બહુ લખ્યું રોજ સાચું ખોટું નવી જૂની કલ્પનાઓ ભરીને
આજે તો બસ તને આલેખું ને તને ચિતરૂં સ્નેહમાં સરીને
આજે બસ હું અને તું બાકી કશું નહી
હું અને તું કેટલું ચાલ્યા,સાથ સાથ હાથમાં હાથ પરોવીને
ના મેં ખાડા દીઠાં નાં ટેકરા,સઘળે વેર્યા ફૂલો ટોપલા ભરીને
આજે બસ હું અને તું બાકી કશું નહી
આપણા મારગ ના પાનખર આવી,રહી વસંત મને અડકીને
ના કટુ વચન,ના મહેણાં ટોણા,તે ઢોળ્યો પ્રેમ આભ ભરીને
આજે બસ હું અને તું બાકી કશું નહી
માણસનું મન કદી ખોટું વિચારું,તું રાહ બતાવે હાથ ઝાલીને
બની ચંચળ હું ભાન ભૂલું ને,તું બાંધે પાળ મીઠી હઠ ભરીને
આજે બસ હું અને તું બાકી કશું નહી
મારું કહી જે રૂડું સજાવ્યું તનડું,એ જાશે સમય સાથ સરીને
છેવટ લગી તું દેજે સાથ,આજ માગું આટલું હું સ્વાર્થ ભરીને
આજે બસ હું અને તું બાકી કશું નહી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply