ભીનપવર્ણી તરસનો પડઘો દશ દિશે પડઘાતો,
સખી, આષાઢ નથી સહેવાતો
અનરાધારનો ડોળ કરીને વરસ્યો ધીમી ધારે,
કેમ કરી ઉચકાય સખી, આ ગોરંભો છે ભારે,
મોરપીચ્છી સંદેશા લાવી વાયરો ય હરખાતો,
સખી, અષાઢ નથી સહેવાતો.
ચૈતરને મેં ગુલમહોરી શીળો થપ્પો દીધો,
જેઠ તણા ઉકળાટને કાગળ ઉપર ઠારી લીધો,
લાખ ઉપાયે છૂટયો નહિ આ મેઘધનુષી નાતો,
સખી, આષાઢ નથી સહેવાતો.
રંગે-રૂપે નોખાં ટાણાં સંભાળ્યા છે સ્હેજે,
વાત જરીક છે લાંબી સખી, પણ તું હોંકારો દેજે,
ગમતિલા સંગાથ વગરનો વલોપાત વળખાતો,
સખી, આષાઢ નથી સહેવાતો.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply