રાખી મારી લાજ.
હરિ, તેં રાખી મારી લાજ.
તારા હોવાના સંકેતે ઉકલ્યા કામ ને કાજ.
હરિ, તેં રાખી મારી લાજ.
સપનું નહિ મેં એક હકીકત ખુલ્લી આંખે જોઈ,
હળવે, હળવે મારા “હું ” ને રોજ મઠારે કોઈ,
આજ હવે આ મનની ઉપર, ચાલે મારું રાજ.
હરિ, તેં રાખી મારી લાજ.
હાથવગી કે હાથવછૂટી ક્ષણની જોઈ લ્હાણી,
પારા જેવી એની ચંચળ ચાલ મને સમજાણી,
ખુદ ને સમજી લેવા સમજ્યા ખુદ ના રીત-રિવાજ.
હરિ, તેં રાખી મારી લાજ.
પાસા અવળા નાંખુ ત્યાં તું સંભાળી લે બાજી,
પ્રશ્નો અને દ્વિધાથી મારી જાત સતત તેં માંજી,
ટાણે આવી ઊભા રહો ત્યાં કેમ થવું નારાજ ?
હરિ, તેં રાખી મારી લાજ.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply