સલામ બોમ્બે – ફિલ્મ રીવ્યુ
◆ રિલીઝ વર્ષ – ૨૪ ઓગસ્ટ, ૧૯૮૮ (ફ્રાન્સ)
◆ જોનર – ક્રાઈમ & ડ્રામા ફિલ્મ
◆ ડાયરેક્ટર – મીરા નાયર
◆ પ્રોડ્યુસર – મીરા નાયર
◆ સ્ક્રીન પ્લે – મીરા નાયર & સોની તારાપોરેવાલા
◆ લીડ એક્ટર્સ – સફિક સઈદ (ચાઇપાઉ), નાના પાટેકર, ઇરફાન ખાન, રઘુવીર યાદવ (ચિલ્લ્મ), હંસા વિથલ (મંજુ), અનિતા કંવર (રેખા), ચંદા શર્મા (સોલાસાલ)
◆ રીવ્યુ રેટિંગ – ૪.૫ આઉટ ઓફ ૫
◆ જોવી કે ન જોવી…? – એ રીવ્યુ વાંચ્યા પછી જાતે નક્કી કરવું.
ઝાંઝવાના જળ પાછળ દોડતી બોમ્બે સ્ટ્રીટની અનેકો ઝીંદગીની દાસ્તાન… ક્રિષ્ના એના ભાઈની બાઇક સળગાવી મૂકે છે અને એની મા એને કહે છે, કે ઘરે ત્યારે જ પાછો આવજે જ્યારે બાઇક રિપેરના ૫૦૦ કમાવીને લાવે… આ છે શરૂઆતી બેકગ્રાઉન્ડ…
કેટલું વાસ્તસિક રિઝલ્ટ એ રામ જાણે, પણ ગૂગલ પર સર્ચ દરમિયાન મળેલી ઓસ્કાર નોમીનેટેડ મૂવીઝ લાઇન અપ માંથી એક એટલે બોમ્બેના (જુના સમયના બોમ્બે – ધેટ ટાઈમ ઇટ જસ્ટ અ બોમ્બે, નોટ અ મુંબઇ) સ્ટ્રીટ ચાઇલ્ડના વિખરાયેલા, રખડતા અને ફફડતા જીવનની આબેહૂબ અદાકારી દર્શાવતી સલામ બોમ્બે. ખાસ કોઈ સ્ટોરી સમજાય એવી નથી, પણ પ્રસંગોના મિશ્રિત ભાવાર્થને ગળે ઉતારવાની દ્રષ્ટિએ વેશ્યાવૃત્તિ, બે નંબરીયા વ્યવસાય અને સડકો પર ખોવાયેલું જીવન દર્શાવતી જીવંત ફિલ્મ… મેઈન પાત્ર તરીકે ક્રિષ્ના (જેનું નામ અહીં બોમ્બેમાં આવ્યા પછી માત્ર ચાયપાઉ જ રહી ગયું છે.)
ફિલ્મની શરૂઆત સરકસના વિસર્જિત થતા મંડપથી થાય છે, જેના નંબરીયા પડતા પડતા મુખ્ય પાત્ર એટલે કે ક્રિષ્ના (ચાયપાઉ) બોમ્બે પહોંચી જાય છે. જો કે એનાથી પહેલાની સ્ટોરી ક્રિષ્ના કઇ રીતે સરકસ સુધી આવે છે એ અલગ છે. બાઇક ફાયર અને ૫૦૦ ભેગા ન કરી લાવે ત્યાં સુધી ઘરે ન આવવાની મા દ્વારા અપાયેલ ધમકી. જો કે એનાથી આગળ સરકસમાં જાણી જોઈને પાછળ છોડી દેવાયેલો અથવા છૂટી ગયેલો, આ ક્રિષ્ના પોતાના જાણીતા સરકસના સ્થાનની શોધમાં હાથમાં ત્રણ તંબાકુના ડબ્બા સાથે મુંબઇ આવી પહોંચે છે. ત્યાર બાદ તો બસ શરૂઆત, અંત અને મધ્યમાં સતત સ્ટ્રગલ અને દુઃખોમાં વલોવાતું બેજાન જીવન.
★ સ્ટોરીલાઈન અને એક્ટિંગ – સ્ટોરીલાઈન સામાન્ય રીતે જરાય ન સમજાય એવી અને જોતા જોતા જરાય સમજવાની જરૂર પણ ન પડે એવી સરસ લોભામણી, અને રસપ્રદ છે. એક્ટિંગમાં દરેકને સલામી મળે એટલી ઉત્તમ કક્ષા છે. કદાચ આટલા બધા એવોર્ડ્સ અને આટલા બધા દેશોમાં કરેલી ઢગલાબંધ કમાણી આ ફિલ્મના સકારાત્મક ગુણોને દર્શાવે છે. સ્ટોરી લાઇન દિવસ બાય દિવસ આગળ વધતી રહેતી હોવા છતાં દરેક મિનિટે કંઈક નવીન આવવાની ચાહના, તલપ અને રહસ્યને જાળવી રાખે છે. ઇન શોર્ટ પ્રેક્ષક પર પકડ સતત જકડાયેલી રહે છે.
★ ડાયરેક્શન, મ્યુઝિક અને વહેતો પ્રવાહ – ચિલ્લ્મ, ચાયપાઉ અને બાબાની એક્ટિંગ દાદ માંગી લે એવી છે. જો કે ટાઈપ રાઇટર તરીકે ઇરફાન ખાનનો નાનકડો રોલ પણ એક રણમાં પડતા ટીપાં જેવો અહેસાસ કરાવે છે. મ્યુઝીક અને સ્ટોરીલાઈન પણ ફિલ્મના હાર્દ ગુણને સમાંતર ચાલે છે. શરૂઆતથી અંત તરફ સરતી ઝાંઝવાના જળ પાછળની દોડ સતત રોમાંચ અને ચાહતના તારોને ઉપર નીચે ઉછાલ્યા કરે છે.
★ નાના પાટેકર – પત્ની અને પુત્રીના જીવનની ખટકતી પીડામાં… – નાના પાટેકર એટલે કે ફિલ્મમાં બાબા ના રોલમાં છે. આ એજ બાબા જે વેશ્યાલય વ્યવસાયમાં તેમજ ગાંજા, ચરસ તેમજ અફીણ જેવા કેફીન તત્ત્વોના વેચાણમાં પણ મહત્વનું નામ છે. પત્ની સાથેના વાયદાઓ ન નિભાવી શકવાથી પત્ની ના ખુશ છે, સોલાસાલ સાથેના સબંધના કારણે કોઠાની માલિકે એને આવવાની ના પાડી દીધી છે. અને ધંધામાં આવક સતત ઘટતી જઈ રહી છે. દીકરીનો પ્રેમ અને પત્નીને આપેલા વાયદાઓમાં સતત નિષ્ફળ નિવડતો પતિ કઈ સ્થિતિમાં હોઈ શકે…? જેની પત્ની પોતે જ પોતાનું શરીર વેચીને ઘર ચલાવતી હોય…?
★ સોલા સાલ – મુર્જાયેલું ફૂલ ખીલવાની ચાહનામાં… – ઓચિંતા જ ફિલ્મમાં ૧૬ વર્ષ આજુબાજુનું પાત્ર ગામડેથી લાવીને મુંબઈના વેશ્યાલયમાં વેચાય છે. જેના કૌમાર્યની કિંમત લગાડીને એને વેશ્યાવૃત્તિમાં ધકેલવા તૈયાર કરવામાં આવે છે. આ એજ સોલા સાલ છે જે બાબા એટલે કે નાના પટેકરના પ્રેમમાં પડે છે, અને જાણે અજાણે ફિલ્મનો લીડ હીરો એટલે કે ફાટેલા, તૂટેલા ચીંથરેહાલ કપડે મુંબઈની સ્ટ્રીટમાં ચા વેચતો ચાયપાઉ (ક્રિષ્ના) એના પ્રેમમાં પડે છે. સમજ બહારનો નિઃસ્વાર્થ પ્રેમ અને છેતરામણી વાળો પ્રેમ સોલાસાલને સમજાતો નથી. અંતે તે પોતાના જીવનની સમસ્યાઓને લઈને બાબાના પ્રેમના આધારે જ જીવે છે. કિશના એના પ્રેમના આધારે જીવે છે અને કોઠાની મલિક એના દ્વારા મળનાર મસમોટા રૂપિયાના બંડલના. આમ, દરેકનું નસીબ અવળા પાટે ચડતું જાય છે. સોલા સાલ અંતે કૌમાર્ય માટે વેચાઈ જાય છે. જે દ્રશ્ય પણ આ ફિલ્મના અંતમાં આવે છે, જ્યાં બધી કહાનીઓ ભેગી થાય છે.
★ ક્રિષ્ના – મુલ્ક (પોતાની મા પાસે ગામ) જવા માટેના પૈસા ભેગા થવાની રાહમાં… – લીડ હીરો કહો, મુખ્ય પાત્ર કહો કે પછી ફિલ્મનો અધાર સ્તંભ કહો તો પણ ચાલે. ફિલ્મની શરૂઆતમાં પોતાના લોકોથી છૂટો પડેલો અથવા પાડી દેવાયેલો એની સ્પષ્ટતા ફિલ્મમાં ક્યાંય નથી થતી. સરકસના ગ્રૂપને શોધવા એ મોટા શહેરની ટીકીટ લઈને બોમ્બે આવી જાય છે. ઓલડેસ્ટ બોમ્બેમાં એના જીવનની રાહ સતત મુસીબતોમાં ઘેરાયેલી રહે છે. કાકા સાથેના ઝગડા, નાના પાટેકર સાથે ઝઘડા, સોલાસાલને ભગાડી જવાના લફડામાં ઝઘડા, વાંક ગુના વગર પોલીસના હાથે પકડાઈ જવાની ચિંતાઓ જેવા સતત મુસીબતોમાં ઘેરાયેલો કિશના અહીં માત્ર ચાયપાઉ બનીને રહી ગયો છે. જેનું એકમાત્ર અંતિમ સપનું છે, ૫૦૦ રૂપિયા ભેગા થાય તો જેમ તેમ કરીને ગામ (મુલ્ક) નીકળી જવું. પણ, અંતિમ ક્ષણ સુધી આ સપનું સાકાર નથી થતું… એક રીતે આખી ફિલ્મ મૃગઝળ પાછળની ક્રિષ્નાની દોડ જ ગણી શકાય. જો કે દરેક પાત્રો ઝાંઝવાના જળ પામવા જ તો દોડતા હોય છે… બાબા પરિવારની ખુશી માટે, કિશના સોલાસાલને પ્રેમ માટે, સોલાસલ બાબાના પ્રેમ માટે, મંજુ પરિવાર પ્રેમ માટે, રેખા પતિના સાથે સુખી જીવન માંટે… અને અંતે જીવનનું કડવું સત્ય સામે આવે છે ત્યારે રેખાના જાહેનમાં એક જ વાક્ય ઉભરાઈ રહે છે… ‘એ બંબઈ હે યહા તું અકેલી કભી સુખી જીવન નહીં જી પાયેગી. યે ભૂખે લોગોસે ભરિ બોમ્બે તુજે નોચ ડાલેગી…’ આ કથની અંતમાં સાચી પડે છે…
★ ચિલ્લર – વ્યસનથી આદત અને આદતથી મૃત્યુ તરફ… – ચિલ્લર એટલે બોમ્બેમા ચાયપાઉનો મંજુ અને રેખા પછીનો એકમાત્ર મિત્ર. જેના માટે ક્રિષ્ના ઘણા પૈસા ગુમાવે છે. ચિલ્લ્મ બાબા સાથેમાં કાળા વ્યવસાયમાંથી છૂટ્યા પછી, પોતાની આદતોના સકંજામાં સતત જીવનથી પોતાની દુરી બનાવતો જાય છે. અંતે બાબા સાથેના ધંધામાંથી છૂટ્યા પછી ગાંજાના નશામાં એ પોતાના પ્રાણ ગુમાવી દે છે. નાનું વર્ણન છતાં ફિલ્મમાં સૌથી અહમ છાપ છોડવામાં સક્ષમ એક્ટિંગ કરી જાણી છે.
★ મંજુ – વેશ્યાલયમાં સ્વતંત્ર જીવનની શોધમાં તડપતું બાળપણ – મંજુ એટલે કે બાબા અને રેખાનું સંતાન. તેમજ ક્રિષ્ના સાથેના દરેક પ્રસંગમાં એના કદમ પર કદમ મિલાવીને ચાલતું પાત્ર. પાંચેક વર્ષની ઉંમરનું આ પાત્ર વાસ્તવિક જીવનના ઘણા પ્રસંગોને આબેહૂબ દર્શાવવા સક્ષમ કાર્ય કરે છે. વેશ્યાલયમાં રહીને ખુશીઓથી ભરપૂર જીવનની ચાહના આ ફિલ્મમાં મંજુની પણ ઝાંઝવાની પાછળ મુકાયેલી દોટ જેવું છે. જો કે કોઈ અમિર વ્યક્તિના લગ્નમાં વાસણ ધોવા જેવા કામ માટે એ ક્રિષ્ના સાથે જાય છે, અને ત્યાંથી આવતા પોલીસના હાથમાં એ પકડાઈ જાય છે. આ વાંક ગુના વગર પકડીને એમની મહેનતના ચાલીસ રૂપિયા પણ ઝડપી લેતું પોલીસનું એ દ્રશ્ય આજની અને એ સમયની ખાખીની વાસ્તવિક નગ્નતાને આપણી સમક્ષ રજુ કરે છે. ત્યાર બાદ હીરાસતમાંથી મંજુને બાળકોના સંગ્રહ કેન્દ્રમાં મોકલી દેવામાં આવે છે, જ્યાંથી પાછા આપવાની સરકાર મંજૂરી નથી આપતી. સામે કિશના એમાંથી ભાગવામાં સફળ થઈ જાય છે. દીકરી છીનવાયાનો આ ધક્કો ન સાહેવાઈ શકવાથી રેખા ઘર છોડી દે છે. આ દરમિયાન થતા સંઘર્ષમાં ક્રિષ્ના બાબાને ચકકુના ઘા વડે ઝખમી કરીને રેખા સાથે ભાગી જાય છે. જો કે ત્યાં બાબાની વાત સાચી ઠરે છે. ગણપતી વિસર્જનમાં ટોળાઓમાં રેખાનું શરીર ભૂખ્યા વરુઓ આગળ નંખાયા જેવું ધક્કામુક્કીમાં શોષાય છે. જો કે આગળનું વિચાર પ્રયાણ પ્રેક્ષકો માટે મૂકીને સ્ટોરી પાછી કિશના તરફ વળી જાય છે.
★ ફિલ્મનો કરુણ અથવા મધ્યમાં ઝૂલતો અંત… – ઝાંઝવાના જળ કોઈના હાથમાં નથી જ આવતા. ન તો કોઈની તરસ છીપાય છે, કે ન એને પામવાની લાલસા મનમાંથી જાય છે. સીડીઓમાં બાબા કરાહી રહ્યો હશે, સોલાસાલનું કૌમાર્ય વેચાઈ ચૂક્યું હશે, મંજુનું ભાવિ છીનવાઈ ચૂક્યું હશે, રેખાનું અસ્તિત્વ હણાઈ ચૂક્યું હશે જેવા ઘણા પ્રશ્નોને ગર્ભમાં મૂકીને ફિલ્મ સતત અંત તરફ અગ્રેસર થતી જાય છે. આ સ્થાને સ્ટોરીલાઈનના બધા જ પ્રસંગો ત્રિવેણી સંગમના જેમ ભેળવાઈ જાય છે.
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૨:૩૪ pm, ૭ જૂન ૨૦૧૮ )
Leave a Reply