મનનું તો બસ એવું છે કે…
ગમતાં માં એ તાડ નહીં ગમતાં માં ઝીણું તરણું.
મન માને તો તમરાંને પણ બોલાવી લે ઘેર,
નહિં તો સરગમ સાથે જાણે સાત જનમ નું વેર,
મનમોજી એવું કે પળમાં પથ્થર પળમાં ઝરણું.
મનનું તો બસ એવું છે
આમ જુઓ તો મનને કેવળ સમજણ સાથે નાતો,
સાર ગ્રહેતો પાર ઉતારે નહિંતર ખાલી વાતો,
ભેદ હકીકતના તાગે છે નાજુક નમણું શમણું.
મનનું તો બસ એવું છે
અજવાળી ક્ષણ આંખે આંજી સોળ કળાએ ખીલે,
ગુલમ્હોર બતાવી ચૈતરના સૂરજને હોંશે ઝીલે,
હાથવગા સુખ શીખવી દે છે, દુઃખને ક્યાં અવગણવું.
મનનું તો બસ એવું છે
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply