સંભાવનાની વાટે કેટલાય સ્મરણો મનમાં સરકાવ્યા કર્યા
લાગ્યું મન ભરાઈ ગયું ને સફાઈ કરવાનું બહાનું મળી આવ્યું,
અંદર થી આજે જાણે અજાણે ધરબાવેલું સઘળું જડી આવ્યું.
કોઈના દીઘેલા મહેણાં, ટોણા, દગા પ્રપંચની ઘટનાઓ બધું,
જે જોઇને મન ખીન્ન્તાથી ભરાઈ ગયું, સાથે દુર્ગંધ ફેલાવી ગયું,
એ વધારાનું લાગતું હતું, ગંધાતું હતું તેને તરત બહાર ફેકી દીઘું.
કોઈ મીઠી વાતો સમય સાથે દીધેલ સાથ સહકારની ગાથાઓ,
આ બધું જુનું પણ ચોખ્ખું અને ચંદન સમું સુગંધિત લાગતું હતું
ધૂળ ખંખેરી, ફરીફરી યાદ કરી સઘળું સાચવીને પાછું મૂકી દીઘું.
આ મા-પાપાનો ખોળો, લાકડાનો ઘોડો, મિત્રો સાથે ચોરો,
આ બધું જુનું પુરાણું એવું હતું જેની તો ઘૂળ પણ વહાલી હતી,
તેને અમી ભરી નજરે જોઈ ઘૂળ સહીત યથાવત ગોઠવી દીધું.
બાકી રહી તે આ નવી લાગતી લલચાવતી સંભાવનાઓ નું શું કરું?
તેને મારી લાગણીઓના પાણી છાંટી તાજી રાખું કે જવા દઉં?,
વિચારીને રાખી લીધી, રખે સમય જતા તે આમાંની એક બની જાય !
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply