તું જો તારો અભાવ આપી દે.
સાંજ સિંદૂરી ભાવ આપી દે.
આયનાનું ગજું છે એવું કે,
પ્રશ્ન રૂપે સુઝાવ આપી દે.
ક્યાંક અટકીને જિંદગીને તું,
ખૂબસૂરત ઉઠાવ આપી દે.
આ સમયની ઉદારતા યે જો,
ઢાળ સાથે ચઢાવ આપી દે.
હું તને શોધું ને મળું ખુદને,
એક એવો બનાવ આપી દે.
ભીતરે વિસ્તરું નિ:શેષ થઈ,
એમ તારો લગાવ આપી દે.
એ જ અંતે થઈ જશે પૂજા,
જ્યાં છે ત્યાંથી તું દાવ આપી દે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply