ખોટું-ખરું કરીને, ધાર્યું કરી જવાનો !
આ તો સમય છે અંતે, થાળે પડી જવાનો !
વિસ્તાર ડાળખીનો, કરવો હતો ને એથી,
શીખ્યા છે પાંદડાઓ, નુસખો ખરી જવાનો !
સંજોગ. . તું અડીખમ, થઈને ભલે ને આવે,
મેં તો ઈરાદો રાખ્યો, ઝરણું થઈ જવાનો !
પગભર થઈ જવાયું, આ સત્ય જાણવાથી,
પડછાયો પણ તમસમાં, સાથે નથી જવાનો !
હૈયામાં હામ રાખી, ચૈતરનો રાગ સૂણ્યો,
એના પ્રભાવે દરિયો, વાદળ બની જવાનો !
તારો તું મોહ છોડી, ને ચાલ તારી સાથે,
હળવાશનો ઈજારો, સ્હેજે મળી જવાનો !
તું ‘ હાથ ખાલી છે ‘ નો, અફસોસ કાં કરે છે ?
ચાહતને આપ મોકો, હૈયું ભરી જવાનો !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply