વહેલી પરોઢે સપના આંખોને છોડી ફરવા નીકળ્યા
ઝાકળનાં બિંદુઓ પણ ફૂલની પાંખડીઓ પર ટપક્યા
બાળ સૂર્યના જન્મના વધામણાં આવ્યાને આભ ખુશીઓ થી રંગાઈ ગયું.
બહાર આંગણામાં ર્લીમડો હાલ્યો માથે એક કાગડો બોલ્યો.
ઝાંપે લટકેલી મધુમાલતી ડોલી,જુહીની વેલીએ સુર પુરાવ્યો.
સુકાઈ ગયેલા ફૂલોને જીવતર મળ્યું, જાણેકે મહેકવા બહાનું જડયું
અંતરમાં પહેલીવાર આનંદના એધાણ લાગ્યા હું સમજી ગઈ કે તું આવ્યો
રાત જોયેલા સપના સાકાર થયા જીવનમાં ખુશીઓને આવકાર મળ્યો
જીવનમાં કેટલા પડકાર ઝીલ્યા બદલામાં પ્રેમનું વાવેતર મળ્યું ….
પવનનું એક ઝોકું આવ્યુંને માથાની બધી સફેદી ચમકી.
બારસાખે ટેકેલો હાથ ધ્રુજ્યો અને આંખોને ઝાંખપ વળી
ઉંમર આખી વિરહમાં ગઈ હવે જાતી વેળાએ ઇચ્છાઓ ટપકી.
ઓ સમય ! તું પાછો જા થોડું મનભરી જીવી લઉં તેના હાથને હાથમાં ગ્રહી લઉં.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply