સંબંધોમાં જે રીતે ભરતી ભાળી છે
એ જ રીતે મેં ભાળ્યા વળતાં પાણી.
સખી, આ વાત નથી કંઇ સહેલાઈથી જાણી.
ગાઈ-વગાડી કહેવામાં કે મૌન રહીને સહેવામાં ઉઝરડા તો પડવાના,
બે બાજુએ હાથ ધરીને મનપંખીના મનસૂબાના ઘાટ નવા ઘડવાના.
અગવડને કે સગવડને પણ ગૌણ ગણીને કરવાની છે રોજેરોજ ઉજાણી..
સખી, આ વાત નથી કંઈ સહેલાઈથી જાણી.
મહોરાંની કારીગરી ને દિમાગી કરતબ વચ્ચે ધબકારા લયમાં રાખ્યા,
મેઘધનુષી લાગણીઓની રમણાં સાથે શ્યામ-સફેદી ભ્રમણાંના ફળ ચાખ્યા.
તળ ને થડથી નિસબત રાખી જાત જરા વિસ્તારી અંદર-બહારે કરવી લ્હાણી..
સખી, આ વાત નથી કંઈ સહેલાઈથી જાણી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply