નથી ફર્ક રાખ્યો મેં મારી દુઆમાં.
તમસ-તેજની છે એ સંભાવનામાં.
વધારે શું માંગુ તમારી કને હું ?
તમે સાથ આપ્યો મને હું થવામાં.
આ વૃક્ષોની લીલી અસર એવી થઇ કે,
હું યે વિસ્તરું છું મળેલી જગામાં.
ઉદાસીનો એથી પડ્યો રંગ ફિક્કો,
હતું ધ્યાન મારું દશે દશ દિશામાં.
પ્રભાવિત છે પીડા યે આ વાતથી કે,
રહું છું મજામાં, બધી યે દશામાં.
અનાયાસે ગમતું ઘટી જાય અહિંયા,
જે ચાહ્યું, પમાયું પરત થઇ જવામાં.
એ પાડે, ઉપાડે અને સાચવી લે,
હશે આગવું બળ બધી આપદામાં.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply