તડકા લૈ લે તારો દાવ
ખારા જળને મીઠું કરવા, તું યે તને અજમાવ…
અનરાધારે વરસી તારી આંતરડી જ્યાં ઠરશે,
સ્તબ્ધ સીમ ને શેરી, પાદર, ધીર ધરી તપ ધરશે,
ગરમાળાને ડારો દેવા, મૂછે દઇ દે તાવ…
તડકા લૈ લે તારો દાવ..
વા વૈશાખી, લૂ ચૈતરની, શસ્ત્ર બધા યે સજાવી ,
ચકલું યે ના ફરકે એવી તેં તો ધાક જમાવી,
કાળ-ઝાળ સન્નાટાનું તું બખ્તર પ્હેરી આવ…
તડકા લૈ લે તારો દાવ..
સંબંધોમાં હોય અગર જો મીણ સરીખો સાંધો,
તાપ સમયનો સ્હેજ પડે ત્યાં પડતો મોટો વાંધો,
સમજી ને એથી મેં રાખ્યો ગુલમ્હોરી સ્વભાવ…
તડકા લૈ લે તારો દાવ..
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply