વિદાયની વસમી વેળાએ રૂદિયાથી ટહૂકો ભરજો સ્નેહથી.
ના દેતા મને ઊનાં અશ્રુ છેવટ લગી ખંભે ધરજો સ્નેહથી.
પગલામાં પગલા મુકતા નેહથી
બહુ ચાલ્યા આપણે એક થઈ
બાકી રહેલા પથ ભાગ્યમાં,
યાદોમાં રાખી ફરજો સ્નેહથી
હીરા મોતીના કોઈ લોભ નથી, નાકે નથણી દેજો સ્નેહથી
જીભે બહુ ચટકા ભર્યા, તુલસીપાન જીભે મુકજો સ્નેહથી
આખા જીવનભર વેઢાર્યા અમે
આ લાગણીઓના ભાર ખભે
રાખી દિલમા ખાલી એક ખૂણો
છબીને દિવો કરજો સ્નેહથી
તારું મારું બહુ કર્યું હવે જાવા ટાણે માફ કરજો સ્નેહ થી
આખર છોડી સઘળી માયાજાળ અંગુઠે અગ્નિ ભરજો સ્નેહથી
આ માનવ વન છે વાત માનજો
ઝાડ ગયું થઈ જગા જાણજો
રાખ ગરમ હો’તો દેજો સમય ,
રહેલા અસ્થી વીણજો સ્નેહથી
મારી આખરી વિનંતી ,હે મારા નાથ તમે માનજો સ્નેહથી
હું છોડું છું મારું સઘળું હવે હાથ તમારો ધરજો સ્નેહથી
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply