મનગમતી ક્ષણ, તડકે મૂકી.
પોત નવું વણ, તડકે મૂકી.
હાશ. . કરી મન હેઠું બેઠું,
ભીતરના વ્રણ, તડકે મૂકી.
શુભ-ફળના સંકેત ગણું છું,
તેર-તણાં ત્રણ, તડકે મૂકી.
દરિયો મેઘ થઈ ના વરસ્યો,
તો, પીધું રણ. . તડકે મૂકી.
પગભર થાશે એ આશાએ –
કાચી સમજણ, તડકે મૂકી.
ખાલી થઈને, ભીનું થ્યું મન,
કોરા સગપણ, તડકે મૂકી.
દુઃખ ઉચક્યું છે ડાબા હાથે,
તારણ, કારણ, તડકે મૂકી.
રોજ હવે ઊગાળું અવસર,
તિથિ, તોરણ. . તડકે મૂકી.
હું ગઝલોથી આપું ઓળખ,
ધારા, ધોરણ, તડકે મૂકી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply