કોઈ નહિ એક ઝાડ મારશે નહોતી જાણતી
પિતરાઇ ભાઈ કેમ મારશે નહોતી જાણતી.
જળથી સિંચન કરવું એ હતું પ્રયોજન મારું
છેવટ લગી આશા એ જીવન તારશે મારુ
થડ ઉપર કોતર્યું હાથે એ નામ રોજ વાંચતી,
આ બહાને છેવટ સુધીનો સંગાથ જાણતી
કોઈ નહિ એક ઝાડ મારશે નહોતી જાણતી.
ખરતાં પર્ણો સાચવી રાખવા હતું કામ મારું
છેવટ લગી આશા નિર્જીવ તન બાળશે મારુ
ખરતાં ફૂલો બહુ જતન કરી એને જાળવતી
ફૂટતાં એના પાન ઉપર, સપના છે જાણતી
કોઈ નહિ એક ઝાડ મારશે નહોતી જાણતી.
શાખ ઉપર પંખીનાં ટહુકા હતું સપનું મારું
છેવટ લગી આશા એજ મન રાખશે મારુ
આજ મારા સ્વજનો, એ ખયાલમાં રાચતી
પડતા ઝાડ એ છોડી જાશે નહોતી જાણતી.
કોઈ નહિ એક ઝાડ મારશે નહોતી જાણતી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply