જરી પાછું ફરી ને જોયું તો રસ્તા મળી ગ્યા છે.
રહીને સ્થિર વિસ્તરવાના આ નકશા મળી ગ્યા છે.
બધો યે ભાર હળવો થઈ ગયો આ એક વાતે કે –
જવાબો ગૌણ છે, પ્રશ્નો અગર સાચા મળી ગ્યા છે.
પીએ છે તાપ કેસુડા ને,એનો દબદબો જોઈ,
થયું કે, ખુદ્દને ઘડવા નોખા અજવાળા મળી ગ્યા છે.
અષાઢી મેઘમાં મીઠાસ દરિયાની વરસતી’તી,
નદીને દોડવા કારણ તરોતાઝા મળી ગ્યા છે.
સમજની ઢાલ સાથે તીર તર્કોના હતા એથી,
સમય સામે ટકી રહેવાના સધિયારા મળી ગ્યા છે.
હતું એક વૃક્ષ આખું બીજમાં, એ તથ્ય જાણીને,
હકીકત થઈ જવા સપનાને ધબકારા મળી ગ્યા છે.
સતત એ મારી સાથે હોય છે, એ વાત સાબિત થઈ,
ગઝલમાં એના હોવાના સહજ પરચા મળી ગ્યા છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply