સઘળું થાળે પડશે. . . .
પ્યાસ જીવાડી રાખ તો અંતે, રણમાં વીરડા જડશે. .
ને, સઘળું થાળે પડશે. .
પથ્થરમાંથી ફૂટતું તરણું, તેજ સવાયું રાખે,
તડકામાં તપ કરતા વૃક્ષો, ખુદ્દના ફળ ના ચાખે,
આગળ ને ઉપર ઉઠવાના, મારગ આમ જ મળશે. .
ને સઘળું થાળે પડશે. .
વગડાના સન્નાટાને પણ, તમરાં લયમાં ઢાળે,
લીલી-સૂકી ક્ષણને ડાળી, સમભાવે સંભાળે,
ખાલીપાનો રવ સાંભળ તો, તથ્ય નવા સાંપડશે. .
ને, સઘળું થાળે પડશે. .
ગજ સમજણનો હોય અગર તો, પડછાયા રહે માપે,
હો, પીડાની શગ ઝીણી પણ, અજવાળી ક્ષણ સ્થાપે,
બાદ થવાનું રાખ વલણ તો, ભીતરથી તું વધશે. .
ને, સઘળું થાળે પડશે. .
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply