સહેજ ઝૂકી મન થયું નિર્ભાર છે !
ઝીલવાનો ક્યાં હવે પડકાર છે ?
બે-ઘડી મળવાનો બસ વહેવાર છે,
ફૂલ-ઝાકળના અલગ સંસ્કાર છે !
દઈ દીધાની નોંધ એ રાખે નહી,
આ હ્રદય પણ કેવું શાહુકાર છે !
હું મને એની નજર થી જોઉં છું,
એ રીતે મારો થયો વિસ્તાર છે !
પ્રશ્નને ક્યારેય અવગણતી નથી,
એટલે તો જિંદગી કસદાર છે !
ભલભલાની આંખ આંજી નાંખતા,
ઝાંઝવા પણ. . . કેવાં પાણીદાર છે !
આ ગઝલ અંગે વધારે શું કહું ?
ધ્યાન, પૂજા, આરતી, ઉપચાર છે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply