એકબીજાનાં દોષ જોવાનું જો રહેવા દઈએ તો સારું,
આ સારું કે ખોટું એ તોલવાનું જવા દઈએ તો સારું.
ચડતાંને પકડી લોક ઉપર ચડે, ના પડતા સાથ પડે,
પકડા પકડી છોડીને, આગળ વધવા ચડીયે તો સારું.
કાચા ફળ ખવાય નહિ, ને પાકાં પડી રહેલા ગંધાય,
કહોવાયેલું કાપી, બાકીનું બચાવવા સહીએ તો સારું.
દરિયો અફાટ છલકાય, રણમાં મૃગજળ સામે વર્તાય,
તરસ્યાં કાજ કૂવાથાળ, પાણી પીવા ભરીએ તો સારું.
ધર્મના નામે ધતિંગ અને પ્રભુ સામે અન્નકૂટ વેડફાય,
એ ભૂખ્યા પેટનો ખાડો અન્નથી પુરવા દઈએ તો સારું.
નક્કી થયેલી ક્ષણો મહી આ જીવન અટકી જવાનું,
અટક્યા પહેલા સાચું જીવન જીવતા જઇયે તો સારું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply