પોત ભલે હો ઝીણું. . .
ભાત અગર હો પોતીકિ તો, ઊતરે નહિં એ ઊણું. . !
દર્પણના વરતારાઓ પણ, લાગે જ્યારે ટાંચા,
સંબંધોના તાણાંવાણાં, ઉત્તર આપે સાચા !
ખુદ્દને મળવાનું સહેલું થ્યું, જાત જરીક જ્યાં ફીણું. . .
પોત ભલે હો ઝીણું. . !
અંકિત સઘળું હોય નહીં કૈં, હાથ મહીં કે ભાલે,
મારગ ખુદ્દનો ખોળી ઝરણું, ચાલ લચકતી ચાલે,
તર્ક બધા તડકે મૂકી આ, વાત હ્રદયની સૂણું. . .
પોત ભલે હો ઝીણું. . !
આકૂળ-વ્યાકૂળ ઈચ્છાઓને, વૈરાગી ક્ષણ ઠારે,
ભાવ તણી ભરતી તો અંતે, ડૂબનારાને તારે,
હાથ સમય પણ ઝાલી લેશે, રાખ વલણ તું કૂણું. . .
પોત ભલે હો ઝીણું. . !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply