સાવ સહજ મારી ભીતર એક ઝાડ દિલાસો વાવે.
સધિયારો દેવાને બાહુ ડાળ તણાં લંબાવે.
પાન સમયસર ખરી પડે ને ખુદનું માન વધારે
કૂંણી કૂંપળ ટાણે આવી ડાળનું હૈયું ઠારે.
વાસંતી ને વૈશાખી પળ પોંખી લે સમભાવે..
એક ઝાડ દિલાસો વાવે.
ચૈતરની લૂ ને પણ દઇ દે શીતળતા વરણાંગી
તડકાને ઝીલવાની કિંમત ક્યાંય કદી ના માંગી
સ્થિર થઈ વધવાના નુસખા આમ મને સમજાવે..
એક ઝાડ દિલાસો વાવે.
ખુદના વૈભવને સ્હેજે મોસમના રાગે ઢાળે
વાત-વિસામો સહુનો થાવા મૂળને ઊંડા ગાળે
માળાના ધબકાર સુણી શણગાર એ સોળ સજાવે.
એક ઝાડ દિલાસો વાવે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply