મન તો મીરાં થઇ ને મ્હાલે. .
ખુદનો પકડી હાથ અને એ નોખે મારગ ચાલે. .
ઝળહળ સપનું જોઈ હકીકત સાવ સહજ સત્કારું,
પોત ફરજનું પહેરીને હું ઘર-આંગણ શણગારું,
ભાગ્ય મારું હું જ લખું છું, વાંચ નહી તું ભાલે. .
મન તો મીરાં થઈ ને મ્હાલે. .
ઝેર કટોરો પી ને મીરાં, સોનેરી ઈતિહાસ બની,
મૌન અને શબ્દો સાધીને હું યે થઈ ગઇ આજ ધની,
ભીતરનો વાસંતી વૈભવ પતઝડમાં પણ ફાલે. .
મન તો મીરાં થઈ ને મ્હાલે. . .
દુ:ખતી રગ ઝાલીને સ્હેજે પીડાને લઉં કાંતી,
ને, ખુશીઓના ગીત લખીને ખુદનો ભેરુ થાતી,
સંગી, સાથી, હમદર્દીની ખોટ હવે નહિ સાલે. .
મન તો મીરાં થઈ ને મ્હાલે. .
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply