટી સારું, આવકાર્ય
શિખ ઊંચાઈ તમારી પહોંચવું અશક્ય
તમારાં નખ જેટલું વાસ્તવ જીવીને
લોકશાહી અને જાતને આપણે બચાવોને
સરદાર તમે આવો ને.
562 રજવાડાં એક કર્યા સરદારે
543 સાંસદો એક થઈને બતાવોને
સોમનાથ, જૂનાગઢ, નિઝામ જેવાં ત્યારનાં પ્રશ્નો
હવે કેમ દરેક શેરીઓમાં? સમજાવોને
નેતાઓ મનોવૃત્તિ તમે બદલાવોને
સરદાર હવે તો તમે આવો ને…
સરદાર તમે આવો ને
~ મિત્તલ ખેતાણી
Leave a Reply