જો દર્પણમાં ચહેરો સમાય તો માણસ માણસ લાગે
જો ડૂબતાનો હાથ ઝલાય તો માણસ માણસ લાગે
બહુ ઝાઝો ફરક નથી થોર અને સુકા બાવળ વચમાં
જો હથેળીએ છાયો અપાય તો માણસ માણસ લાગે
ઘૂઘવતો સાગર અને ઝાંઝવાના નીર અહી સરખા છે
તરસ્યાને જઈ પાણી પવાય તો માણસ માણસ લાગે
નવાઈ શું ! કરવતથી ભલભલાના માથા વધેરાય છે
સોય બનીને જીવ બચાવાય તો માણસ માણસ લાગે
ગીઘ દ્રષ્ટી અને ચાણક્ય બુધ્ધીથી યશ મળે જગમાં
એક દીવાનો સમજદાર થાય તો માણસ માણસ લાગે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply