મેં જ મને તક આપી,
પંખ-વિરોધી થાવા કરતાં, સમજણ મનમાં સ્થાપી. . . !
સાવ નજીવા કારણસર અહીં, ગાંઠ બધીયે પડતી
એમ જ અવસર ટાણે પાછી, કારણ-વિણ એ નડતી
મેઘધનુષી સપનું ભાળી, શ્વેત હકીકત જાપી. . . !
મેં જ મને તક આપી. . !
રેખાઓ ની ભીતર રહીને, ચીલો નોખો પાડ્યો
સાદ-હ્રદયનો સૂણીને આ, પડધો પાછો વાળ્યો
અજવાળાની નેમ હતી તો, જાત સહજ સંતાપી. . . !
મેં જ મને તક આપી. . !
સાચુકલા સ્નેહી-જનને તો, શ્વાસ સરીખા રાખ્યા
હાથવગા સુખ સાથે દુઃખના, ભાગ્ય-તણાં ફળ ચાખ્યા
સંબંધોને લયમાં રાખી, રાગ નવો આલાપી. . . !
મેં જ મને તક આપી. . !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply