દાવ રોજેરોજનો ખોટો-ખરો સૌ ને
પડે છે આપવો..
ત્યાં કંઈ નથી નો ભાર શીદને રાખવો?
ઝૂલવાની કે ઝુરવાની સૌ ઘટનાને
તું ઝાકળ સાથે સરખાવી સંભાળી લે
રેશમ-રેતી જેમ સરકતી પળને જાણી,
માણી એને ફુલ્લગુલ્લાબી તાળી દે
ભાવ નથી કંઈ ટાંચા..કહીને,
કાગળ પર એક શબ્દઅરીસો ટાંગવો
ત્યાં કંઈ નથી નો ભાર શીદને રાખવો?
વાતને સંકેલવાની વાત જડે તો
માખણમાંથી વાળ સરે એમ સરવું
આગળ જાવાનું જરૂરી હોય નહીં તો
ઝાડની જેમજ હોવું સાબિત કરવું
અંદરનું અજવાળું ઊગ્યું હેમખેમ એ
ઉત્સવ રૂડો માણવો
ત્યાં કંઈ નથી નો ભાર શીદને રાખવો?
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply