માનવ મહેરામણથી ભરચક
આ કોન્ક્રીટના જંગલમાં
તું નહિ આવે એ જાણવા છતાં,
હું,
બારીને જડેલાં સળીયાની પેલેપાર
ફેલાયેલા ડામરનાં સર્પો ઉપર
નજર માંડીને,
તારી રાહ જોવામાં મશગુલ હતી.
ત્યાંજ રસોડામાંથી આવતી
દુણાઈ ગયેલી દાળની ગંધે
મને આજમાં લાવીને પટકી દીધી.
કાશ એ અલ્લડતાના દિવસોમાં પણ,
સાવ રમતમાં
તે મનની વાત કહી દીધી હોત,
આજે, ઉકળતી દાળની સોડમ સાથે,
આપણાં ઘરના પ્રવેશ દ્વારે હું,
તારા આવવાની રાહ જોતી ઉભી હોત.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply