આભે ચડયો ઉન્માદને વરસી પડ્યો વરસાદ થૈ
ભીંજવતી યાદોમાં તું ટપકી પડયો વરસાદ થૈ
યાદોની ચમકી વીજળી ને ઝળહળી ગઇ રાત પણ
ફરિયાદનાં ફોરામાં તું ઝઘડી પડયો વરસાદ થૈ
શ્રાવણ ને ભાદરવાનું ભારણ તો છે બારેમાસનું
હૈયા નિતરતા સ્નેહથી લપકી પડયો વરસાદ થૈ
ડુસકાઓ ભરતા વાદળૉ સાથે તરસ પણ ગાય છે
રિમઝિમ સૂરે ધરતી ઉપર સરકી પડયો વરસાદ થૈ
લીલી એ ચોમાસાની વાતો આકરી લાગે મુજને
ને લીલની જેવો મને વળગી પડ્યો વરસાદ થૈ
મારા સજનના દેશમાં મારી ખબર દઈ આવજે
પરદેશમાં વિરહે ઘણો લપટી પડયો વરસાદ થૈ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply