અમેરિકાના લાખો લોકાના મુખ પર હાસ્યની હેલી વરસાવતું મેગેઝિન એટલે ‘મેડ’. મેડએ એક અમેરિકન સર્કાસ્ટિક હ્યુંમર્સ મેગેઝિન છે. ૧૯૫૨મા મેડની શરૂવાત કોમિક તરીકે થઇ હતી. આનો પહેલો અંક એડિટર હાર્વે કુર્ટઝમેને એકલાએ જ તૈયાર કર્યો હતો. ત્યારપછી વર્ષ ૧૯૫૫મા આને મેગેઝિનનું સ્વરૂપ આપવામાં આવ્યું.
મેડે ૧૯૫૦ પછી અમેરિકન સંસ્કૃતિમાં રાજકારણી, સરકારી નીતિઓ, સિને કલાકારો, પોપ કે રોક ગાયકો, ટીવી શ્રેણીઓ, મેક ડોનાલ્ડ કે કોક-પેપ્સી જેવા જાહેર ઉત્પાદન, જાહેરખબરો અને જાહેર જીવનમાં જે કંઈ કે કોઈ પ્રભાવકારક કે લોકપ્રિય થયા એ બધાની મેડએ અત્યંત કડવા થઈ સતત ચીરફાડ કરી છે. પછી એ બિલ ક્લીંટન હોય કે માઈકલ જેક્સન જેવો વિશ્વ પ્રસિદ્ધ ગાયક ડાન્સર હોય, ટાઈટેનિક જેવી સૂપર ડુપર હિટ અને લોકપ્રિય ફિલ્મ હોય કે આર્ચી જેવું ખ્યાતનામ કોમિકસ હોય. હાલમાં જ એણે ૨૦૨૦માં થનારી અમેરિકન રાષ્ટ્રપતિની ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઉભા થનારા ઉમ્મીદવાર પીટ બટ્ટીગીગનું શંભુકર ન્યુમેન દ્વારા મજાક ઉડાવ્યો હતો એમને સમજમાં જ ના આવ્યું. ૩૭ વર્ષના પીટે કહ્યું કે એમણે આ વિશે ગૂગલ પર ખૂબ શોધ કરી પણ એ સફળ થયા નહીં.
આ મેગેઝિનના વખાણ હોલિવૂડના કલાકારોએ ઘણીવાર કર્યા છે. મેડે પ્રસંગોપાત દરેકના એવા છોતરાં ઉડાડ્યા કે અમેરિકન પ્રજાનો સમગ્રપણે જોવા, સમજવા અને પારખવાનો દર્ષ્ટિકોણ બદલાઈ ગયો. ૧૯૯૪ માં બ્રાયન સીએનો નામના મેડના એક વાંચકે મેડના પ્રભાવ વિશે એક ચર્ચામાં જણાવેલું કે બે દાયકા (50 અને ૬૦)ની ચતુર પેઢી માટે મેડે જાણે રહસ્યોનો ખુલાસો કરવાની ભૂમિકા ભજવી. સૌ પ્રથમ મેડે જ દર્શાવ્યું કે બજારમાં વેચાતા રમકડાં વાસ્તવમાં કેટલા ભંગાર છે, અમારા શિક્ષકો કેટલા પોકળ છે, અમારા રાજકીય નેતાઓ કેવા મુર્ખ છે, અમારા ધાર્મિક આગેવાનો કેટલા દંભી છે, એક આખી પેઢી માટે વિલિયમ ગેઇન્સ (સ્થાપક તંત્રી) ગોડફાધર હતા. આ જ પેઢીએ પછી પરિપક્વ થઇ લૈંગિક સ્વાતંત્ર્ય, પ્રકૃતિ બચાવ, શાંતિ ચળવળ, કળા સ્વાતંત્ર્ય અને અન્ય અનેક ઉમદા પ્રવૃતિઓ હાથમાં લીધી અને ફેલાવી. આ એક યોગાનુયોગ નથી પણ મેડનો આ સહુમાં ફાળો છે. સમાજમાં નૃતનીકારણ જેવું આ કામ મેડે સામાયિકમાં વ્યંગ્ય ચિત્રો, ઠઠ્ઠા ચિત્રકથા, ફિલ્મ-ટીવી વિશેની ચિત્ર શ્રેણી, કોમિક્સના ચિત્રપટ્ટીમાં અનુસર્જન, પ્રખ્યાત ગીતોના પ્રતિ ગીત, ખૂબ ફેલાતી જાતજાતના વિનોદી રજૂઆતના પ્રકારો છાપી કર્યું.
મેડની રમૂજ ‘આત્યંતિક રમૂજ’ હતી, રમૂજના જેટલા પ્રકારના છે એમાના સાવ છેડાના પ્રકારની રમૂજ. જો કોઈ વ્યક્તિ ફક્ત હસવા માટે જ આ સામાયિક વાંચે તો એ હેબતાઈ જાય એવું બની શકે. કારણ કે મેડ આપણી નિશ્ચેતનાને મારીને હાસ્ય નિપજાવે છે. જે સામાન્ય હ્રદય ઘરાવતા વાંચકને ક્રૂર પણ લાગી શકે છે, પરંતુ આ ક્રૂરતા હિંસાના મહિમા ગાવા માટે નહીં પણ હિંસાની અર્થ શૂન્યતાને દર્શાવવા માટે રહેતી. દાખલા તરીકે હોસ્પિટલ કેવી હોય છે. આ વિષય પર મેડની એક ચિત્રકથામાં દર્શાવ્યું છે કે એક અનુભવી ડોક્ટર અન્ય શિખાઉ ડોકટરને તાલીમ આપી રહ્યા છે. એક ચિત્રમાં એક નવજાત શિશુને બે પગે ઊંધું ઝાલી એની પીઠ પર હાથ ટપારી ડોકટર સમજાવે છે કે બાળકને આમ ઝાલીને અહીં ટપારવું જેથી એ રડશે. બીજા ચિત્રમાં એ નવજાત બાળક ડોકટરના હાથમાંથી સરકીને બારીની બહાર ઉડી જાય છે, ત્યારે પેલો શિખાઉ બધાની જેમ બધું જોયા કરે છે અને અનુભવી ડોકટર સહજતાથી બધાને કહે છે “જોયું” નવજાત શિશુનું શરીર ખૂબ નાજુક અને ચીકણું હોય એટલે પીઠ પર ટપારતી વેળાએ ખૂબ ધ્યાન રાખવાનું”. હોસ્પિટલમાં શિખાઉ ડોકટરો દર્દીઓના જીવના જોખમે અનુભવ લઈને અનુભવી ડોકટર બને છે. જેની દર્દીઓને જાણ પણ નથી હોતી. આ અંગે મેડે રજૂઆત કરી હતી.
મેડના નિયમિત ફ્રીચર્સમાં માનવામાં ન આવે એવા વિષયોની ચિત્રકથાઓ આવતી. જેલમાં કેદીઓ સાથે થતું વર્તન કે પછી જાહેરમાં અપાતો દેહદંડ, સપર્ધક જાસુસી સંસ્થાના જાસુસ એક બીજાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને આ બધું જ રમૂજના સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવતું. મેડની કેટલીક ચિત્રકથા જોઇને ક્યારેક હસું આવે અને ક્યારેક લોહી થીજી જાય. જાહેરમાં દેહદંડ વિશે મેડની એક ચિત્રકાથામાં દર્શાવ્યું હતું, જેમાં એક ગામના ચોક વચ્ચે એક માણસનું માથું કુહાડીથી કપાવાનું છે અને લોકો એ જોવા ગોળાકારે ભીડમાં ઉભા છે. એક માણસ આ ગામમાં પહેલીવાર આવે છે અને એ આ વધ જોવા માટે ખૂબ ઉત્સુક છે. એ પ્રેક્ષકોની હરોળમાં એકદમ આગળ જઈને વધ કેવી રીતે થાય છે, એ જોવા ઈચ્છે છે. પણ એને એનો મિજબાન ખૂબ નજીક જતા એમ કહીને રોકે છે કે “પહેલી ત્રણ હરોળ છોડીને જ હંમેશા ઉભા રહેવું.” ઉત્સાહી નવોદિત મન મારી એના મિજબાન સાથે ચોથી હરોળમાં ઉભો રહે છે. વધની વિધિ શરુ થાય છે. કુહાડીથી વાર કરનાર જલ્લાદ ગુનેગારનો વધ કરતા પહેલા સ્ટાઈલમાં એની કુહાડી હવામાં ગોળ ફેરવે છે અને પ્રેક્ષકોની પહેલી ત્રણ હરોળના લોકોના માથા કપાઈને ઉડી જાય છે! પહેલી વાર વધ જોવા આવેલો પ્રેક્ષક ફાટેલી આંખે નિર્દોષ પ્રેક્ષકોના કપાઈને ઉડતા ડોકાઓ જોઈ રહે છે અને એનો મિજબાન સ્મિત કરતા કહે છે “એટલે કહેતો હતો કે હમેશા પહેલી ત્રણ હરોળ છોડીને ઉભા રહેવું”
આવી કટાક્ષ કરતી ચિત્રક્થાઓ મેડમાં પ્રકાશિત થતી હતી અને આવા બીજા અનેક વિષયો અને વ્યક્તિ ઉપર વ્યંગ કરતી ચિત્રકથાઓ આવતી હતી. મેડમાં કામ કરતા કલાકરો માટે લખ્યું હોય છે કે ‘યુઝવલ ગેંગ ઓફ ઈડિયટ્સ’ (એટલે પેલી નમૂનાઓની ટોળી), આવી ખતરનાક ટોળકી ભેગી થાય પછી કોઈની ખેર નથી. મેડ ફિલ્મો, પુસ્તકો, ટીવી સિરીઝ , અને બીજી બધી બધી વસ્તુઓનું મેડમાં મજાક ઉડાવવામાં આવે છે. ક્યારેક કોઈની લાગણીઓને દુભાવે એવું હોવા છતાં અમેરિકામાં તે ચાલ્યું જ નહીં, એવું ચાલ્યું કે તે વીસમી સદીની, મહાન અમેરિકન સંસ્થાઓમાં ગણતરી પામે છે
મેડમાં રમુજી તોફાની ચિત્રો દોરનાર એક અલગ વ્યક્તિ હોય અને તેની સાથેનું લખાણ કરનાર બીજો વ્યક્તિ. કેટલાક કાર્ટૂનિસ્ટો એવા પણ હોય જે ઓછા શબ્દો વાપરીને ચિત્રો બનાવીને આપે. પણ મેડની આશ્ચર્યચકિત કરનારી ઘણી બધી બાબતોમાંની એક છે તેનું વિષયવૈવિધ્ય. ‘મેડ’ના હાસ્યની અને તેના વાંચનની મઝા એ છે કે એ વાંચનારને ફક્ત આનંદ આપવાની સાથે સાથે એને જાગૃત પણ કરે છે.
અમેરિકામાં અનેક ક્ષેત્રોની અમેરિકન હસ્તીઓને હસાવતાં જોરદાર ફટકા મારવામાં મેડ મોખરે રહ્યું છે. મેડના ઘણાં અંકોના કવરપેજ પર નાકના ભાગે ટપકાં, તૂટેલો દાંત ધરાવતો એક ચહેરો અનેક સ્વરૂપે જોવા મળે. તેનું નામ આલ્ફ્રેડ ઈ. ન્યુમેન રાખ્યું છે. આ કાલ્પનિક ચહેરો મેડની શોધ ન હતો. ત્યાર પહેલા વર્ષોથી તે જાહેરખબરોમાં એક કે બીજી રીતે બાળકોના ચહેરા તરીકે ચિત્રમાં દેખાતો હતો. જેમાં બાળસહજ નિર્દોષતા કરતા મુર્ખામીભર્યા ઉત્સાહનું તત્વ વધારે હતું અને મેડને એ ખૂબ ઉપયોગી બની ગયું. શરૂવાતના થોડા અંકોમાં નામ વગર કે જુદા નામે આ ચહેરો આવતો રહ્યો અને ત્યાર પછી ૧૯૫૬મા જન્મ થયો વીસમી સદીના મહાન પાત્ર એવા ‘આલ્ફ્રેડ ઈ. ન્યૂમેનનો’. સાથે જ ન્યૂમેનનું સૂત્ર ‘ what, me worry?’ પણ અમરતા પામ્યું છે. બેફિકરાઈ સૂચવતા what, me worry નું ગુજરાતી ‘ શું, હું ચિંતા કરું છું?’ કે આપણી સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો ‘આપણને કઈ ફેરના પડે, એક બે અને સાડા ત્રણ’ જેવું કંઇક થાય.
જો કે કવર પેજમાં ઘણી વાર ન્યૂમેનનો ચહેરો ન હોય, તો પણ કોઈને કોઈ પ્રતિક કે અંગસ્વરૂપે તેની હાજરી હોય જ છે. જેમ કે ‘ટાઈટેનિક’વાળા કવર પેજ પર, દરિયામાં ટાયરમાંથી બહાર નિકળતા બે પગ દોરાયેલા છે. જો કે મેડના પ્રેમીઓને કહેવાની જરૂર નથી પડતી કે એ પગ કોના છે.
આવી હાસ્ય અને વ્યંગની પ્રસ્તુતિના કારણે મેડ માંગેઝિને ૭૦ના દર્શકમાં જ ૨૦ લાખ જેટલા વાંચકો ઘરાવતી હતી. પણ હવે લગભગ ૬૭ વર્ષ સુધી લાખો અમેરિકન વાંચકોના ચહેરા પર સ્મિત લાવનારું વ્યંગિક મેગેઝિન મેડનું પ્રકાશન બંધ થવા જઈ રહ્યું છે. ઓગષ્ટમાં આનો છેલ્લો અંક બજારમાં આવશે અને હવેથી મેડ ફક્ત જૂની સામગ્રી અને વાર્ષિક વિશેષાંક જ બહાર પાડશે.
~ હર્ષિત કોઠારી
Leave a Reply