વાત સૌ ની ધ્યાનથી એ સાંભળે છે.
ભીંતને ક્યાં હું પણું સ્હેજે નડે છે.
પોપડાએ જાણે કે સંકેત આપ્યો,
સાવ કોરી ભીંત ભીતર ખળખળે છે.
ઓથ શીળી કે હૂંફાળી આપનારી,
ભીંતની ઉદારતા નભને અડે છે.
હું ની ફરતે ભીંત જ્યાં જ્યાં હોય છે ત્યાં,
ખુદનું સરનામું ય સાચું ક્યાં મળે છે?
ભીંતના અર્થો જરા મેં તારવ્યા તો,
હરતી ફરતી ભીંત પણ નજરે ચડે છે.
જળ થી એનો પીંડ બંધાયો છે એથી,
ભીંતને આંસુની સાથે બહુ ભળે છે.
છાપરા સમ થઇ ગયું કોઈનું હોવું,
ભીંત મૂંગી એટલે તો પરવડે છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply