—— ૧ ——
“અરે આ શું …હજી તો કેટલા કામ બાકી છે..અરે જિંદગી જીવવાની શરૂઆત કરી છે… ” પણ ડોકટર ક્યાં કશું બદલી શકવાના હતા. એતો મેડિકલ રીપોર્ટમાં જે લખ્યું તેના આધારે તો વાત કરતાં હતાં..
ધીરેથી તે ડોક્ટરની કેબિનમાંથી બહાર આવી. તેના કાનો પર ડોકટરનો અવાજ કે આસપાસના અવાજની કોઈ જ અસર નોતી થતી.
તેની અંદર એક વિચારોનું વાવાઝોડું ઉમટયું… તેણે પહેલી ફરિયાદ હરિના દરબારમાં નોધાવી… “કેમ… મારી સાથે આવું કરયું… આંખોમાં સૂનામી ત્રાટકવાની તૈયારી…”
ત્યાં જ તો તેના મનમાં એક વીજળી ચમકી…” મોત કોને કહીને આવે છે અને તે ક્યાં સમય આપે છે. તો મારી પાસે તો હજુ સાત દિવસ છે. સાત દિવસ, અને આ સાત દિવસમાં ઘણું કરી શકાય.”
જિંદગી કેટલી લાંબી જીવ્યા તે નહીં પણ કેટલી સારી રીતે જીવ્યા તે મહત્વનું છે. અને હવે એજ વિચારે છે. કે આ સાત દિવસ કેમ જીવવા કે એકવાર મોત પણ વાહહ કહીં જાય.
જિંદગીના ઘણા અધૂરા કામ અધૂરી ઈચ્છા પૂરા કરવાના છે. મૌત પહેલાં મરવું નથી ને મૌત બાદ પણ જીવવું છે.
આમ પણ કહે છે ને, ‘ઈચ્છાઓ કયાં કદી પૂરી થાય છે. એતો વાંઝણી રહેવા માટે જ સર્જાય છે.”
પણ પ્રયત્ન કરી ઈચ્છાઓને ફળદાયી કરવાનો નાનકડો પ્રયાસ તો કરી જ શકાય ને..? તો ચલો સ્વથી સ્વની ઓળખ કરી ઉલટી ગણના ચાલુ કરીએ.
હરિ તું પણ યાદ રાખીશ કે તારા નામને જીવનાર કોઈ મળી હતી…
તો શરૂ… સાત…
—— ૨ ——
ઈશ્વરને ચેલેન્જ કરી ઉલટી ગણના શરૂ કરવાની વાત તો કરી દીધી. પણ અંદર તો જબરદસ્ત તોફાન શરૂ થઈ ગયું. અનહદ પીડા અને હતાશા ઘેરી વળ્યાં. અને તે ચહેરા કે આંખો દ્વારા છલકાઈ ના જાય કે તેના ભાવની ચાડી ના ખાય તેની કાળજીપૂર્વક કોશિષ કરી.
શું કરું? ક્યાં જઉં? કોને કહું? જેવા પ્રશ્નો મગજમાં હથોડા મારવા લાગ્યાં.
આ વાત સાત દિવસની જિંદગી. ઘરનાને ના ખબર પડવી જોઈએ. આ પીડા સહદેવના જ્ઞાનની જેમ ભીતરમાં ભંડારી..
જિંદગીના અંતિમ દિવસ જીવવા પડશે..
એક નિશ્ચય કરી ક્ષણિક હતાશા પર કાબુ મેળવ્યો. હોસ્પિટલથી નીકળી બજારમાં જઈ ઘરના સભ્યો માટે ખૂબ ખરીદી કરી અને ઘરે પહોંચી.
ઘરના સભ્યોને સાત દિવસ વેકેશન મનાવવું છે. ચલો તૈયારી કરો… સૌને તેમની ઇચ્છા પૂર્ણ કરવાની તક મળશે કહી. બાઉલમાં નામ અને ઇચ્છા લખવાનું કહી. હળવેથી શાવર લઈને આવું કહી સરકી ગઈ…
હવે તેને તેની ચિંતા નહોતી. પણ આજ સુધી જેમના માટે જીવતી, તેમની જિંદગી તેના પછી રોકાવી ના જોયે… તેની વ્યવસ્થા શું કરવી, તેના વિચારો ઘેરી વળ્યાં.
શાવર લઈ મંદિરમાં દીવો કરીને શ્રી હરિનો આભાર માન્યો. અને સાત દિવસની તેમની સામેની ચેલેન્જમાં હંમેશાની જેમ સત્યનો પક્ષ લેવા માટે વિનંતી કરી.
ત્યાંતો બધાની બૂમાબૂમ શરૂ થઈ ગઈ. બહાર આવી સૌને પોતાની પસંદ પ્રમાણે ફોનથી ઓર્ડર આપવાનું કહ્યું. અત્યાર સુધી શાંત રહી નિરિક્ષણ કરતાં એમણે હળવેથી પૂછયું, ‘બધું બરાબર છે ને? ડોકટરે શું કહ્યું? રીપોર્ટ શું આવ્યો. તારી તબિયત સારી છે ને…? તું ડોકટર પાસે ગઈતી ને…?’
એકટક એમની આંખોમાં તાકી. ભીનાશને ભીતરમાં ધરબી. ‘હા, બરાબર છે. બસ ખોટી ચિંતા નહીં કરવાની, ખુશ રહેવાનું અને બની શકે તો હવાફેર કરવાનું કહયું. વિશ્વાસ ના હોય તો લે ફોન, વાત કરાવું…?’ આમ ડોકટર વાળી વાત ભૂલાવી. હસતાં હસતાં ડીનર, અંતાક્ષરી.. ધમાલ મસ્તી સાથે સમય વીતાવ્યો…
સૌને કાલ શું કરવું તે નક્કી કરજો કહીં પોતાના રૂમમાં મોકલ્યા..
આ કતલની રાત જેવી રાત પસાર કરવાની કોશિષ સાથે. ઘડિયાળની ટીક ટીક સાથે બાકીના સાત દિવસ મન ભરી કે મનમૂકી જીવી લેવાનું હવે નક્કી જ છે એ વિચાર સાથે નિંદ્રાદેવીનું શરણું લીધું.
—— ૩ ——
રાતના છવાયેલ ડરને આશંકાના વાદળ વિખરાઈ ગયા હતાં. સવારના સૂર્યોદયની લાલિમા નવી આશા સાથે પથરાય ગઈ હતી. હળવેથી ઉઠીને ચાના કપ સાથે બાલ્કનીમાં આવી.
જરુરી કામોની યાદી બનાવી. તે મૂજબ એક પછી એક કામ કરતી ગઈ. જૂના હિસાબોની નોંધ કરી બધાને બોલાવીને ચૂકતે કર્યા. જરુરી દસ્તાવેજો, પાસબૂક, ચેકબૂક, પોલીસી, જરૂરી લેવડ દેવડની નોંધ કરી ડાયરી નજરમાં આવી જાય તે રીતે મૂકી.
ઘરની વ્યવસ્થામાં કોઈ તકલીફ ન પડે તેની પર પણ નજર નાખી દીધી. મગજમાં ઉદભવતી લાગણી પર પહેરો મૂકી. બાળકોની ઈચ્છા, પતિદેવની પસંદ વિશે વિચારી પોતાની ગેરહાજરીમાં વરસો વરસ અગત્યના દિવસોમાં તેમને ભેટ મળતી રહે તેનું આયોજન કરી લીધું..
સગાવ્હાલા મિત્રો કે આસપડોસમાં કોઈની સાથે મતભેદ થયા હોય કે કઈ મનદુઃખ થયું હોય તે બધાને મળી માફી માંગી સંબંધમાં પાછી મધૂરતા લાવી. દિલ પરનો બોજ ઉતાર્યો.
આ બધું કરવામાં પોતાની તકલીફ પીડાતો કયાં ભૂલાઈ તે જ ખબર ન પડી. બાળકોને પતિદેવ ૨/૩ દિવસથી જોઈ રહ્યા હતાં. વારંવાર પૂછી જાણવાની કોશિષ કરતાં રહ્યાં.
તે ‘લગજા ગલે કી ફિર યે હંસી રાત હોના હો. શાયદ ફિર ઈસ જન્મ મૂલાકાત હોના હો…’ ગણગણી તેમની બાહોમાં છૂપાઈ જતી.
બાળકો તેમની નિર્દોષ મસ્તીમાં બાળ સહજ રીતે મોમ ખુશ છે, જોઈ ખૂબ ખુશ હતાં.
કયારેક ઉલટી ગણતરી યાદ આવતા ક્ષણિક વિષાદ ઘેરી વળતો. પણ પછી, હર પળ મુક્ત મને જીવી લઈ. જિંદગી માણી લેવાનો નિર્ધાર દ્રઠ બની જતો.
શરીર અંદરથી તૂટતું જતું હતું. પીડા તકલીફ વધતા જતાં હતા. સાથે પેઈન કીલરનો ડોઝ પણ… છતાં મુખ પર તેજ અને હિંમત તેની જગ્યાએ અડીખમ હતાં.
ઈશ્વરને પ્રાર્થના કરતી કે આ દુઃખ અને પીડા તેના પરિવારને ન સહન કરવા પડે. મન કહેતું કે તારા માટે શું કર્યુ? તારા સપનાં તારી ઈચ્છા… કોણ પૂરી કરશે…? આ અંતિમ ૪/૫ દિવસતો તારા માટે જીવીલે… તું નહીં હોય ત્યારે પણ દુનિયા તેની નિયમિતતાથી ચાલવાની. તારા વગર કોઈની જિંદગી અટકશે નહીં અને મનને ટપારી. અરે, આજ સુધી પરિવાર માટે જીવી આ અંતિમ સમયે સ્વાર્થી બનું. ના એ ના બની શકે, આમાં મારો શ્રી હરિ કયારેય રાજી ન થાય.
અચાનક ખાંસી આવતા પેઈન વધી ગયું અને મનમાં વિચાર ઝબકયો કયાંક આજ જ…
—— ૪ ——
દુ:ખાવાને લીધે હળવી દર્દની રેખા ચહેરા પર આવી ગઈ.. એ દર્દ આંખો માં ડોકાય તે પહેલાં તેને અંદર સમાવીને તે ત્યાંથી સરકી બેડરૂમમાં આવી. દવા મેડિસિન લઈ બેડ પર લંબાવ્યું.
ચોથા દિવસની સવાર… પંખીઓનો કલરવ બારીમાંથી આવતો સૂર્યનો પ્રકાશ.. બાલ્કનીના દરવાજા પર લગાડેલ ‘વિન્ડ ચાઈમ્સ’ પવનની લહેરખીએ મધૂર ધ્વનિ ઉત્પન્ન કરતું. રૂમની દિવાલ પર લાગેલ પેઈન્ટિંગ, ફેમિલી ફોટોગ્રાફ, જાણે રૂમની દરેક ચીજ તેની આ નિંદ્રાના સાક્ષી બની રહ્યાં હતાં. કદાચ હવે બહું ઓછો સમય હતો..
એલાર્મના અવાજે તેની આંખ ખૂલી ગઈ. રાતની યાદહજી મનપર હતી. રાતના હરિસ્મરણ કરતાં કયારે ઊંઘ આવી તે ખબર જ ના રહી.
ઘરમાં નિરવ શાંતિ હતી. આ શાંતિ મન પર પણ છવાવા લાગી..જાણે સમાધી અવસ્થા. આમ કેટલો સમય પસાર થયો તેની શુદ્ધ જ ના રહીં.
જાણે બધું જ કૃષ્ણાર્પણ. હરિના ચરણોમાં.
અચાનક આ તંદ્રા અવસ્થામાંથી બહાર આવી. ધડિયાળ પર નજર પડતાં,
ફટાફટ ઉઠી નિત્યક્રમ પતાવી, મંદિરમાં પૂજા કરતાં ફરી ઈશ્વરનો આભાર માન્યો. તથા અંત સમય સુધી સાથ આપવા વિનંતી કરી..
બાળકોને પતિદેવ સાથે નાસ્તો કરતાં તેણે વૃધ્ધાશ્રમ અને અનાથાશ્રમની મૂલાકાત લેવાની ઈચ્છા દર્શાવી.
પતિદેવ થોડીવાર તેની સામે જોઈ રહ્યાં પછી કહે ચાલો ત્યાર થાવ આપણે નીકળીએ.
વૃધ્ધો અને બાળકો સાથે આનંદ પૂર્વક સમય પસાર કર્યો. વચ્ચે ચૂપચાપ ઓફિસમાં જઈ એક ચેક આપી આવી. ત્યારે જતાં પહેલાં એક સારું કામ કરી શક્યાનો સંતોષ છવાઈ ગયો.
પણ તે કયાં કાલ શું થવાનું છે તે જાણતી હતી. તે તો તેને કોઈ જોઈ રહયું છે, તેના બદલાવને નોટિસ કરે છે, એ પણ કયાં જાણતી હતી.
હા, ધીરે ધીરે મનોમસ્તિક પર અજીબ શાંતિ છવાતી હતી. તે ધીરે પોતાની જાતથી જાણે અળગી થઈ રહી હતી. આંખ સામેના દ્રશ્યો તેને અસર નોહતા કરતાં. કંઈક અલગ અનુભૂતિ અનુભવતી હતી. બહારનો કોલાહલ, હલચલ, અંદરની શાંતિને ભંગ નથી કરી શકતા.
હાથમાંથી રેતી સરકે તેમ સમય સરકી રહ્યો હતો. તેની સાથે તેની એષણાઓ પણ સરકી રહી હતી. ધીમેધીમે સ્વભાવમાં નિર્લેપતા આવવા લાગી. કર્તાને બદલે સાક્ષી ભાવ,
આ પરિવર્તન તો તેને પણ નહોતું સમજાતું. કયારેક અકળામણ તો કયારેક મીઠી મુંઝવણ થતી..
સમયના ગર્ભમાં શું છે, તેનો પાર કયારે કોઈ પામી શક્યું છે…? ન જાણ્યું જાનકીનાથે કાલ શું થવાનું…? આપણે તો પામર માનવી, કાલની વાત આજ કઈ રીતે કરી શકાય.
સાચું ને..?
—— ૫ ——
ધીરે ધીરે મન આ કાઉન્ટડાઉન, ઉલ્ટી ગણતરી, બધું વિસરીને જિંદગીને ખરા અર્થમાં માણતું થઈ ગયું. કેટલુંને બદલે કેવું જીવ્યાં અંતમાં એજ સાચું છે.
ઘર પરિવાર સાથે, સમાજ માટે, કરવા જેવા કામો સાથે સાથે કરતાં. અધૂરાં શમણાં, ઈચ્છાઓ, કંઈક કરવાની તમન્ના, બધું જ સાથે થવા લાગ્યું.
જિંદગીની હર પળ આખરી પળ છે. એમ ધારી જિંદગીની ગાડીની રફતાર ફુલ સ્પીડમાં ચાલવા લાગી હતી.
સાથે અંતરમનની યાત્રા શોધ પણ સતત જાગ્રત અવસ્થામાં થતી રહી.
મરણનો ભય કે ડર તો પહેલાં પણ નહોતો. પણ આ જાગૃતિ વધતા મન કોઈ પણ ક્ષણે મૃત્યુની આગોશમાં સમાવવા તૈયાર હતું. તેના મનમાં બસ મારા ગયા પછી શું થશેના વિચાર પણ છુટતા ગયાં. મન હરક્ષણ એક નવી યાત્રા માટે તૈયાર થતું હતું.
તનની પીડા અને તકલીફ હવે મનને અસર કરતી નહોતી. આ પીડા શરીરને છે, અને હું તો આત્મા છું. આત્મા અજરામર છે, મૃત્યુ શરીરનું હોય અને આત્માં જીર્ણ શરીર રૂપી વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો રૂપી નવો દેહ ધારણ કરશે. નામ તેનો નાશતો થવાનો, જન્મયો તે મૃત્યુ પામવાનો.
એક નવી સમજણ નવી દ્રષ્ટિએ જિંદગી જોવાતી થઈ ગઈ.
આ બધા વચ્ચે તેનો પરિવાર તેની જાણ બહાર સતત તેને નિરખતો હતો, અને તેની ઈચ્છા પુરી કરવા દરેક પ્રયત્નો કરતો હતો. પતિ, બાળકો તેની તકલીફ પીડા અને એ ગાંઠ હવે ગમે ત્યારે ફાટી શકે છે. અને બહુ ઓછો સમય છે એ જાણતો હતો, તે તેને નહોતી ખબર.
જેમ તેણે પરિવારના સભ્યોને જાણ ન થવા દીધી, તેમ તે લોકોએ પણ અજાણ્યા બની રહ્યાં. તેની પીડા તેની માનસિક સ્વસ્થતાના સાક્ષી બનીને દૂરથી જ તેના દરેક પગલે, પગલે પગલું દબાવી સાથ આપ્યે રાખ્યો. અને તેણીથી વિખૂટા પડવાનું દુઃખ મનમાં ધરબી દીધું હતું, બંને પક્ષે આંસુને છુપાવાની, દર્દને સંતાડવાની રમત સામેવાળાને જીતાડવા રમતાં હતાં.
એકમેક માટેની લાગણી વિશ્વાસની આ પરાકાષ્ઠા જોઈલો. પોતાનાં ને તકલીફ ન પડે તેવી રીતે જીવવાના વર્ગો જાણે. ઈશ્વરની ઈચ્છા કે તેની કરણીનો પાર કોણ પામી શક્યું છે? કાલ તે કઈ ચાલ રમે છે. જાણે
“જીના યહાં મરના યહાં, ઈસકે સિવા જાના કહાં..
કલ ખેલ મે હમ હો ના હો ગર્દીશ મેં તારે રહેગે સદા..
ભૂલોગે તૂમ ભૂલેગે હમ લેકિન હમ તૂમ્હારે રહેગે સદા..”યે ખેલ હૈ ચંદ ધંટો કા….?
—— ૬ ——
कभी ख़ामोश बैठोगे कभी कुछ गुनगुनाओगे
मैं उतना याद आऊँगा मुझे जितना भुलाओगे
कोई जब पूछ बैठेगा ख़ामोशी का सबब तुमसे
बहुत समझाना चाहोगे मगर समझा ना पाओगे
कभी दुनिया मुक्कमल बन के आएगी निगाहों में
कभी मेरे कमी दुनिया की हर इक शै में पाओगे
कहीं पर भी रहें हम तुम मुहब्बत फिर मुहब्बत है
तुम्हें हम याद आयेंगे हमें तुम याद आओगे ।।જગજીત સિંગ
જગજીત સિંગના અવાજમાં આજ સવારથી આ ગઝલ મનમાં ધુમરાતી હતી. આમ પણ જૂનાગીતો અને ગઝલ તેની કમજોરી હતી. આજ થાક અશક્તિ વધારે લાગતા હતાં. ચક્કર, આંખે અંધારા આવતા હતાં…
મનના એક ખૂણામાં અજીબ શાંતિ છવાયેલ હતી, તો બીજી બાજુ મન પૂરી જિંદગીના લેખા જોખા કરવા લાગ્યું.
અત્યાર સુધી જિંદગી સામે કોઈ ફરિયાદ નહોતી, આજ પણ નથી…
કાયમ ઈશ્વર જે કરે તે સારું જ કરે, કે દરેક દુઃખ તકલીફ કર્માધિન કે હરિ ઈચ્છા સમજી હસતાં હસતાં સ્વીકારી હતી.
પણ કહેવાય છે કે ઈચ્છા અને એષણા અંતિમ સમય સુધી સાથ નિભાવે છે. એમ મન પર તેનો ‘સંગ્રહ’ છપાવાની લાલસા યાદ આવી. એક પળ નિશ્વાસ નીકળી ગયો, બીજી પળે હરિ ઈચ્છા, એમ મનમાં બોલીને મન બીજી વાત તરફ વાળ્યું.
જેમ જેમ દિવસ ચડતો ગયો તકલીફ વધવા લાગી. આજ ખબર નહીં કેમ પતિદેવ પણ ઘરે જ હતાં, અને બાળકો પણ.
લગ્નજીવનના આ લાંબા સમયમાં કયારેય પતિથી કશું છુપાવ્યું નહોતું. આ વખતે આ વાત તેમને પીડામાંથી ઉગારવા જ નહોતી કરી. પણ હવે જ્યારે આ સમય નજીક આવતો હતો, તેમ મનમાં ગીલ્ટ વધતું જતું હતું. અચાનક તેના મનમાં વિચાર આવ્યો, ‘આજ સુધી કહ્યા વગર કયાંય નથી ગઈ, તો આ અંતિમ યાત્રા તેમને કીધાં વગર, ના… એ શક્ય જ નથી…’
પતિદેવ પાસે જઈ હાથ પકડી મંદિરમાં લાવી. ઈશ્વર સાક્ષીએ તે તેમની આંખોમાં આંખ પરોવી વાતની શરુઆત કરી. “તે દિવસે તમે પુછયું હતું, કે ડોક્ટર એ શું કહ્યું…? ત્યારે મેં તમારીથી વાત છુપાવી હતી, ડોક્ટરે કહ્યું હતું કે…” ત્યાં તેના મુખ પર હાથ મૂકી તેને બોલતી અટકાવી, “મને ખબર છે, મારે ડોકટર સાથે તે દિવસે જ વાત થઈ ગઈ હતી. પણ તારી હિંમતને અમે તોડવા નહોતા માંગતા, એટલે….” આગળ તે બોલી નથી શકતાં અને આટલા દિવસથી રોકાયેલા આંસુ બંધ તોડી ધસી આવ્યાં.
બાળકો પણ કયારે ચૂપચાપ આવી પાછળ ઉભાં રહી ગયાં હતાં, તે ખબર જ ન પડી. તે બાળકો સામે જોતાં, પહેલીવાર પોતાની જાતને નિસહાય અનુભવી. આંખોના નીર આજ રોકાવાનું નામ જ નથી લેતાં. એકવાર તેનાથી ઈશ્વર સામે ફરિયાદના સૂરમાં જોવાઈ ગયું. પણ ઈશ્વર પરની શ્રદ્ધાએ મન પાછું કઠણ કરી દીધું. આમ પણ, ઈશ્વર તકલીફ જે સહન કરી શકે તેને જ આપે. આ જ તો માનવીની પરિક્ષાની ઘડી કહેવાય…?
અચાનક બાળકો બોલી ઉઠયાં, “મમા યુ નો આજ તારા માટે સરપ્રાઈઝ હશે. પ્લીઝ મમા ગેટ રેડી અને હા મમા, આસમાની પરી લાગવી જોયે તું…”
તેણે પતિદેવ સામે જોયું, પણ તેમણે પણ મંદ મુશ્કાન સાથે મૌન રહેવાનું પસંદ કર્યુ.
તેના મનમાં,
“જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.”
મરીઝની પંક્તિ યાદ આવી ગઈ. તે ઉભી થવા ગઈને ચક્કર આવતાં ફસડાઈ પડી. તેને સહારો આપી બેડરુમમાં લાવી બેડ પર સૂવડાવી. ડોકટરને ફોન કર્યો…
—— ૭ ——
ડોકટરે આવી તેની તપાસ કરી, ઈન્જેક્શન આપ્યું અને આરામ કરવાનું કહ્યું.
બહાર આવી ધરનાને ધ્યાન આપવાનું કહી. કઈ જરૂર પડે તો ફોન કરવાની વાત કરી રજા લીધી. થોડીવાર આરામ કરી તે મહા મહેનતે ઊભી થઈ. તૈયાર થવા લાગી, બહાર તેને ચહલપહલ થતી હોય તેવું લાગ્યું. પણ અત્યારે તેનામાં બહાર જઈ શું ચાલી રહ્યું છે, તે જોવાની તાકાત નહોતી.
ધીરે ધીરે તે તન્દ્રાઅવસ્થા અનુભવે છે. મહામુશ્કેલીથી તે સ્વસ્થ રહેવા પ્રયાસ કરતી રહી. ત્યાં બાળકો તેને બોલાવા આવ્યા. તેનો હાથ પકડી આંખો બંધ કરાવી બેઠક ખંડમાં લાવ્યા. તેને સોફા પર બેસાડી આંખ ખોલવાનું કહ્યું. આંખ ખોલતા રોશનીથી ઝળહળા શણગારેલ ખંડ અને આ શું…? આતો નજીકના સગાસંબંધી સાથે તેના મિત્રો, તેના હ્રદયના આનંદમાં ધબકારા વધી ગયા. ત્યાં બાળકો, “મમા કોગ્રેચ્યુલેશન” કરતા હાથમાં એક ગીફટ થમાવી દીધી…
પતિદેવે પાસે આવી તેને ખોલવાનું કહ્યું.
ધ્રુજતા હાથે તે રેપર હટાવે છે. ત્યાં એક કિતાબ, અને નામ વાંચતા તેની આંખ હર્ષથી નીર વહાવા લાગી. તેનું સ્વપ્ન તેનો કાવ્ય સંગ્રહ તેના હાથમાં હતો.”મેઘધનુષના રંગો”
તે ક્યાંય સુધી હાથ પ્રસરાવતી… મનમાં રમેશ પારેખની પંક્તિ ગણગણે છે…
“માર્ગમાં આવે છે મૃત્યુની પરબ, જ્યાં થઇ હર એક રસ્તા નીકળે..”
મિત્રોના આગ્રહથી તેણે તેની કવિતાનું પઠન કર્યુ. સૌ જમી વિદાઈ થયા, તેણે પોતાની બાહો ફેલાવી બાળકોને પતિદેવને હગ કરી મૌન રહી આંખો અને સ્પર્શથી જ વાતો કરી લીધી. રાતના મોડે સુધી સાથે વાતો કરતાં કયારે નિંદ્રાદેવીના શરણે થઈ ગયાં, ખબર જ ના રહી.
આજ સૂર્યનારાયણ પણ જાણે આ પરિવારના પ્રેમને સમર્પણ પર છાયો બની નશીબની ધૂપથી બચાવવા માંગતા હોય તેમ સંતાઈ ગયાં હતાં.
એલાર્મનો કૂકડો બોલતો રહ્યો, પણ કોઈ આ હુંફ છોડી ઉભું થવા નથી માગતું.
નિયતિના ખેલમાં આગળ શું છે તેનાથી બેખબર હતાં. ડોરબેલના અવાજથી જબરજસ્તી ઉઠવું પડયું..
આજ તકલીફો એની પરાકાષ્ઠાએ પહોંચી હતી. સાથે તન અને મનની લડાઈ પણ.
ત્યાં મનમાં અમૃત ઘાયલનો શેર ગણગણે છે. “તને કોણે કહી દીધું કે મરણની બાદ મુક્તિ છે,
રહે છે કે એની એ ફક્ત દિવાલ બદલે છે.”
મંદિરમાં ઈશ્વરસામે હાથ જોડી તેનો દરેક પગલે સાથ નિભાવી આશિષ વરસાવા માટે આભાર માન્યો.
મંદિરમાંથી બાળકોના સહારે રૂમમાં આવી. તેને ટેકો આપી પલંગ પર બેસાડી. પતિદેવ ચા નાસ્તો લાવ્યા. અને તેને થોડું ચા સાથે ખાવા કહ્યું..
મનમાં વિચારી રહી. ખબર નહીં ક્યાં સુધી કે કેટલા સમય સુધી આ સાથ રહેશે…?
મૌત પહેલાં નહી હારવાની જીદમાં તેના પરિવારની પીડા દુઃખ તકલીફ તે ભૂલી જ ગઈ હતી. છતાં તેની ઈચ્છાને સૌએ કોઈ ફરિયાદ વગર આંસુ છુપાવીને માની લીધી.
પતિ બાળકોની સતત તેની આસપાસની હાજરી. એકબીજાથી નજર ચુરાવાની રમત જોતાં. મનમાં મરીઝનો શેર યાદ કરી ગણગણી લીધો..
“મોત વેળાની આ ઐયાશી નથી ગમતી મરીઝ,
કે હું પથારીમાં રહું ને આખું ઘર જાગ્યા કરે.”
ધીરે ધીરે પીડા વધતા મગજ પર કાબુ ગુમાવ્યો, ભાન પણ ગુમાવ્યું, ઘરના આંખોમાં આંસુ સાથે લાચારીથી આ આખરી પળો નિહાળતા રહ્યાં. ડોકટરે આવી તપાસી ઈશ્વરની ઈચ્છા કહી છૂટી ગયાં.
તેની અંતિમ સમયની પીડા લવારી વધતા ગયા. સાથે ઘરનાંની લાચારી પણ… આ કેવી પરિસ્થિતિ સૌથી પ્રાણપ્રિય વ્યક્તિના મૌતની રાહ જોવી.
ત્યારે ભગવતીકુમાર શર્માની પંક્તિ આવાજ કોઈ સંજોગને ઉજાગર કરતી લાગી..
“મોત જો મોડું કરે તો હું શું કરું, મારી તો હંમેશા તૈયારી હતી.”
ઈશ્વરના દરબારમાં તેના પોતાના નિયમને કાનુન. દરેક વ્યક્તિ એ કર્મના હિસાબે પીડા ભોગવવી જ પડે. આ વહેલું કે મોડું સૌને ભોગવવું જ પડે..
બસ….
ઈશ્વરના ફેસલાની રાહમાં..
અસ્તું…
~ કિરણ પિયુષ શાહ “કાજલ”
Leave a Reply